Select Page

વિદ્યાર્થીઓના પરિણામને વાલીઓ પોતાનું આઈડેન્ટેન્ટી ન બનાવે- વડાપ્રધાન મોદી માતા-પિતા બાળકોને આત્મવિશ્વાસ અને સંયમથી બોર્ડની પરીક્ષા આપવા તૈયાર કરે

વિદ્યાર્થીઓના પરિણામને વાલીઓ પોતાનું આઈડેન્ટેન્ટી ન બનાવે- વડાપ્રધાન મોદી માતા-પિતા બાળકોને આત્મવિશ્વાસ અને સંયમથી બોર્ડની પરીક્ષા આપવા તૈયાર કરે

તંત્રી સ્થાનેથી…
અત્યારે બોર્ડની પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. બોર્ડની પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓના મગજમાં ઉભો કરવામા આવે છે. બોર્ડની પરીક્ષા ઉપર સંતાનનુ ભવિષ્ય નિર્ભર હોવાથી મા બાપની ચિંતા પણ વ્યાજબી છે. આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે યુધ્ધથી ઓછી હોતી નથી. વિદ્યાર્થીઓ પણ જાણતા હોય છે કે પરીક્ષા બાદના પરિણામનું મૂલ્ય શુ હોય છે. માતા-પિતા ઉપરાંત સગા સબંધીઓ, આડોશી પડોશી દરેક વ્યક્તિ કેટલા માર્કસ મળ્યા શુ પરિણામ આવ્યુ તેની આતુરતામા હોય છે. લોકોની આ અપેક્ષાઓ બાળકોના માથા ઉપર બોજ બનતા હોવાથી આવા માહોલમા તણાવ, ગભરાટ અને ચિંતા બાબતે કાળજી લેવામા ન આવે તો તેની અસર પરિણામ ઉપર જોવા મળે છે. પરીક્ષાના ડરથી વિદ્યાર્થીઓ નાની-નાની ભુલો કરી બેસતા ખરાબ માર્કસ આવતા હોય છે. સારા માર્કસ મેળવતા વિદ્યાર્થીઓના માતા-પિતાએ ગૌરવ લેવાનો પૂરે પૂરો હક્ક છે. પરંતુ કેટલીક વખત ગૌરવનો એટલો અતિરેક થતો હોય છે કે તેના કારણે અન્ય વિદ્યાર્થીઓ ઉપર તેની હતાશા તરફ લઈ જતી માનસિક્તા ઉભી થતી હોય છે. એટલા જ માટે ગુજરાત સ્ટેટ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષામા નંબર જાહેર નહી કરવાનો નિર્ણય લીધો છે. સીબીએસસી બોર્ડની પરીક્ષા પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી પ્રગતિ મેદાનમા ભારત મંડપમમા આયોજીત પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમમા માતા-પિતા બાળકોના પરિણામને પોતાનુ આઈડેન્ટીટી ન બનાવે તેવી ટકોર કરી હતી. જો કે બોર્ડની પરીક્ષામા કેવુ પરિણામ લાવવુ અને કેટલા માર્કેસ મેળવવા તેનો સમગ્ર મદાર તો છેવટે વિદ્યાર્થીઓ ઉપર જ છે. એવા તો ઘણા કિસ્સા છે કે ધો.૧૦માં ૯૦ ટકા ઉપર માર્કસ મેળવનાર વિદ્યાર્થી ધો.૧રની પરીક્ષામાં સારા માર્કસ લાવી શક્તા નથી. તેની પાછળ પરીક્ષાનો હાઉ જવાબદાર છે. ધો.૧રના પરિણામ ઉપર કારકિર્દીનો મદાર હોવાથી વિદ્યાર્થીઓ તણાવમા આવી જાય છે. આખુ વર્ષ તૈયારી કરતા બાળકો પણ છેલ્લા સમયે તણાવમા આવી જતા હોવાથી જે યાદ હોય તે પણ ભુલી જાતા હોય છે. આવી સ્થિતિમાં ભૂલો ટાળશો અને આત્મવિશ્વાસ સંયમ તથા ધૈર્ય સાથે પરીક્ષા આપશો તો સારૂ પરિણામ મેળવી શકાય છે. ખોટો હાઉ અને તણાવના કારણે અભ્યાસક્રમની કરેલી તૈયારીઓ ઉપર માઠી અસર પડે છે. પરીક્ષાના થોડા દિવસ પહેલા કોઈપણ પ્રકારના તણાવને હાવી ન થવા દેવો તે મહત્વપૂર્ણ છે. તણાવ દૂર કરવા થોડો સમય ધ્યાન કરી શકો છો, રમતો રમી શકો છો, થોડો સમય મનોરંજન માણી શકાય કે સંગીત પણ સાંભળી શકાય. પરીક્ષાના દિવસોમા આખા અભ્યાસક્રમનુ રિવિઝનની ચિંતા કર્યા વગર જે વાચ્યુ છે તેના ઉપર ધ્યાન આપવુ જોઈએ. પરીક્ષામા જે લખ્યુ છે તેનુ જ પરિણામ આવવાનુ છે. જેથી પરીક્ષા આપીને બહાર આવ્યા બાદ સાથી વિદ્યાર્થીઓ સાથે પેપર સોલ્યુશન કરવાનુ ટાળવુ જોઈએ. પેપર સોલ્યુશન કરવાથી મુંઝવણ ઉભી થવાથી તેના કારણે પાછળના વિષયના પેપર ઉપર તેની અસરો થતી હોય છે. પરીક્ષાના સમયે ઉંઘ અને ખોરાક ઉપર વિદ્યાર્થીઓ ખૂબજ ઓછુ ધ્યાન આપતા હોય છે. જયારે આ બન્ને બાબતો ખૂબ જ મહત્વની છે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ અભ્યાસમા એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમની ઉંઘનુ ચક્ર ખોરવાઈ જાય છે. પુરતી ઉંઘ ન મળવાથી તેની સીધી અસર યાદશક્તિ ઉપર પડે છે. તજજ્ઞોના મતે ૭થી ૮ કલાકની ઉંડી ઉંઘ થી તન અને મનનો પૂરતો આરામ મળશે અને મગજ નવી તાજગી સાથે વધુ સારી રીતે કામ કરશે. પરીક્ષા દરમ્યાન હેલ્ધી ડાયટનુ ધ્યાન રાખવુ પણ એટલુ જ જરૂરી છે. આ સમયે આહારમા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ, વિટામીન્સ, મિનરલ્સનો સમાવેશ કરતો આહાર લેવો જોઈએ. પરીક્ષાના દિવસોમા રોટલી, લીલા શાકભાજી, કઢોળ, ભાત, દહીં, અને સલાડ ખાવા જોઈએ. રોજીંદા ખાવાની દિનચર્ચામાં ફેરફાર કરવો તે હિતાવહ નથી. સ્કુલમાં જતા કે છુટ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ જંકફૂડ કે ફાસ્ટફૂડનો ટેસ્ટ માણ્યા વગર રહી શકતા નથી. પરીક્ષાના સમયે આવો ખોરાક સદ્દંતર ત્યજવો જોઈએ. બહારનો ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય બગડે છે અને તેની સીધી અસર પરિણામ ઉપર થતી હોય છે. બોર્ડની પરીક્ષા સમયે તંત્રએ પણ તકેદારી રાખવાની એટલી જ જરૂરી છે. પરીક્ષાના સમયે ઘણી જગ્યાએ રાત્રે મોટા અવાજે વાગતા સ્પીકરથી વિદ્યાર્થીઓના વાંચનમા ખલેલ પડતી હોય છે. પરીક્ષાના સમયે મોટા અવાજે વાગતા સ્પીકરનુ પ્રદુષણ બંધ કરાવવુ જોઈએ. વિદ્યાર્થીઓએ એટલુ યાદ રાખવાનુ છે કે બોર્ડની પરીક્ષાએ છેલ્લી પરીક્ષા નથી. જીવનમા ડગલે ને પગલે સીલેબશ બહારના પ્રશ્નોનો સામનો કરવાનો છે. આત્મવિશ્વાસ, સંયમ અને ધૈર્યથી વર્તશો તો જીવનની તમામ પરીક્ષાઓમા સફળતા મળશે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક….

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts