ભાદરવી પૂનમે પદયાત્રા માર્ગે ઓરકેસ્ટ્રા પાર્ટીઓનુ પ્રદર્શન નડતરરૂપ
ટ્રાફીક જામની સમસ્યાઓ સર્જાતા તંત્ર મંજુરી માટે વિચારે
- રોડ ઉપરના સ્ટેજ પ્રોગ્રામથી ભીડ એટલી થતી હોય છેકે પદયાત્રીકો ચાલી શકતા નથી કે વાહન વ્યવહાર થઈ શકતો નથી
અંબાજી ભાદરવી પૂનમના મેળા સમયે પદયાત્રીઓના સેવા કેમ્પની સાથે ઓરકેસ્ટ્રા પાર્ટીઓનુ પણ આયોજન કરવામાં આવે છે. સેવા કેમ્પોમાં પદયાત્રીઓની સેવા થાય છે. જ્યારે ઓરકેસ્ટ્રા પાર્ટીઓના કારણે ટ્રાફીક જામ થતા પદયાત્રીઓને ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે. પદયાત્રા સંઘ સાથેના વાહનો પણ જઈ શકતા નથી ત્યારે પદયાત્રીઓને નડતરરૂપ આવા આયોજનો સામે સરકાર તેમજ જીલ્લા વહિવટી તંત્રએ વિચાર કરવો જોઈએ.
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શક્તિ અને ભક્તિની ઉપાસના કરતા લાંબા અંતરથી ચાલીને આવતા પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ સુવિધાઓ અને વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. ટ્રાફીકના કારણે પદયાત્રીઓને ચાલવામાં તકલીફ પડે નહી તે માટે અંબાજી તરફના કેટલાક રસ્તાઓમાં ડાયવર્ઝન આપવામાં આવે છે. તંત્ર દ્વારા પદયાત્રીઓની સલામતી અને સુવિધા માટે તમામ તકેદારી રાખવામાં આવે છે. ત્યારે પદયાત્રીઓને નડતરરૂપ સ્ટેજ પ્રોગ્રામો સામે તંત્ર કેમ આંખ આડા કાન કરે છે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
ભાદરવી પૂનમે અંબાજી ચાલતા જતા માઈભક્તોની સેવા કરવા માર્ગો ઉપર ઠેર ઠેર ચા-પાણી, નાસ્તા, પાકુ ભોજન, શરબત, વિસામો, મેડીકલ વિગેરે સેવા કેમ્પ કરવામાં આવે છે. વિવિધ મિત્ર મંડળો, વેપારી મંડળો, સંસ્થાઓ દ્વારા થતા આ સેવા કેમ્પ પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ છે. આવા સેવા કેમ્પોમાં પદયાત્રીઓની સાચા હૃદયથી નિઃસ્વાર્થ ભાવે સેવા થતી હોય છે. આ પ્રકારના સેવા કેમ્પથી આયોજકોને કોઈ લાભ થાય તેવી કોઈ લાલચ કે સ્વાર્થ હોતો નથી. આ સેવા કેમ્પમાં આયોજકો શારીરીક અને આર્થિક બન્ને રીતે ઘસાય છે. સેવા કેમ્પમાં ફક્તને ફક્ત સેવાનીજ ભાવના હોય છે.
જ્યારે પદયાત્રાના માર્ગે છેલ્લા કેટલાક વર્ષથી લાઈવ સ્ટેજ પ્રોગ્રામ, ઓરકેસ્ટ્રા, સ્ટેજ શોનુ દુષણ એટલુ વધી ગયુ છેકે જેમાં તંત્રની કોઈ રોક ટોક નહી હોવાથી પદયાત્રીઓ મુશ્કેલીમાં મુકાય છે. સ્ટેજ પ્રોગ્રામમાં રાજકીય શક્તિ પ્રદર્શન થતુ હોય છે. કેટલાક ઓરકેસ્ટ્રા સંચાલકો નામનો પ્રસાર પ્રચાર કરવા સ્ટેજ પ્રોગ્રામનુ આયોજન કરે છે. નવા ઉગતા કલાકારો ઓળખ ઉભી કરવા વિનામૂલ્યે સ્ટેજ પ્રોગ્રામ કરે છે. આમ સ્ટેજ પ્રોગ્રામ પદયાત્રીઓની સેવા માટે નહી પોતાના સ્વાર્થ ખાતર થતા હોય છે. અંબાજી પદયાત્રા માર્ગે થતા સ્ટેજ પ્રોગ્રામો પદયાત્રીઓ માટે મુશ્કેલીરૂપ બની ગયા છે. પદયાત્રા માર્ગની નજીક થતા ઓરકેસ્ટ્રા પાર્ટીના સ્ટેજ શોના કારણે એટલી ભીડ થતી હોય છેકે, આવા સ્ટેજ પ્રોગ્રામ આગળથી પદયાત્રીને ચાલવુ મુશ્કેલ બની જાય છે. સ્ટેજ શોના કારણે ટ્રાફીક જામ થતા પદયાત્રા સંઘના રથ અટવાઈ જાય છે. સંઘ સાથેના વાહનો પસાર થઈ શકતા નથી. સ્ટેજ શો સ્થળે તંત્રનુ કોઈ નિયંત્રણ નહી હોવાથી કલાકો સુધી ટ્રાફીમ જામના દ્રશ્યો સર્જાય છે. મેડીકલ ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ ફસાય છે. સ્ટેજ શો જોવા માટે નજીકના શહેરના અને ગામડાના લોકો ઉમટતા ખુબજ ભીડ જોવા મળે છે. સેવા કેમ્પમાં મુકવામાં આવેલ સાઉન્ડમાં વાગતા ગરબાથી પદયાત્રીઓ ગરબે ઘુમતા નજરે પડે છે. પરંતુ લાઈવ ઓરકેસ્ટ્રાના સ્ટેજ પ્રોગ્રામમાં ભીડ એટલી હોય છેકે પદયાત્રી આસાનીથી ચાલી શકતા નથી તો ગરબે ઘુમવાની તો વાતજ ક્યા રહી. ભાદરવી પૂનમે અંબાજી પદયાત્રા માર્ગે સ્ટેજ પ્રોગ્રામ ફક્તને ફક્ત સ્વાર્થનો પ્રોગ્રામ છે. પદયાત્રીઓને નડતરરૂપ બનતો પ્રોગ્રામ છે ત્યારે આવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મુકવા તંત્રએ વિચાર કરવો જોઈએ.