ધરોઈ રોડની હિમાલય સોસાયટી આગળ થાંભલા નાખતા રોષ
સંતોષનગરના આંતરિક રોડમાં વાહન વ્યવહાર અટકાવવા
વિસનગરમાં ઓવરબ્રીજ કામગીરીના કારણે શહેરમાં ટ્રાફીક વધતા સોસાયટીઓના આંતરીક જાહેર રસ્તાઓ ઉપર વાહનોની અવર જવર વધી છે. જેના કારણે અકસ્માતના પણ બનાવો વધે છે. સોસાયટીના રહિશોની રજુઆત બાદ પાલિકા દ્વારા થાભલા નાખવામાં આવતા વાહનો લઈ અવર જવર કરતા આસપાસની સોસાયટીના રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગળ પાલિકાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે આવા નિર્ણયોથી વિરોધ ઉભો થઈ શકે તેમ છે. સંતોષનગર સોસાયટીમા આંતરીક જાહેર રોડ ઉપર ફોર વ્હીલ વાહનોની અવર જવર બંધ થાય તે માટે ધરોઈ કોલોની રોડ બાજુ હિમાલય સોસાયટી આગળ થાભલા નાખવામાં આવતા આ વિસ્તારના અન્ય સોસાયટીના લોકોમા ભારે રોષ ફેલાયો છે. ધરોઈ કોલોની રોડ વિસ્તારની સોસાયટીના રહિશોએ નારાજગી વ્યક્ત કરી છે કે, ફક્ત સંતોેષનગર સોસાયટીના રહિશોની ચિંતા કરવામા પાલિકાએ આ રોડની તમામ સોસાયટીના રહિશોની ધરાર અવગણના કરી છે.
વિસનગરમાં આઈ.ટી.આઈ. ફાટક ઓવરબ્રીજના કારણે હાઈવે બંધ કરવામાં આવતા શહેરના આંતરિક રસ્તાઓ ઉપર ટ્રાફીકનુ ભારણ વધ્યુ છે. જેમા ધરોઈ કોલોની રોડથી વિજ કંપનીની ઓફીસ સામે એમ.એન.કોલેજ રોડ તરફ નિકળતો સંતોષનગર સોસાયટીના આંતરિક જાહેર રોડ ઉપર વાહનોની પુષ્કળ પ્રમાણમાં અવર જવર વધી છે. જેના કારણે સોસાયટીના આંતરિક રોડ ઉપર અકસ્માતના બનાવો બની રહ્યા છે. એક માસ અગાઉ આ રોડની બંન્ને બાજુ લોખંડની તાર બાંધી રોડ બંધ કરવામાં આવતા હોબાળો થતા તાર ખોલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીથી તા.૧૮-૨-૨૦૨૫ના રોજ ધરોઈ કોલોની રોડથી સંતોષનગર તરફ જતા રોડમાં હિમાલય સોસાયટીના નાકે લોખંડના થાભલા નાખવામાં આવતા વિવાદ વકર્યો છે. પાલિકામાં તપાસ કરવામાં આવતા જાણવા મળ્યુ હતુ કે, બે ત્રણ દિવસ પહેલા એક્ટીવા ઉપર જતા સોસાયટીના રહીશને રીક્ષા ચાલકે અડફેટે લીધા હતા. સોસાયટીના રહીશોની રજુઆત બાદ લોખંડના થાંભલા નાખવામાં આવ્યા છે. રીક્ષા અને ફોરવ્હીલ વાહન ચાલકો અવર જવર કરી શકશે નહી. ફક્ત ટુ વ્હીલર વાહન ચાલકો અવર જવર કરી શકશે.
પાલિકાની સુચનાથી લોખંડના થાભલા નાખવામા આવતા ધરોઈ કોલોની રોડની અન્ય સોસાયટીના રહીશોએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યુ છે કે, ફક્ત બે ત્રણ સોસાયટીના રહિશોની રજુઆતથી ધરોઈ કોલોની રોડની અસંખ્ય સોસાયટીની રહિશોની ધરાહર અવગણના કરવામાં આવી છે. ફાટકનો રસ્તો બંધ કરવાથી ધરોઈ કોલોની રોડ ઉપર પણ પુષ્કળ પ્રમાણમાં વાહન વ્યવહાર વધ્યો છે. પુર ઝડપે જતા વાહનોના કારણે સોસાયટીના લોકો અકસ્માતનો ભોગ બને છે. તો શું અમારી રજુઆત સાંભળી ફોર વ્હીલ વાહનોની અવર જવર બંધ કરવા પાલિકા તંત્ર બંસલ મોલ આગળ થાભલા નાખશે ખરા! બામણ ચાયડા વોટર વર્કસની બાજુમાથી ગાયત્રી, અંબિકા, આશિષ સોસાયટીના આંતરિક જાહેર રોડ ઉપર પણ વાહન વ્યવહાર વધ્યો છે. તો શું આ સોસાયટીની રહીશોની રજુઆતથી પાલિકા વોટર વર્કસ પાસે પણ થાભલા નાખશે. સંતોષનગર સોસાયટીના વાહનચાલકો પણ ગાંધીનગર મહેસાણા તરફ જવા અહીથી પસાર થતા હતા. હવે એમ.એન. કોલેજના ટ્રાફીકવાળા રસ્તા ઉપરથી પસાર થઈ ધરોઈ કોલોની રોડ ઉપર આવવુ પડે તેમ હોવાથી સંતોષનગરના કેટલાક વાહનચાલકોમાં પણ થાંભલા નાખતા ગણગણાટ કરી રહ્યા છે.
એમ.એન.કોલેજ રોડ ઉપર વારંવાર ટ્રાફીક જામ થાય છે આવા સંજોગોમાં વિજ કંપનીની ઓફીસની સામેના સંતોષનગર સોસાયટીના આંતરિક જાહેર રસ્તાથી ધરોઈ કોલોની રોડ ઉપર આવી શકાય છે. શહેરમાં આવીતો ઘણી સોસાયટીના આંતરિક રોડમા વાહન વ્યવહારનો ટ્રાફીક વધ્યો છે. જો દરેક સોસાયટીના રહિશોની રજુઆતથી પાલિકા તંત્ર આ રીતે થાભલા નાખશે તો લોકો અવર જવર કરશે ક્યાંથી. આંતરિક રસ્તાઓ ઉપર ટ્રાફીક વધ્યો હોય તો વાહનોની ગતિ રોકવા બંપ બનાવાય તે વ્યવહારીક છે. પરંતુ ફોર વ્હીલ વાહનોની અવર જવર બંધ કરવા થાભલા નાખવાનું કોઈ રીતે યોગ્ય નથી. ધરોઈ કોલોની રોડની એક સોસાયટીના રહિશોએ એવો રોષ વ્યક્ત કર્યો હતો કે પાલિકાએ સમગ્ર ધરોઈ રોડની સોસાયટીના લોકોની અવગણના કરી છે. જેનુ પરિણામ આવનાર પાલિકાની ચુંટણીમાં જોવા મળશે.