વિસનગર તાલુકાના ૪૦ ગામમાં મિયાવાકી પ્રોજેક્ટનું સુરસુરીયુ
રાજકીય ડખલગીરીના કારણે તાલુકા પંચાયતનો વહીવટ કથળ્યો
- મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીએ સાત મહિના પહેલા મનરેગા યોજનામાં મિયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ કરવા બાવન ગામની વહીવટી મંજુરી આપી હતી, પરંતુ ૧૨ ગામમાંજ વૃક્ષારોપણ થયુ
વિસનગર તાલુકામાં સરકારની મનરેગા યોજનામાં ગામની ગૌચર તથા ખરાબાની જમીનમાં જાપાનની મીયાવાકી પધ્ધતિથી વિવિધ જાતિના વૃક્ષોનું વાવેતર કરવા જીલ્લા કક્ષાએથી સાત મહિના પહેલા ૫૨ (બાવન) ગામોની વહીવટી મંજુરી આપવામાં આવી હતી. જેમાં અત્યારે તાલુકાના ૧૨ ગામમાં જ કામ થતા મિયાવાકી પધ્ધતિ વિસનગર તાલુકામાં નિષ્ફળ પુરવાર થઈ છે. જોકે રાજકીય દખલગીરીના કારણે તાલુકામાં મનરેગા યોજનામાં કોઈ કામો થતા નથી.
જાપાનની મીયાવાકી પધ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવાથી તેનો ઝડપથી વિકાસ થાય છે, ત્યારે સરકારે મનરેગા યોજનામાં મીયાવાકી પધ્ધતિથી ગ્રામ્ય વિસ્તારની ગૌચર અને ખરાબાની જમીનમાં વૃક્ષારોપણ કરવા દરેક તાલુકા પંચાયતને આદેશ કર્યો હતો. જેમાં મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીએ વિસનગર તાલુકાના ૫૨ ગામમાં મનરેગા યોજનામાં મિયાવાકી પધ્ધતિથી ગામદીઠ ૧૦૦૦ વૃક્ષ વાવવા તાલુકા પંચાયતને સાત મહિના પહેલા વહીવટી મંજુરી આપી હતી. જેમાં તાલુકા અને જીલ્લાના અધિકારીઓની દેખરેખ હેઠળ ૧૨ ગામમાં મનરેગા યોજનામાં મિયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે. જ્યારે બાકીના ગામમાં મિયાવાકી પધ્ધતિથી આજ સુધીમાં વૃક્ષારોપણનુ કામ શરૂ કરવામાં આવ્યુ નથી. અત્યારે તાલુકાના ૪૦ ગામની વહીવટી મંજુરી તાલુકા પંચાયતમાં પેન્ડીંગ છે. જેના કારણે મિયાવાકી પધ્ધતિથી તાલુકાના ગામેગામ હજ્જારો વૃક્ષોનુ વાવેતર કરી ગામડાઓમાં હરિયાળુ વાતાવરણ ઉભુ કરવાની સરકારની યોજના નિષ્ફળ પુરવાર થઈ છે. વિસનગર તાલુકા પંચાયતમાં રાજકીય ડખલગીરીના કારણે ધારાસભ્યની રૂા.૧.૨૦ કરોડ ગ્રાન્ટ (ધારાફંડ)માંથી થનાર ૮૩ વિકાસ કામો ઘણા સમયથી ખોરંભે પડ્યા હતા જેની પ્રક્રિયા હવે શરૂ થઈ છે. વધુમાં અગાઉ મનરેગા યોજનામાં થયેલા કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો થતા વિસનગર તાલુકામાં મનરેગા યોજનામાં થતા કામો છેલ્લા દોઢ વર્ષથી સદંતર બંધ છે. મનરેગા યોજનામાં થનાર કામોેની માત્ર કાગળ ઉપર વહીવટી મંજુરી પડી રહી છે. બીજી તરફ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ પાસે સરકારના ત્રણ મહત્વના ખાતાની તેમજ પ્રવક્તા તરીકેની જવાબદારી હોવાથી તેઓ તાલુકા પંચાયતના વહીવટમાં પુરતુ ધ્યાન આપી શક્તા નથી. જેના કારણે ભાજપના બે-ત્રણ કાર્યકરો વિકાસકામ બાબતે તેમને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી રહ્યા છે. જો કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ ટી.ડી.ઓ., તાલુકા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો અને તાલુકા સદસ્યો સાથે મિટીંગ કરી તાલુકામાં થનાર વિકાસકામો વિશે ચર્ચા નહી કરે તો આગામી ચુંટણીઓમાં ભાજપને મોટુ નુકશાન થશે. હાલમાં મોટાભાગના ભાજપના સદસ્યો બહારના કાર્યકરોની ડખલગીરીથી ખુબજ નારાજ છે.