
ગંજબજાર વરસાદી લાઈનની કુંડીઓમાં હલકી ગુણવત્તાનું કામ

વિસનગરમાં રૂા.૪ કરોડના ખર્ચે ગંજ બજારથી કાંસા રોડ ઉપર આવેલ રામદેવપીર મંદિર સુધી ૧૨૦૦ ડાયાની વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈન નાખવામાં આવી છે. જેમાં સફાઈની કુંડીના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવામાં ન આવતા કુંડીઓમાં તિરાડો પડી છે. ત્યારે પાલિકા ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી વરસાદી પાઈપલાઈનમાં બનાવેલ કુંડીઓના કામનુ નિરિક્ષણ કરી પાણીના છંટકાવ બાબતે કોન્ટ્રાક્ટરને કડક સુચના આપે તેવી લોકોની લાગણી છે.
સરકાર દ્વારા પ્રજાની સુખાકારીના વિકાસકામો માટે લાખો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ અધિકારી અને કોન્ટ્રાક્ટરની સરકારી નાણાંમા ખાયકી કરવાની ભ્રષ્ટ નિતિના લીધે વિકાસકામો ટકાઉ અને મજબુત થતા નથી. અત્યારે વિસનગરમાં રૂા.૪ કરોડના ખર્ચે ગંજ બજારથી કાંસા રોડ ઉપર આવેલ રામદેવપીર મંદિર સુધી વરસાદી પાણીના નિકાલ માટેની મોટી પાઈપલાઈન નાંખવામાં આવી છે. પાઈપલાઈનમાં કચરાની સફાઈ માટે કેટલાક અંતરે કુંડીઓ બનાવવામાં આવી છે. જેમાં એજન્સીના માણસો દ્વારા જરૂરી પાણી છાંટવામાં નહી આવતા અત્યારે કુંડીઓમાં તિરાડો પડવાનું શરૂ થયુ છે. થોડા દિવસ પહેલા પાલિકાના ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ પાઈપ લાઈનના કામનું નિરિક્ષણ કર્યુ હતુ. ત્યારે તેમને આ પાઈપલાઈન અને કુંડીઓના કામમાં કોઈ ખામી ન રહે તેનુ ખાસ ધ્યાન કોન્ટ્રાક્ટરને ટકોર કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરની ગેરહાજરી કે લાપરવાહીના કારણે આજે પાઈપ લાઈનનું કામ ગોકળ ગાયની ગતીએ ચાલી રહ્યુ છે. પાઈપ લાઈન નાખ્યા બાદ તેના ખાડા પુરવામાં નહી આવતા વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. અગાઉ એક રખડતી ગાય પાઈપલાઈનના ખાડામાં પડતા જીવદયા પ્રેમીઓએ તેને બહાર કાઢી બચાવી હતી. ત્યારે પાલિકા ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી આ પાઈપ લાઈનના કામ દરમિયાન કોઈ જાનહાની ન થાય તે માટે ઝડપી ખાડા પુરવા અને પાઈપલાઈનના કામમાં જરૂરી પાણી છાંટવા કોન્ટ્રાક્ટરને કડક સુચના આપે તેવી લોકોની લાગણી છે.