Select Page

૧લી મે તાલુકા પંચાયત ભવનના લોકાર્પણમાં અવઢવ

૧લી મે તાલુકા પંચાયત ભવનના લોકાર્પણમાં અવઢવ

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની સુચનાને પંચાયત માર્ગ મકાન વિભાગે અવગણતા

  • પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની એજન્સી પાસેથી કમિશન લેવાની ભ્રષ્ટ નીતિમાં ફર્નિચરનું કામ અટવાયુ હોવાની ચર્ચા
  • તાલુકા પંચાયત ભવનના એક વર્ષ પછી સિવિલ હોસ્પિટલ અને નગરપાલિકાનુ કામ શરૂ થયુ હતુ. છતાં તાલુકા પંચાયત ભવનના ફર્નિચરનું કામ ટલ્લે ચડ્યુ

વિસનગરમાં નવ નિર્મિત તાલુકા પંચાયત ભવનના ફર્નિચરનું કામ ઝડપી પુર્ણ કરવા કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે બે મહિના પહેલા પંચાયત માર્ગ મકાનના અધિકારીઓને સુચના આપી હતી. પરંતુ પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ટેન્ડર પ્રક્રિયામાં ખાયકી કરવાની ભ્રષ્ટ નિતિના કારણે તાલુકા પંચાયત ભવનના ફર્નિચરનું કામ અટવાયુ છે. જેથી મંત્રી ઋષિભાઈ પટેલની ૧મે ના રોજ તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરવાની ઈચ્છા અધુરી રહે તેવું ચર્ચાઈ રહ્યુ છે.
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટમંત્રી બનતા તેમને તાલુકા પંચાયત, સિવિલ હોસ્પિટલ અને નગરપાલિકા ત્રણેય કચેરીના અદ્યતન બિલ્ડીંગ બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. મંત્રી ઋષિભાઈ પટેલના અથાક પ્રયત્નોથી ત્રણ વર્ષ પહેલા તાલુકા પંચાયત સંકુલમાં નવિન અદ્યતન તાલુકા પંચાયત ભવન બનાવવાનું કામ શરૂ થયુ હતુ. તાલુકા પંચાયત ભવનનું અડધુ કામ થયા બાદ સિવિલ હોસ્પિટલ અને નગરપાલિકા ભવનનું બિલ્ડીંગ બનાવવાનું કામ શરૂ થયુ હતુ. ત્યારે લોકોને એમ હતુ કે, પહેલા તાલુકા પંચાયતનું અદ્યતન બિલ્ડીંગ બનશે પછી સિવિલ હોસ્પિટલ અને નગરપાલિકા ભવનનું બિલ્ડીંગ બનશે. પરંતુ વિસનગર અને મહેસાણા પંચાયત માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક અને કાર્યપાલક ઈજનેરોની લાપરવાહીના લીધે તાલુકા પંચાયત ભવનનું કામ કાચબા ગતિએ ચાલતુ હતુ. જ્યારે સિવિલ હોસ્પિટલ અને નગરપાલિકા ભવનનું કામ ધમધોકાર ચાલી રહ્યુ હતુ. આમ ત્રણેય બિલ્ડીંગની કામગીરી દરમિયાન મંત્રી ઋષિભાઈ પટેલ અવાર નવાર મુલાકાત લઈ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્ર્‌ક્ટરોને જરૂરી સુચનો કરતા હતા. જેમાં બે મહિના પહેલા મંત્રી ઋષિભાઈ પટેલે તાલુકા પંચાયત ભવન, નગરપાલિકા ભવન અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે તેમને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને એપ્રિલ મહિના સુધીમાં એટલે કે તા.૧-૫-૨૦૨૫ના રોજ ત્રણેય કચેરીનું લોકાર્પણ એક સાથે કરી શકાય તે ધ્યાનમાં રાખી બિલ્ડીંગનુ કામ સંપુર્ણ પુરૂ કરવા કડક સુચના આપી હતી. જેમાં તાલુકા પંચાયત ભવન અને નગરપાલિકા ભવનમાં ગોદરેજ જેવી સ્ટાન્ડર્ડ કંપનીનું ફર્નિચર કરવા અધિકારીઓને સુચના આપી હતી. ત્યારે પાલિકા ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને કોન્ટ્રાક્ટરના સંકલનથી પાલિકા ભવનના ફર્નિચરનું કામ તેમજ સિવિલ હોસ્પિટલનું કામ પુર્ણ થવાના આરે છે. જ્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના તાલુકા અને જીલ્લાના અધિકારીઓની જેમની એજન્સી પાસેથી કમિશન લેવાની ભ્રષ્ટ નિતિના લીધે તાલુકા પંચાયત ભવનના ફર્નિચરનું કામ ઘણા સમયથી ખોરંભે પડ્યુ છે. આ અંગે ટી.ડી.ઓ. સુચીબેન પટેલનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતુ કે, તાલુકા પંચાયત ભવનના ફર્નિચર માટે ટેન્ડર પ્રક્રિયા કરવાની જવાબદારી પંચાયત માર્ગ મકાન વિભાગની છે. ટેન્ડર પ્રક્રિયામાં અમારો કોઈ રોલ કે જવાબદારી નથી. જ્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિરેશભાઈ પટેલનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ કે અમે તાલુકા પંચાયત ભવનનું ફર્નિચરની ટેન્ડરીંગ પ્રક્રિયા માટે જીલ્લા કક્ષાની કચેરીમાં દરખાસ્ત કરી છે. જ્યાથી જેમ પોર્ટલ ઉપર સ્ટાન્ડર્ડ કંપનીનું ફર્નિચર બનાવવા ટેન્ડરીંગ પ્રક્રીયા કરવામાં આવશે. અમે તા.૧ મેના દિવસે તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ થાય તેવી ગણતરીથી ફર્નિચરનું કામ પુર્ણ કરીશુ. જોકે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ તાલુકા પંચાયતના ફર્નિચરના કામમાં જેમની એજન્સી પાસેથી કમિશન લેવાની લ્હાયમાં કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની એપ્રિલ મહિના સુધીમાં ફર્નિચરનું કામ પુર્ણ કરવાની સુચનાને અવગણી છે. જેના કારણે મંત્રી ઋષિભાઈ પટેલની ૧ મે ના રોજ તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરવાની આશા અને ઈચ્છા અધુરી રહેશે તેવી તાલુકા પંચાયત તંત્રમાં ચર્ચા ચાલી રહી છે.