
સિક્યુરીટી કોન્ટ્રાક્ટરે પગેરૂ શોધ્યુ-પોલીસે રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર ઉપર ધામા નાખી આરોપી ઝડપ્યો ગંજબજારની ચોરીમાં બાળકિશોર પોર્ટર મુખ્ય ભેજાબાજ

વિસનગર ગંજબજારની પેઢીમા ચોરી થતા વેપારીઓમા ભારે ફફડાટ ફેલાયો હતો. પોલીસે ગંજબજારના તથા અન્ય સીસીટીવી ફૂટેજ તથા મોબાઈલ લોકેશન આધારે તપાસ કરતા પેઢીમા કામ કરતો પોર્ટરજ મુખ્ય ભેજાબાજ નિકળ્યો હતો. ગંજબજારના સિક્યુરીટી કોન્ટ્રાક્ટરે પણ ચોરીનુ પગેરૂ શોધવામાં પોલીસને મદદ કરી હતી. પોલીસે બાળકિશોર આરોપીને પાકિસ્તાન બોર્ડર પાસે રાજસ્થાનથી ઝડપ્યો હતો. તપાસમાં બીજા બે આરોપીઓના નામ ખુલતા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
વિસનગર ગંજબજારની પેઢીઓમાં વર્ષોથી રાજસ્થાનના પોર્ટરો કામ કરે છે. પરંતુ ચોરીનો જે બનાવ બન્યો છે તેના ઉપરથી હવે કોની ઉપર વિશ્વાસ રાખવો તે પ્રશ્ન ઉભો થયો છે. તા.૧૨-૫ ની રાત અને ૧૩-૫ ની વહેલી સવાર વચ્ચે ગંજબજારમાં આવેલ ભગવતી ટ્રેડીંગની પેઢીમાં તાળા તોડી રૂા.૮.૮૦ લાખની ચોરીનો અજાણ્યા ચોરોએ અંજામ આપ્યો હતો. પોલીસે ગુનો નોધી પી.આઈ. એ.એન.ગઢવી, પી.એસ.આઈ. એન.એન.ગોહેલે અલગ અલગ ટીમો બનાવી જીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ગંજબજારની સિક્યુરીટીના કોન્ટ્રાક્ટર મૌલીકભાઈ ફૌજીએ પણ પોલીસને પગેરૂ શોધવામાં ઘણી મદદ કરી હતી. પોલીસે ગંજબજારના તથા અન્ય સીસીટીવી કેમેરા, મોબાઈલ લોકેશન આધારે શકમંદોની તપાસ શરૂ કરી હતી. ગંજબજારમાં રાજસ્થાનના ઘણા પોર્ટર આવે છે અને કામ કરીને જતા રહે છે. આવા પોર્ટરોની પણ યાદી બનાવી તેમના મોબાઈલ લોકેશન ટ્રેસ કર્યા હતા.
ગંજબજાર સીસીટીવીના ફૂટેજ જોતા રાત્રે એક નંબર વગરની સ્વીફ્ટ કાર આવી હતી. મોઢા ઉપર કપડુ બાધેલુ હોઈ પેઢીના સીસીટીવીના ફૂટેજમાં ચોરની ઓળખ થઈ શકી નહોતી. તપાસ દરમ્યાન અઠવાડીયા પહેલા પેઢીમાં કામ કરી જતા રહેલા એક મજુર ઉપર શંકા જતા તેનો મોબાઈલ ટ્રેસ કરતા આ પોર્ટર રાજસ્થાનના બાડમેર જીલ્લાના અને પાકિસ્તાનની બોર્ડરથી ચાર કિ.મી. દૂર આવેલ સારલા ગામનો હોવાનુ માલુમ પડ્યુ હતુ. પી.એસ.આઈ. એન.એન.ગોહેલ, એ.એસ. આઈ.ચિંતનકુમાર નટવરભાઈ, કોન્સ્ટેબલ ભરતભાઈ કાળીદાસ, રાજુભાઈ વજાભાઈ, મનોજકુમાર સાહેબરાવ, મહેશકુમાર વેલજીભાઈ, કલ્પેશકુમાર મનુભાઈ, હાર્દિપસિંહ તખતસિંહ, નિકુલકુમાર કાનજીભાઈની ટીમ આરોપીને પકડવા રાજસ્થાન પહોચી હતી. પાકિસ્તાનની બોર્ડર હોવાથી રાત્રે ટોર્ચનો ઉપયોગ કરવા ઉપર સ્થાનિક પોલીસે રોક્યા હતા. ત્યારે વિસનગરની પોલીસ આખી રાત મોબાઈલ લાઈટના અજવાળે વૉચ ગોઠવી હતી. ત્યારે વહેલી સવારે ચાર વાગે બાળ કિશોર આરોપીને તેના ઘરમાંથી ઝડપ્યો હતો. મુદ્દામાલ ખેતરોમાં ફેકી દીધો હોવાનુ જણાવતા પોલીસે બાજરીના ખેતરમાં તપાસ કરતા રૂા.૩.૬૮ લાખની રોકડ મળી આવી હતી. આરોપી બાળકિશોરની પુછપરછ કરતા બાડમેર જીલ્લાના ગુડામાલાની તાલુકાનો રામજીકા ગોલ ડબોઈનો જાટ પ્રકાશ પુનમારામ તથા બાડમેર જીલ્લાના ચૌહટન તાલુકાના ભીલોકા તાલા જલીલાનો રાજપૂત મદનસિંહ સાદુસિંહ પણ ચોરીનો અંજામ આપવામાં સામેલ હોવાનુ જણાવતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. નોધપાત્ર બાબત છેકે વિસનગરમાં ચોરીના ઘણા ગુના બન્યા છે. પરંતુ પી.આઈ. એ.એન.ગઢવીનો અનુભવ અને કાબેલીયતથી પોલીસ ગુનામા ગણતરીના દિવસોમાં ચોરીનુ પગેરૂ શોધવામાં સફળ રહી છે.