Select Page

રૂા.૩ કરોડના ખર્ચે સુવિધાસભર ગૌરવપથ બનશે

રૂા.૩ કરોડના ખર્ચે સુવિધાસભર ગૌરવપથ બનશે

નવા વર્ષે પાલિકાની નગરજનોને ભેટ

  • એસ.ઓ.આર. પ્રમાણે રિવાઈઝ ટી.એલ.ની. મંજુરી મળતા ટેન્ડરીંગ થયુ

વિસનગરના લોકોને કદાચ આવતી દિવાળી પહેલા સુવિધાસભર આકર્ષક ગૌરવપથ જોવા મળશે. નવા એસ.ઓ.આર. રેટ મુજબ તાંત્રીક મંજુરી મળતા પાલિકા દ્વારા ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે. રૂા.૩ કરોડની માતબર રકમના ખર્ચે શહેરના ગૌરવરૂપ ગૌરવપથનુ નિર્માણ થશે. સમયમર્યાદામાં ઝડપથી કામ કરી શકે તેવાજ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે તે જરૂરી છે. ગંજબજારથી કાંસા રોડ કેનાલ અને ધરોઈ કોલોની રોડ ગટર લાઈનનુ ધીમી ગતિથી કામ કરતા ઓરબીસ એન્જીકોન જેવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવશે તો પાલિકાને વેપારીઓનો અને નગરજનનોનો વિરોધ સહન કરવાનો વારો આવશે.
વિસનગર પાલિકાના ભાજપના શાસનમાં ઉડીને આંખે વળગે તેવો વિકાસ હજુ થયો નથી. પાલિકામાં સત્તા સંભાળ્યા બાદ કોરોનાની બીજી લહેર ત્યારબાદ એસ.ઓ.આર રેટના વધારા માટે કોન્ટ્રાક્ટરોની હડતાલ અને વિવાદોના કારણે ઘણા મહત્વના વિકાસ કામ અટક્યા હતા. વર્ષાબેન પટેલના પ્રમુખકાળમાજ ગૌરવપથના વિકાસ માટે રૂા.૨ કરોડ ૨૧ લાખના ખર્ચે માર્ચ-૨૦૨૨ માં ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. પરંતુ બજેટ કરતા એબોવ ટેન્ડર આવતા મંજુરી મળી નહોતી. હવે વર્ષ ૨૦૨૧-૨૨ ના નવા એસ.ઓ.આર રેટ પ્રમાણે રૂા.૨ કરોડ ૯૭ લાખના ખર્ચની રિવાઈઝ ટી.એસ. મળતા પાલિકા દ્વારા ગૌરવપથના વિકાસ માટેનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે.
સ્ટેશન રોડ ઉપરના ગૌરવપથની નવી ડીઝાઈનમાં કયા ફેરફાર કરવામાં આવ્યા છે તે જોઈએ તો દુકાનો આગળ ચાર ફૂટનો ફૂટપાથ છોડીને ડામર રોડ બનાવવામાં આવશે. દુકાનો આગળ બ્લોક તથા ડસ્ટબીન લગાવવામાં આવશે. રોડ વચ્ચે ડિવાઈડરમાં લોખંડની ગ્રીલ લગાવવામાં આવશે અને અમુક અંતરે પ્લાન્ટેશન માટે જગ્યા છોડવામાં આવશે. ગૌરવપથ રોડ ઉપર સી.એન.કોમર્સ કોલેજ, ડોસાભાઈ બાગ તથા સ્પાન ચંદન મૉલ આગળ વરસાદી પાણી ભરાઈ રહે છે. જ્યા રોડ લેવલે કુંડીઓ બનાવી નવી પાઈપલાઈન નાખી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. ગૌરવપથ રોડ ઉપરના રેલ્વે સર્કલ, ચંદનપાર્ક સોસાયટી આગળનુ સર્કલ, સી.એન.કોમર્સ કોલેજ આગળનુ સર્કલ તથા ત્રણ દરવાજા ટાવર સામેનુ સર્કલ આમ ચાર સર્કલ રીપેરીંગ કરી માર્બલ લગાવી નવીનીકરણ કરવામાં આવશે. એલ.ઈ.ડી.લાઈટનુ વાયરીંગ નવુ નાખવામાં આવશે. જીબ્રા ક્રોસીંગ પટ્ટા, પાર્કિંગ પટ્ટા લગાવવામાં આવશે. કદાચ આવતી દિવાળી પહેલા ગૌરવપથ આકર્ષક લુકમાં જોવા મળશે.
મહત્વની બાબત તો એ છેકે ગૌરવપથ રોડ કોમર્શિયલ વિસ્તાર છે. દિવસમાં અસંખ્ય વાહનો પસાર થાય છે અને અનેક લોકો ખરીદી કરવા આવે છે. બારેમાસ ધમધમતા આ રોડ ઉપર ઝડપથી કામ થાય તે ખુબજ જરૂરી છે. ગંજબજારથી કાંસા રોડ અને ધરોઈ કોલોની રોડ ઉપર કેનાલ તથા ગટરલાઈનના કામમાં વિલંબ કરતા ઓરબીસ એન્જીકોન એજન્સીના કારણે પાલિકા વિવાદમાં સપડાઈ હતી. રૂા.૩ કરોડના ખર્ચે ગૌરવપથનો વિકાસ કરવા છતા વિલંબના કારણે પાલિકાને લોકોનો વિરોધ સહન કરવો પડે નહી તે માટે વર્કઓર્ડર આપ્યા બાદ તુર્તજ ઝડપથી કામ શરૂ કરે તેવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે તે પાલિકાને જોવાનુ રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts