શહેર સવા ઈંચમાં રગદોળાયુ-આરોગ્ય મંત્રીની પૈદલ નિરિક્ષણ યાત્રા
વરસાદની આડઅસરથી વેપારીઓને દુકાનો બંધ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઈ
- આરોગ્ય મંત્રીની વિકાસ કામમા મુશ્કેલી ન પડે તેનુ ધ્યાન રાખવા અધિકારીઓને સૂચના
વિસનગરમાં ચાલતા વિકાસ કામોના કારણે પ્રથમ વરસાદમાજ અનેક સમસ્યાઓ જોવા મળી હતી. ગૌરવપથના વિકાસ કામના ખોદકામમા પાણી ભરાતા વેપારીઓને દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી. કેટલીક જગ્યાએ પાણી ભરાયા હતા. શહેરના લોકોની સમસ્યાઓથી વાકેફ થવા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે પૈદલ નિરિક્ષણ યાત્રા કરી વિકાસ કામમા ઓછી તકલીફ પડે તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. મહત્વની બાબત તો એ છેકે ગૌરવપથ રોડનુ કામ કાચબાગતિએ ચાલતુ હતુ ત્યારે આરોગ્ય મંત્રી મુલાકાત લેવાના હોવાથી કોન્ટ્રાક્ટરે યુધ્ધના ધોરણે કામ શરૂ કર્યુ હતુ. પાલિકા તંત્ર આજ રીતે ઝડપથી કામ કરાવી શકશે કે પછી કોન્ટ્રાક્ટરની મનમાની ચલાવી લેશે તેવી વેપારીઓમાં ચર્ચાઓ થઈ હતી.
વિસનગરમાં ચાલતા વિકાસ કામમા કોન્ટ્રાક્ટરો ધીમી ગતિથી મનમાની પ્રમાણે કામ કરતા તેમજ વિકાસ થકી ઉભી થનારી સમસ્યાઓ બાબતે નિષ્કાળજી રાખતા ચોમાસામાં ભારે તારાજી સર્જાશે તેવી છેલ્લા બે મહિનાથી લોકોની રજુઆત હતી. પરંતુ પાલિકા તંત્ર લોક રજુઆતને ધ્યાનમા નહી લેતા અને કોન્ટ્રાક્ટરોને છાવરતા ચોમાસાના પ્રથમ વરસાદમાજ શહેર રગદોળાયુ હતુ. આઈ.ટી.આઈ. ફાટકનુ નાળુ અને કેનાલ બ્લોક થતા ગોકુળનગર સોસાયટીમાં પાણી ભરાયા હતા. વિજ કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલીંગના ખાડામાં પાણી ભરાતા ભુવા પડ્યા હતા. ગૌરવપથ રોડ ઉપર ખોદકામમા પાણી ભરાતા તાલુકા પંચાયત સામેના શીવાભાઈ પટેલના માર્કેટના દુકાનદારોને ગુરૂવારે દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી. ચાર કરોડ રૂપિયાના ખર્ચે વરસાદી પાણીની લાઈન નાંખવા છતા ગંજબજારમાં પાણી ભરાયા હતા. બુધવારની રાત્રે પડેલા ફક્ત સવા ઈંચ વરસાદમા જો આ પરિસ્થિતિ થઈ હોય તો ખરા ચોમાસામા શહેરની શુ દશા થશે તેની ચિંતા લોકમાનસમાં જોવા મળી હતી. એમાય ખાસ કરીને ગૌરવપથ ઉપર કોન્ટ્રાક્ટર પોતાના સમય પ્રમાણે કામ કરતા હોવાનો વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.
વિસનગરમાં ચાલતા વિકાસ કામથી થોડી ઘણી મુશ્કેલીઓ ઉભી થવાનો અંદાજ હતો, પરંતુ લોક પ્રશ્નો અને રજુઆતો પ્રત્યે કોન્ટ્રાક્ટરોની ઉપેક્ષાથી સમસ્યાઓની વણઝાર સર્જાવાનો ખ્યાલ પણ નહોતો. પ્રથમ વરસાદમાજ શહેરની હાલત કફોડી બનતા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે શહેરમાં પૈદલ સમિક્ષા યાત્રા કરી હતી. જેમાં પ્રાન્ત ઓફીસર દેવાંગભાઈ રાઠોડ, મામલતદાર એફ.ડી.ચૌધરી, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી, ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરી, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ, માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.આર.પટેલ, જીયુડીસી અને વિજ કંપનીના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રીએ દરેક કોન્ટ્રાક્ટરને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આરોગ્ય મંત્રીએ દેણપ સીસી રોડ, કાંસા ડ્રેનેજ લાઈન અને સીસી રોડ, ગુરૂકુળ પંપીંગ સ્ટેશન, ગંજબજાર વરસાદી લાઈન, ગૌરવપથ રોડ, આઈ.ટી.આઈ. ફાટક ઓવરબ્રીજ, મહેસાણા ચાર રસ્તા નાળુ, કમાણા ચાર રસ્તા અંડર ગ્રાઉન્ડ કેબલીંગ વિગેરે વિકાસ કામની સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લઈને સમિક્ષા કરી હતી.
વિકાસ કામની મુલાકાત દરમ્યાન આરોગ્ય મંત્રીએ ગૌરવપથના વેપારીઓને મુશ્કેલી ઓછી પડે તેની કાળજી લઈ વિકાસ કામ ઝડપી કરવા સૂચન કર્યુ હતુ. આઈ.ટી.આઈ. ફાટક પાસેની વરસાદી કેનાલ તુટી જતા તેને સાફ કરી સાત દિવસમાં રીપેરીંગ કરવા કોન્ટ્રાક્ટરને અલ્ટીમેટમ આપ્યુ હતુ. મહેસાણા ચાર રસ્તા કેનાલમાં વરસાદી પાણીના વહનમા નડતરરૂપ બીન ઉપયોગી પાઈપોનો નિકાલ કરવા ચર્ચા કરી હતી. જ્યારે કમાણા ચાર રસ્તા અંડર ગ્રાઉન્ડ કેબલીંગનુ કામ કરતા અધિકારીઓને વિજ કંપનીની કોઈ કમ્પલેઈન આવવી જોઈએ નહી તેવી તાકીદ કરી હતી. ખાસ ચોમાસા પૂરતો કમ્પલેઈન નંબર જાહેર કરવા ચીફ ઓફીસરને સૂચન કર્યુ હતુ. આ મુલાકાત દરમ્યાન આરોગ્ય મંત્રીએ વિકાસ કામમાં લોકોને ઓછી તકલીફ પડે તેની ખાસ કાળજી લેવા અધિકારીઓને તાકીદ કરી હતી.