Select Page

આશાપુરી મંદિરવાળો રોડ પહોળો કરવાની દરખાસ્તમાં ભેદભાવ

આશાપુરી મંદિરવાળો રોડ પહોળો કરવાની દરખાસ્તમાં ભેદભાવ

કાંસા ગામથી મહેસાણા રોડ સિધ્ધેશ્વરી માતાના મંદિર સુધીનો રોડ પહોળો કરવાની મંજુરી મળી તેના ચાર વર્ષ પહેલા પીંડારીયા રોડ આશાપુરી માતાના મંદિરથી વડનગર રોડને જોડતો હયાત રોડ પહોળો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આશાપુરી માતાવાળા રોડ ઉપર ખુબજ ટ્રાફીક રહે છે. રોડ સાંકડો હોવાથી વાહનો પસાર થઈ શક્તાનથી. ત્યારે વિકાસ કામમા ભેદભાવ રખાતો હોવાની નારાજગી જોવા મળી રહી છે.
કેબીનેટમંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી વિસનગરમાં વિકાસ કામ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી રહી છે. શહેરના લોકોની સુવિધા માટે કરોડોના ખર્ચે વિકાસ કામ થયા છે. છતાં માંગણી પ્રમાણે ક્રમશઃ વિકાસ કામ ન થાય ત્યારે ભેદભાવ રખાતો હોવાની નારાજગી ઉભી થતી હોય છે. પીંડારીયા રોડ આશાપુરી માતાના મંદિરથી વડનગર રોડને જોડતો એપ્રોચ રોડ બનતા વિજાપુર, ભાલક, સુંશી તરફના વાહન ચાલકો વડનગર રોડ ઉપર જવા આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે.
પીંડારીયા થી વડનગર રોડને જોડતા એપ્રોચ રોડ ઉપર ખૂબજ ટ્રાફિક રહે છે છતા ચાર વર્ષથી રોડ પહોળો કરવાની મંજૂરી મળતી નથી
ઓવરબ્રીજના કારણે આઈ.ટી.આઈ. ફાટક બંધ થતા શહેરના ટ્રાફીકમાથી પસાર થવુ પડે નહી તે માટે વાહન ચાલકો આશાપુરી માતાના મંદિરવાળા રોડનો ઉપયોગ કરી રહ્યા છે. હાલની પરિસ્થિતિનો સર્વે કરવામાં આવે તો અસંખ્ય વાહનોની અવર જવર રહે છે. નેળીયામાં બનાવવામાં આવેલો આ રોડ ૩.૭૫ મીટરનો છે. રોડ બનતાની સાથે જ ટ્રાફીક વધતા ભવિષ્યની સ્થિતિને વિચારી પુર્વ કોર્પોરેટર ફુલચંદભાઈ પટેલ દ્વારા રોડની પહોળાઈ વધારવા ઋષિભાઈ પટેલ જ્યારે મંત્રી ન હોતા ત્યારે વર્ષ ૨૦૨૧ના નવેમ્બરમા રજુઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલની ભલામણથી પંચાયત માર્ગ મકાન વિભાગે વાઈડનીંગ અને સ્ટ્રેથનીંગ સાથે ૩.૭૫ મીટરનો રોડ ૫.૫૦ મીટર પહોળો કરવા માટે રૂા.૧૪૦ લાખના એસ્ટીમેન્ટની દરખાસ્ત કરવામાં આવી હતી. જેની સાથે ધારૂસણા મેઉ રોડ અને ચિત્રોડીપુરાના નેળીયા માર્ગમા પાકો રોડ બનાવવાની દરખાસ્ત થઈ હતી. જે રોડના કામ થઈ ગયા છે. પરંતુ આશાપુરી માતાના મંદિરનો રોડ પહોળો કરવાની મંજુરી કેમ મળતી નથી. તે પ્રશ્નો થઈ રહ્યા છેે.
કાંસા થી સિધ્ધેશ્વરી મંદિર રોડની મંજુરી મળી તેના ચાર વર્ષ પહેલા દરખાસ્ત કરાઈ હતી
નોંધપાત્ર બાબત છે કે, આઈ.ટી.આઈ. ફાટક બંધ થવાના કારણે ઉંઝા તરફથી આવતા તમામ વાહનો કાંસા ગામથી સિધ્ધેશ્વરી માતાના મંદિરવાળા રોડે મહેસાણા રોડ તરફ અવર જવર કરતા આ રોડ ઉપર ખુબજ ટ્રાફીક રહે છે. કાંસા થી સિધ્ધેશ્વરી માતાના મંદિરવાળો રોડ પણ ૩.૭૫ મીટરનો હોવાથી સાંકડા રોડ ઉપર ટ્રાફીકની સમસ્યા વધતા કાંસાના અગ્રણી જશુભાઈ પટેલે હયાત રોડ પહોળો કરવા ભલામણ કરી હતી. ત્યારે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી રૂા.૩.૬૦ કરોડના ખર્ચે આ રોડ ૫.૫૦ મીટરનો બનશે. જેમાં ડામરકામ, સી.સી.કામ, માટીકામ, મેટલકામ, પ્રોટેક્શન વોલ સહિતની કામગીરી આ ૩ કી.મી. લંબાઈના રોડ ઉપર થશે. વિસનગર તાલુકાનુ કાંસા ગામ તથા ઉંઝા રોડ ઉપરના તાલુકાના ગામડા જેમ કાંસાથી સિધ્ધેશ્વરી માતાના મંદિરવાળા રોડનો ઉપયોગ કરે છે તેજ રીતે વિસનગર શહેરના વડનગરી દરવાજા વિસ્તારના લોકો તેમજ તાલુકાના ભાલક, સુંશી રોડ ઉપરના ગામડાના લોકો પીંડારીયા આશાપુરી માતાના મંદિરથી વડનગર રોડને જોડતા એપ્રોચ રોડનો ઉપયોગ કરે છે. કાંસા થી સિધ્ધેશ્વરી માતાના મંદિર સુધીનો રોડ પહોળો કરવાની મંજુરી મળી તેના ચાર વર્ષ પહેલા આશાપુરી માતાના મંદિરવાળો રોડ પહોળો કરવાની દરખાસ્ત થઈ હતી. ત્યારે વિકાસ કામમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાની નારાજગી સ્વાભાવિક છે.