વિસનગર મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં વચોટીયાઓનો દબદબો
વિસનગર મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં રેશનકાર્ડ, ઈ.કે.વાય.સી. તેમજ રેશનકાર્ડને લગતા અન્ય કામ માટે અરજદારો કચેરીના ધક્કા ખાય છે. જ્યારે પુરવઠા શાખામાં ફરતા વચોટીયા દલાલોના કામો ઝડપી થતા હોવાની બુમરાડ ઉઠી છે. ત્યારે જીલ્લા કલેક્ટર પુરવઠા શાખામાંથી વચોટીયા રાજ દુર કરવા જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાગણી છે.
અત્યારે પુરવઠા શાખામાં વ્યવહાર વગર કે ઓળખાણ વગર અરજદારોનું કામ થતુ ન હોવાની ચર્ચા
સરકારે રેશનકાર્ડમાં ઈ.કે.વાય.સી. ફરજીયાત કરતા વિસનગર મામલતદાર કચેરીમાં પુરવઠા શાખામાં રેશનકાર્ડ ઈ.કે.વાય.સી. તેમજ રેશનકાર્ડમાં નામ કમી,દાખલ તથા સુધારા માટે રેશનકાર્ડ ધારક અરજદારોનો ભારે ઘસારો રહે છે. જેમાં પુરવઠા નાયબ મામલતદાર યોગેશ શર્મા ગમે તે કારણ દર્શાવી અરજદારોને કચેરીના ધક્કા ખવડાવતા હોવાની બુમરાડ ઉઠી છે. અરજદારોમાં એવી ચર્ચા છે કે, જીલ્લા કલેક્ટરે મહેસુલ શાખાની કચેરીમાં વચોટીયા અને દલાલોને પ્રવેશબંધીની કડક સુચના આપી છે. છતાં આજે મામલતદાર અને પ્રાન્ત કચેરીમાં વચોટીયાઓ ફરે છે. જેમાં પુરવઠા શાખામાં તો વચોટીયા નોકરી કરતા હોય તેમ બેસી રહે છે. વચોટીયા અને પુરવઠા નાયબ મામલતદારની મિલીભગતથી રેશનકાર્ડ ધારક અરજદારો લુંટાઈ રહ્યા છે. અત્યારે પુરવઠા શાખામાં વ્યવહાર વગર કે ઓળખાણ વગર અરજદારોનુ કામ થતુ નથી. અગાઉ પુરવઠા નાયબ મામલતદારે દેણપના એક રેશનીંગ દુકાનદાર પાસે રૂા.૧૫ હજારની માગણી કરતા હોબાળો થયો હતો. હવે વિસનગર પુરવઠા શાખામાં પણ ભ્રષ્ટાચારના મુદ્દે હોબાળો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.