Select Page

૬૦ વર્ષ પહેલા સરકારી દવાખાના માટે દાનમાં આપેલ જમીન વેચાતા ખરવડાના ગ્રામજનોની વેચાણ દસ્તાવેજ નામંજુર કરવા પ્રાન્તને રજુઆત

૬૦ વર્ષ પહેલા સરકારી દવાખાના માટે દાનમાં આપેલ જમીન વેચાતા ખરવડાના ગ્રામજનોની વેચાણ દસ્તાવેજ નામંજુર કરવા પ્રાન્તને રજુઆત

વિસનગર તાલુકાના ખરવડા ગામની સીમમાં બનાવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૨૩.૯૯ ગુઠા જમીન દાતાના વારસદારે સરકારી તંત્રને અંધારામાં રાખી બારોબાર વેચી મારતા ભારે વિવાદ થયો છે. આ બાબતે ખરવડા ગ્રામ પંચાયત સહિત સમગ્ર ગ્રામજનોએ સરકારી આરોગ્ય કેન્દ્રની જુની નોંધો સાથે વિસનગર પ્રાન્ત અધિકારીને રજુઆત કરી જમીનના વેચાણની નોંધ નામંજુર કરવાની માગણી કરી છે.
આ જમીનમાં વર્ષોથી સરકારી આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. તેવુ જમીન વેચનાર અને લેનાર જાણતા હતા છતાં તંત્રને જમીનના દસ્તાવેજની નોંધણી કરાવી- ખરવડા ગ્રામજનો
વિસનગર તાલુકાના ખરવડા ગ્રામ પંચાયત રે.સ.નં.૧૧ વાળી જમીનના મુળ માલિકે આશરે ૬૦ વર્ષ પહેલા ખરવડા, મગરોડા સહિત આજુબાજુના ૧૬ ગામોના ગરીબ લોકોને આરોગ્યલક્ષી મફત સારવાર મળી રહે તે માટે ૨૩.૯૯ ગુંઠા જમીન દાનમાં આપી હતી. દાતાના દાનથી સરકારે આ જમીનમાં આર.સી.સી. બાંધકામનું આરોગ્યકેન્દ્ર કાર્યરત કર્યુ હતુ. પરંતુ થોડા દિવસ પહેલા દાતાના વારસદાર ગૌરવકુમાર બાબુભાઈ ચૌધરી સહિતના વારસદારોએ આ જમીન વર્ષોથી પોતાના કબજા ભોગવટામાં ન હોવા છતાં મગરોડા ગામની વતની તેમજ વિસનગર એ.પી.એમ.સી.ના ચેરમેન હરેશભાઈ લવજીભાઈ ચૌૈધરીને બારોબાર વેચી મારતા ખરવડા, મગરોડા સહિત આજુબાજુના ગ્રામજનોમાં ભારે રોષ ઉભો થયો છે. જેમાં ખરવડા ગ્રામ પંચાયત સહિત ગ્રામજનોએ તા.૨૨-૯-૨૦૨૫ના રોજ વિસનગર પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાને લેખિત રજુઆત કરતા જણાવ્યુ હતુ કે, આ જમીનનો વર્ષો જુનો ૭-૧ર નો મેન્યુઅલ રેકર્ડ જોતા તેમાં સ્પષ્ટ દવાખાનું લખેલુ છે. હાલના રેકર્ડ મુજબના કબજેદારોના પુર્વજોએ આ જમીન સરકારી દવાખાના માટે દાનમાં આપી હતી. જેમાં સરકારી ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યુ હતુ. અને આ આરોગ્યકેન્દ્ર હાલમાં પણ કાર્યરત છે. પરંતુ આરોગ્ય કેન્દ્રની જમીન સરકારના નામે દાખલ કરવાની બાકી હતી. આ જમીન વેચનાર આપનાર અને વેચાણ રાખનાર બંન્ને વ્યક્તિઓ આ હકીકતથી વાકેફ હોવા છતાં તેમના બદઈરાદાથી જમીનના દસ્તાવેજની નોંધણી કરાવી છે. તો આ જમીનના વેચાણ દસ્તાવેજની નોંધ નામંજુર કરવી. વધુમાં આ જમીન મુદ્દે તા.૨૧-૯ના રોજ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં સર્વાનુમત્તે એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે કોઈપણ વ્યક્તિ દાનનો સદ્‌ઉપયોગ થયા બાદ દાનની રકમ કે દાનમાં આપેલ જમીન પરત લેવાનુ વિચારે તે યોગ્ય નથી. ખરવડાના ગ્રામજનોએ આરોગ્યકેન્દ્રની જમીનના વેચાણ બાબતે સખત વિરોધ કરી પ્રજાના હિતમાં આ જમીનના દસ્તાવેજની નોંધ નામંજુર કરવા પ્રાન્ત અધિકારી સમક્ષ માગણી રી છે. હવે પ્રાન્ત અધિકારી આ બાબતે શુ નિર્ણય લે છે તેની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે.