ત્રણ તોલાના સોનાના દાગીના-રૂા.૬૩૦૦૦ રોકડનુ મામેરું કરાયુ
વિષ્ણુભાઈ શિવકુમાર સોની પરિવાર દ્વારા
- રથયાત્રા રૂટના તમામ મંદિરોમાં ભેટ અર્પણ કરાઈ
- મોસાળા મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે દોઢ કલાકનો સમય ફાળવ્યો
વિસનગરમાં રથયાત્રા નિમિત્તેનો મોસાળા મહોત્સવ પણ ધામધુમથી ઉજવાય છે. આ વર્ષે શિવકુમાર જ્વેલર્સવાળા વિષ્ણુભાઈ શિવકુમાર સોની પરિવારે ત્રણ તોલાના સોનાના દાગીના અને રૂા.૬૩,૦૦૦ રોકડ સાથેનો મોસાળા મહોત્સવ ખુબજ ધામધુમથી ઉજવ્યો હતો. મોસાળા નિમિત્તેના ઉમિયા માતાના મંદિરમાં યોજાયેલ ભોજન સમારંભમાં ૬૩૦૦ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. રથયાત્રા મોસાળા કમીટી અને શ્રી વિસનગર વેપારી મહામંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી મોસાળા મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે.
વિસનગરમાં જે ઉત્સાહથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળે છે તેટલાજ ઉત્સાહથી ઉમિયા માતાના મંદિરમાં મોસાળા મહોત્સવ ઉજવાય છે. આ વર્ષે વિસનગરમાં લાલ દરવાજા સ્વામિનારાયણ મંદિર પાસે શિવકુમાર જ્વેલર્સવાળા વિષ્ણુભાઈ શિવકુમાર સોની પરિવારના સૌજન્યથી મોસાળા મહોત્સવ ઉજવાયો હતો. રોટરી ભવનથી બેન્ડવાજા સાથે ભગવાનના મોસાળાની શોભાયાત્રા નીકળી હતી. જેમનુ ઉમિયા માતાના મંદિર આગળ મોસાળા કમીટી અને વેપારી મહામંડળ દ્વારા સામૈયુ કરીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
આ વર્ષે સોની પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બાલભદ્રજીને સોનાના ચક્તાવાળા ત્રણ હાર બનાવી ત્રણ તોલાના દાગીના ભગવાનને અર્પણ કરાયા હતા. સાથે દરેક ભગવાનને રૂા.૨૧,૦૦૦ નુ દાન કરી કુલ રૂા.૬૩,૦૦૦ રોકડ ભેટ મોસાળામાં અર્પણ કરાઈ હતી. ભગવાનને ઈમેટેશન જ્વેલરી સાથેનો નવો શણગાર કરવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં મોસાળામાં આવેલ ભગવાનને છપ્પનભોગ દર્શનનો અનેરો લ્હાવો હોય છે. ભગવાનને તથા ઉમિયા માતાજીને સાત ડબા ઘી નો છપ્પનભોગ કરાયો હતો. સ્વર્ગસ્થ શિવકુમાર મંગળદાસ સોનીએ મોસાળા મહોત્સવ માટે નામ નોધાવ્યુ હતુ. ત્યારે પિતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ પ્રકારની કચાસ રાખ્યા વગર વિષ્ણુભાઈ સોનીએ મોસાળુ ભર્યુ હતુ. આ નિમિત્તે રથયાત્રા રૂટમાં આવતા તમામ મંદિરોમાં આ પરિવાર દ્વારા વસ્ત્રો અને રોકડની ભેટ ચઢાવવામાં આવી હતી. મોસાળા મહોત્સવના જમણવારમાં લગભગ ૬૩૦૦ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
નોંધપાત્ર બાબત છેકે, આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની પ્રેરણાથી સાત વર્ષે અગાઉ રથયાત્રામાં મોસાળા મહોત્સવની શરૂઆત થઈ હતી. જેમાં મોસાળા માટે વર્ષ ૨૦૩૦ સુધી નામ નોધાયા છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે મોસાળા મહોત્સવમાં દોઢ કલાકનો સમય ફાળવ્યો હતો. જેમનુ વિષ્ણુભાઈ સોની પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. મોસાળા મહોત્સવ કરનાર પરિવારનુ પણ આરોગ્ય મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. મોસાળા મહોત્સવ કમીટી તથા વેપારી મહામંડળ એ કોઈ નામના મેળવવા આ આયોજન કરતા નથી. રથયાત્રામાં ભગવાનનુ મોસાળુ ભરાય અને લોકો તેનો લાભ લે તેવા હેતુથીજ મહોત્સવ ઉજવતા હોવાથી કમીટી ક્યારેય સન્માનની આશા રાખતી નથી. તેમ છતા વિષ્ણુભાઈ સોનીના આગ્રહથી મોસાળા કમીટીના મુખ્ય આયોજન પટેલ બાબુભાઈ બેન્કર, પટેલ ભરતભાઈ એકાઉન્ટન્ટ, શ્યામભાઈ બ્રહ્મભટ્ટ, પટેલ હર્ષલભાઈ એમ.જે.મેડિકલ, પટેલ મનિષભાઈ ગળીયા, ગૌતમભાઈ કડીયા, પટેલ મહેશભાઈ ઓમકાર, પટેલ કાળુભાઈ સુભાષ ઈલેક્ટ્રીક, પટેલ દામજીભાઈ લાટીવાળા, પટેલ ઈશ્વરભાઈ નેતા, પટેલ અનીલભાઈ સોનપરી, પરમાર ચંદ્રકાન્તભાઈ લાટીવાળા, પટેલ બકાભાઈ નવદુર્ગાનુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ. ધાર્મિક કાર્યક્રમોમાં સદાય તત્પર રહેતા ગુંદીખાડ દૅશના પાટીદાર સમાજના ભાઈઓનો પણ આ મોસાળા મહોત્સવમાં ખુબજ સહકાર હોય છે.