ખદલપુર ખેતરમાંથી ડબ્બા ટ્રેડીંગનુ કોલ સેન્ટર ઝડપાયુ
શેર બજારમાં રોકાણના નામે છેતરતી ટોળકી સામે વિસનગર પોલીસના આંખ અને કાન કોના ઈશારે બંધ?
- એક આરોપીની અગાઉના ગુનામાં ધરપકડ બાકી હોવા છતાં પોલીસના ડર વગર ટીમ હેન્ડલર તરીકે કામ કરતો હતો
શેરબજારમા રોકાણ કરાવી નફો કરાવી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી કરતા આ ગોરખ ધંધાનું વિસનગર એક સમયનુ હબ હતુ. રેન્જ આઈજીના નિર્દેશથી આ ગોરખ ધંધાને ડામવા માટે વિસનગર અને વડનગર પંથકમાં મોટા પ્રમાણમાં રેડ કરવામાં આવી હતી. પરંતુ સાપ મરી જાય પણ લીસોટા રહી જાય તેમ હજુ પણ વિસનગરમાં ડબ્બા ટ્રેડીંગનો ધંધો ચાલી રહ્યો છે. ત્યારે છેતરપીંડી કરતા ધંધા સામે પોલીસની આંખ અને કાન કોના ઈશારે બંધ છે. તેની તપાસ થવી પણ એટલીજ જરૂરી છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે ખદલપુર ગામના ખેતરમા રેડ કરતા ડબ્બા ટ્રેડીંગ કરતા ત્રણ ઝડપાયા હતા. અને ત્રણ નાસી ગયા હતા. જેમાથી એક અગાઉ થયેલ ડબ્બા ટ્રેડીંગની રેડમાં નામ ખુલતા તેની ધરપકડ બાકી છે. પોલીસમા કોની છત્ર છાયાથી આ ગુનેગારો બીન્દાસ્ત બની વારંવાર ડબ્બા ટ્રેડીંગના ગુના કરી રહ્યા છે તે બાબતે જો રેન્જ આઈજી તપાસ કરેતો ઘણા રહસ્યો ખુલે તેમ છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને વિસનગર તાલુકામા ચાલતા ડબ્બા ટ્રેડીંગની માહિતી મળે છે. પરંતુ સ્થાનિક પોલીસને આ ગોરખધંધાની માહિતી કેમ મળતી નથી. તે બાબતે અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પી.આઈ.જી.આર. રબારી સ્ટાફ સાથે વિસનગર અને વડનગરમા ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ માટે પેટ્રોલીંગમા હતા. ત્યારે બાતમી મળી હતી કે, વિસનગર આથમણાવાસનો ઠાકોર સંજયજી ઉર્ફે પિન્ટુ જીવણજી, વડનગર તાલુકાના બાબીપુરા ગામનો જીગરજી જશવંતજી તથા વિસનગર તાલુકાના ખદલપુર ગામનો ઠાકોર વિજયજી જોયતાજી ભેગા મળી ખદલપુર ગામની સીમમાં ઠાકોર વિજયજી જોયતાજીના મકાન નજીક આવેલ લીંબુડીના ખેતરમા બેસી ડબ્બા ટ્રેડીંગનુ કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. જે શેરબજારમા વધુ કમાણી કરી આપવાની ટીપ્સ આપી સ્ટોક બજારનું કોઈપણ પ્રકારના લાયસંસ વગર અલગ અલગ કંપીનીઓના ખોટા નામ ધારણ કરીને શેરબજારની લે-વેચનો ધંધો કરાવી લોકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા હતા.
બાતમી મળતાની સાથેજ સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ નિરિક્ષણ કરી રેડ કરતા લીંબુડીના ખેતરમા રોયણના ઝાડ નીચે એક નાના મંદિરના ઓટલા ઉપર છ ઈસમો ગોળ કુંડાળામાં બેઠા હતા. જેઓ કોલ ઉપર હિન્દી ભાષામા શેરબજારના ભાવતાલ બાબતે વાતચીત કરતા હતા. પોલીસને જોઈને ત્રણ ઈસમો નાસી ગયા હતા. જ્યારે ઠાકોર સંજયજી ઉર્ફે પીન્ટુ જીવણજી, ઠાકોર જીગરજી જશવંતજી તથા ઠાકોર અલ્કેશજી ઉર્ફે લાલો લક્ષ્મણજી ઝડપાયા હતા. પુછ પરછ દરમ્યાન જાણવા મળ્યુ હતુ કે, ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા એકાઉન્ટ ધારકોને ૧૨ ટકા લેખે ચુકવવામાં આવતા હતા. પકડાયેલ આરોપીઓ બાબતે ઈ-ગુજકોપમા તપાસ કરતા જીગરજી જશવંતજી ઠાકોરનુ અગાઉ વિસનગર તાલુકાના તરભ ગામમા થયેલ રેડમા નામ ખુલ્યુ હતુ. જેની ધરપકડ પણ બાકી હતી. છતાં આ ઈસમ પોલીસના કોઈપણ પ્રકારના ડર વગર ખદલપુરમા ડબ્બા ટ્રેડીંગ કરતો હતો. રેડમા પોલીસે પાંચ મોબાઈલ, રોકડ, કોન્ટેક્ટ માટે મોબાઈલ નંબર લખેલ ત્રણ પેજ સહિત કુલ રૂા.૨૨૫૭૦/-ની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ફરિયાદ આધારે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમા જીગરજી જશવંતજી ઠાકોર બાબીપુરા તા.વડનગર, સંજય ઉર્ફએ પિન્ટુ જીવણજી ઠાકોર આથમણો ઠાકોરવાસ વિસનગર, અલ્કેશજી ઉર્ફે લાલો લક્ષ્મણજી ઠાકોર બાબીપુરા તા.વડનગર, વિજયજી જોયતાજી ઠાકોર ખદલપુર, સિધ્ધરાજજી જશવંતજી ઠાકોર બાબીપુરા, તા.વડનગર તથા રોહિતજી દશરથજી ઠાકોર બાબીપુરા વડનગરવાળા વિરૂધ્ધ છેતરપીંડી, વિશ્વાસઘાતની કલમો સહિત ગુનો દાખલ કર્યો હતો.