Select Page

કોમર્શિયલ સેન્ટરમાં દુકાનો આગળ ફૂટપાથની જગ્યાનો વિવાદ

કોમર્શિયલ સેન્ટરમાં દુકાનો આગળ ફૂટપાથની જગ્યાનો વિવાદ

વિસનગરમાં ગૌરવપથ રોડ ઉપર ચાલી રહેલ કામમાં કોમર્શિયલ સેન્ટર આગળ ફૂટપાથની પાંચ ફૂટ જગ્યા છોડવાની રજુઆત કરવા ગયેલા વેપારી અગ્રણીઓ સાથે ચીફ ઓફીસરે ઉધ્ધત વર્તન કર્યુ હોવાના આક્ષેપથી ભારે વિવાદ થયો છે. વેપારી અગ્રણીઓએ આવા વર્તન સામે આંદોલનની ચીમકી આપી હતી. જોકે આ બનાવમાં ચીફ ઓફીસરે ઉધ્ધત વર્તન કર્યુ નહી હોવાનુ પણ જણાવ્યુ છે.
વિસનગરમાં ગૌરવપથ રોડના વિકાસમાં વ્હાલા દવાલાની નીતિના પાલિકા ઉપર થયેલા આક્ષેપથી વિવાદ વકર્યો છે. ગૌરવપથ રોડ ઉપર આવકાર વસ્ત્રાલય, સુભાષ ઈલેક્ટ્રીકવાળા કોમર્શિયલ સેન્ટરમાં દુકાનો આગળ અગાઉ સાડા છ ફૂટની ફૂટપાથ હતી. આ ફૂટપાથ ચાર ફૂટની કરવામાં આવતા આ માર્કેટના વેપારીઓએ વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ અને મંત્રી ઈશ્વરલાલ નેતાને રજુઆત કરી હતી કે, દુકાનોના ભોયતળીયાનો ભાગ રોડ લેવલથી ચાર ફૂટ ઉંચો છે. જેથી ગ્રાહકોને ચડવા ઉતરવા દુકાનો આગળ પગથીયા મુકવામાં આવ્યા છે. ચાર ફૂટની ફૂટપાથ કરવામાં આવે તો ગ્રાહકોને મુશ્કેલી પડશે. ફૂટપાથ જો પાંચ ફૂટની રાખવામાં આવે તો વેપારીઓ તથા ગ્રાહકોને સાનુકુળતા રહે. વેપારીઓની રજુઆત સાંભળી કાળુભાઈ પટેલ અને ઈશ્વરલાલ નેતા પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદીને મળવા ગયા હતા. જ્યાં રજુઆતમાં બોલાચાલી થઈ હતી.
ઈશ્વરભાઈ નેતાએ જણાવ્યુ હતું કે, વેપારી મહામંડળના પ્રમુખ તથા પાલિકાના પૂર્વ કોર્પોરેટર કાળુભાઈ પટેલ સાથે હતા. ચીફ ઓફીસરને ચાર ફૂટની જગ્યાએ પાંચ ફૂટની ફૂટપાથ કરવા રજુઆત કરતા અમારી સાથે અસભ્યતાથી તુકારા સાથે અપમાનજનક વર્તન કર્યુ હતુ. ચીફ ઓફીસરે ઓફીસમાં સીસીટીવી ચાલુ છે ને પોલીસ કેસ કરવા ધમકી આપી વેપારીઓની રજુઆતને દબાવવા પ્રયત્ન કર્યો હતો. પ્રજાના લોક સેવકોને ધમકાવી આવુ વર્તન કરવામાં આવે તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહી. આ પ્રશ્નનો તાકીદે ઉકેલ લાવવામાં નહી આવે તો ચીફ ઓફીસર સામે આંદોલન કરવાની ફરજ પડશે. ઈશ્વરભાઈ નેતાએ તાલુકા પંચાયતના સામેના માર્કેટમાં જગ્યા છોડી વ્હાલા દવાલાની નીતિ રાખ્યાની પણ રજુઆત કરતા ચીફ ઓફીસરે પાલિકાના માર્કેટની દુકાનો રૂા.૧૭૫ ભાડુ આપી રૂા.૧૫,૦૦૦ મા દુકાનો ભાડે આપતા હોવાનુ જણાવી રજુઆતને અવળા પાટે ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. ચીફ ઓફીસરના વેપારીઓ વિરુધ્ધનુ આવુ વર્તન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહી.
આ વિવાદમાં ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, ફૂટપાથમાં વ્હાલા દવાલાની કોઈ નીતિ રાખવામાં આવી નથી. તાલુકા પંચાયત સામેનુ માર્કેટ માલિકીની જગ્યામાં છે અને આગળ માર્જીનની જગ્યા હોવાથી છુટ આપવામાં આવી છે. પાલિકાના માર્કેટ રોડ ઉપરના છે અને દરેક માર્કેટ આગળ ચાર ફૂટની ફૂટપાથ બનાવવાની હોવાથી એટલીજ જગ્યા કોમર્શિયલ માર્કેટની દુકાન આગળ છોડવામાં આવી છે.