રાજા વિસલદેવ વાઘેલાનો ખજાનો નહી મળે ત્યા સુધી ખોદકામ ચાલશે વિસનગરમાં ખાડારાજથી પાલિકાનાગેરવહિવટ સામે સોશિયલ મીડિયામાં ટીખળ
વગર વિચારે અણધણ વિકાસ અને કોન્ટ્રાક્ટરોની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીથી અત્યારે ચોમાસામાં વિસનગરમાં ખાડારાજથી પાલિકા સામે સોશિયલ મીડિયામાં ભારે ટીખળ થઈ રહી છે. એક પોસ્ટે તો એવી ધૂમ મચાવી છે કે, ‘રાજા વિસલદેવ વાઘેલાનો ખજાનો નહી મળે ત્યા સુધી ખોદકામ ચાલશે.’ આ ટીખળ પાછળ શહેરના લોકોનો છુપો રોષ છે. શહેરના લોકોને પટકતા ખાડા પુરવામાં નહી આવે તો આ ચુંટણીનુ વર્ષ છે તે ભાજપ શાસીત પાલિકાએ શાનમા સમજવાની જરૂર છે.
વિસનગર શહેરની હાલત અત્યારે એટલી ખરાબ છે કે મોટાભાગના જાહેર રસ્તા ઉપર ખાડારાજ જોવા મળે છે. શહેરના મુખ્ય માર્ગો પાલડી ત્રણ રસ્તાથી આઈ.ટી.આઈ. ચાર રસ્તા, એમ.એન.કોલેજ રોડથી સવાલા દરવાજા, આદર્શ વિદ્યાલયની બન્ને બાજુનો રોડ, આદર્શથી દિપરા દરવાજા, ગુરૂકુળ રોડ, કાંસા ચાર રસ્તાથી કાંસા રોડ, કમાણા ચાર રસ્તાથી મહેસાણા ચાર રસ્તા વિગેરે રોડ એવા છેકે જ્યા મોટા ખાડાના કારણે વાહનચાલકોને ખુબજ સાવચેતી રાખવી પડે છે. અત્યારે ચોમાસામાં પાણી ભરાતા ખાડાનુ અનુમાન નહી રહેતા વાહન ચાલકો પટકાય છે. વરસાદી પાણી ભરાયેલુ હોય તો ચાલતા જવામાં પણ સાવચેતી રાખવી પડે છે. ચોમાસુ આવતુ હોવા છતા પાલિકા દ્વારા ખાડા પુરવા માટે કોઈ આગોતરૂ આયોજન કરવામાં નહી આવતા અત્યારે શહેરના લોકો વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. જોકે આટલી હદે પરિસ્થિતિ કથળ્યાનુ પ્રથમ વખત બન્યુ છે.
બાંકડા ઉપર નામ લખનારે ‘આ ખાડો મારા કારણે છે’ તે પણ બોર્ડ લગાવવુ જોઈએ શહેરની ખાડારાજની પરિસ્થિતિ પાછળ પાલિકાની કોન્ટ્રાક્ટરોને છાવરતી નીતિ પણ એટલીજ જવાબદાર છે. પરંતુ સત્તા આગળ સાણપણ નકામુ એટલે કોઈ બોલી શકતુ નથી અને સમસમીને બેસી રહ્યા છે. શહેરીજનો શહેરના ખાડારાજ સામેનો રોષ સોશિયલ મીડિયામાં ટીખળ કરી વ્યક્ત કરી રહ્યા છે. જેમાં એક પોસ્ટ અત્યારે સૌથી વધુ વિવિધ વ્હોટ્સએપ ગૃપમાં ફરી રહી છે કે, અગત્યની સૂચના – વિસનગરના વિસલદેવ વાઘેલાનો અતિ કિંમતી અને અઢળક ખજાનો વિસનગરમાં ક્યાંક છુપાયેલો છે. જેનો નકશો પ્રાપ્ત થયો નથી. જ્યા સુધી નહી મળે ત્યાં સુધી વિસનગર પાલિકા દ્વારા ખોદકામ બારેમાસ ચાલુ રહેશે. માટે રસ્તા ઉપર ખાડાની કે ભુવા પડ્યા હોવાની ફરિયાદ કોઈએ કરવી નહી. સાહેબોની – ઠેકેદારોની કામગીરીને સાથ સહકાર આપવો તેવી જાહેર જનતાને અપીલ છે. બીજી એક પોસ્ટ એવી ફરી રહી છે કે, પ્રજાના પૈસે બાકડાઓ ખરીદી પોતાનુ નામ લખી ચાર રસ્તે મુકનાર નેતાએ, રોડમાં પડેલા ખાડામાં પણ બોર્ડ લગાવી લખવુ જોઈએ, ‘આ ખાડો મારા કારણે છે.’ બીજી એક પોસ્ટમાં એવી ટીખળ કરવામાં આવી છે કે, ચલણ માટે કેમેરા હોય તો ખાડાઓ માટે કેમ નહી. દરેક ચાર રસ્તા પર કેમેરા લગાડીને ચલણ ફટાફટ ફાટતુ હોય છે. પણ જ્યારે રસ્તા પર ખાડા છે ત્યારે તંત્ર જોતુ નથી કેમ? ખાડાને લગતી એક પોસ્ટ તો એટલી રમૂજ કરાવે છેકે, રસ્તાઓ ઉપર હવે ક્યાંય પણ ભૂત, ચૂડેલ કે ડાકલા દેખાશે નહી. કારણ કે રોડ ઉપર ભુવા આવી ગયા છે. આવી વિવિધ પોસ્ટ થકી વિસનગરના ખાડારાજ ઉપર રમૂજની સાથે પાલિકા સામે ટીકાઓ થઈ રહી છે.