એસ.ટી.સ્ટેન્ડના વેપારીઓનો ગેટ પાસેનુ ફેન્સીંગ ખોલાવવા જંગ
- આરોગ્ય મંત્રીના કાર્યક્રમ સ્થળે માર્કેટયાર્ડમાં વેપારીઓ પહોચતા પોલીસ બોલાવવાની ફરજ પડી
વિસનગર એસ.ટી.ડેપોના ડેપો મેનેજર તથા યુનિયનના કેટલાક કર્મચારીઓની મનમાનીના કારણે શહેરનુ વાતાવરણ બગડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. ડેપોના સ્ટેશન રોડ તરફના ગેટ પાસેનુ ફેન્સીંગ ખોલાવવા માટે હવે આ વિસ્તારના વેપારીઓ જંગે ચડ્યા છે. આ બાબતે વેપારીઓએ ધારાસભ્ય કાર્યાલયમાં આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલનો સંપર્ક કરવા સમય માગ્યો હતો. વેપારીઓને મળવા સમય નહી આપતા છેવટે માર્કેટયાર્ડના કાર્યક્રમ સ્થળે રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર કરી વેપારીઓ પહોચતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આરોગ્ય મંત્રી શહેરમાં તેમના કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે તે શરમજનક બાબત હતી. આ વખતે ગમે તે ભોગે ગેટ પાસેનુ ફેન્સીંગ ખોલાવવા વેપારીઓએ મન મક્કમ બનાવ્યુ છે. ફેન્સીંગ ખોલવામાં નહી આવે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.
ગુજરાતમાં એક નહી પરંતુ અનેક એસ.ટી. ડેપો છે કે જ્યા અંદરના ભાગે પેસેન્જર ફરતા જોવા મળતા હશે. વિસનગર ડેપોમાં પણ પ્લેટફોર્મ સીવાયના ભાગમાં હાલમાં પણ પેસેન્જર ફરતા જોવા મળે છે. ત્યારે વિસનગરના સ્ટેશન રોડ તરફના ઉમા માર્કેટ સામેના ગેટથી પેસેન્જરો સીધા પ્લેટફોર્મ ઉપર જવાથી અકસ્માતનો ભય રહેલો હોવાનુ જણાવી આ ગેટથી પાર્કિંગ તરફ ફેન્સીંગ કરવામાં આવ્યુ છે. જેના કારણે આ ગેટ ઉપર અવરજવર ઓછી થઈ ગઈ છે. ફેન્સીંગ મારેલ આ રસ્તા ઉપર ડેપો દ્વારા સફાઈ કરવામાં નહી આવતા તેમજ ચોમાસુ પાણી ભરાતા આ રસ્તા ઉપર અવરજવર બંધ થઈ ગઈ છે. ગત અઠવાડીયેજ ફેન્સીંગ પાસેના રસ્તા ઉપરથી પસાર થતા લીલ અને કિચ્ચડના કારણે એક વૃધ્ધ પડી ગયા હતા.
ઉમા માર્કેટ મઢુલી પાન પાર્લર સામેના નાના ગેટમાં પેસેન્જરોની અવરજવર બંધ થતા આ વિસ્તારના વેપારીઓ તથા રીક્ષા ચાલકોના ધંધા ઉપર માઠી અસર પડતા છેલ્લા ઘણા સમયથી ફેન્સીંગ ખોલી નાખવાની માગણી હતી. જેમાં તા.૮-૭-૨૦૨૫ ના રોજ આ ગેટ આગળ વેપારીઓ એકઠા થઈ સાંકડા રસ્તાની પરિસ્થિતિ જણાવી ફેન્સીંગ ખોલવા રજુઆત કરી હતી. જેમાં પ્રાન્ત ઓફીસર દેવાંગભાઈ રાઠોડને આવેદન આપી ધારાસભ્ય કાર્યાલયમાં આરોગ્ય મંત્રીનો સમય માગતા તા.૧૦-૭-૨૫ ગુરૂપૂર્ણિમાના દિવસે બપોરે ૩-૩૦ કલાકનો સમય આપ્યો હતો. વેપારીઓ આરોગ્યમંત્રીને મળવા જવા તૈયાર હતા. ગેટ ખોલવાની માગણીને બળ આપવા માર્કેટની દુકાનો પણ બંધ કરી હતી. પરંતુ ધારાસભ્ય કાર્યાલયમાંથી કોઈ મેસેજ નહી આવતા છેવટે વેપારીઓ રેલી કાઢી ડેપો મેનેજર વિરુધ્ધ સુત્રોચ્ચાર સાથે માર્કેટયાર્ડ પહોચ્યા હતા. જ્યા એક રાષ્ટ્ર એક ચુંટણીના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહેવાના હતા. જ્યા હાજર પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે હોબાળો નહી કરી નીકળી જવાનુ કહેતા વેપારીઓ સંમત થયા નહોતા. વેપારીઓનો રોષ જોતા કંઈ અજુગતુ ન બને તે માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ કાર્યક્રમમાં હાજરી આપવા માર્કેટયાર્ડમાં આવતા ચેરમેનની ઓફીસમાં પ્રથમ વેપારી પ્રતિનિધિઓની રજુઆત સાંભળી હતી. પ્રતિનિધિ મંડળે ગેટ ખોલવા માટેની રજુઆત કરતા છેવટે આરોગ્ય મંત્રીએ શનિવાર સવારે સ્થળ ઉપર પહોચી પરિસ્થિતિથી વાકેફ થઈ નિર્ણય કરવાનુ જણાવતા મામલો શાંત પડ્યો હતો.
નોધપાત્ર બાબત છેકે આ ગેટ ખોલવા અગાઉ પણ રજુઆત થઈ હતી. પરંતુ આરોગ્ય મંત્રીએ ડેપો મેનેજર તથા યુનિયનના કર્મચારીઓનુ સાંભળી વેપારીઓની માગણી અવગણી હતી. આ વખતે ગેટ ખોલાવવા વેપારીઓએ મક્કમ નિર્ધાર કર્યો છે. ગેટ ખોલવામાં નહી આવે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની પણ માનસિકતા બનાવી છે.