વિસનગર તાલુકા પંચાયતના ગુલ્લીબાજ કર્મચારીઓનું ટાઈમટેબલ ખોરવાયુ
વિસનગરના કાંસા એન.એ. વિસ્તારમાં આવેલ કે.પી. પટેલ કોમ્યુનીટી હોલમા કાર્યરત આઈ.આર.ડી.શાખાના કેટલાક કર્મચારીઓ કોઈપણ બહાને દરરોજ એક કલાક વહેલા ઘરે જતા હોવાનુ ટી.ડી.ઓ. અને તાલુકા પંચાયત પ્રમુખના ધ્યાને આવ્યુ હતુ. ત્યારે ટી.ડી.ઓ. તથા તાલુકા પંચાયત પ્રમુખે ગુલ્લી મારનાર કર્મચારીઓને ઝડપી તેમની સામે પગલા લેવા માટે રોજે રોજ તપાસ શરૂ કરતા ગુલ્લીબાજ કર્મચારીઓનુ ટાઈમ ટેબલ ખોરવાયુ છે.
વિસનગર શહેરના મધ્યે આવેલ તાલુકા પંચાયતનું બિલ્ડીંગ જર્જરીત થતા નવી બિલ્ડીંગના નિર્માણ માટે તાલુકા પંચાયત હસ્તકની વિવિધ કચેરીઓ અલગ- અલગ સ્થળે ખસેડવામા આવી છે. જેમાં આઈ.આર.ડી.શાખા અને આઈ.સી. ડી.એસ. શાખા કાંસા એન.એ.માં આવેલ કે.પી.પટેલ કોમ્યુનીટી હોલમાં કાર્યરત કરવામા આવી છે. જ્યારે ટી.ડી.ઓ. ઓફિસ, તાલુકા પંચાયત પ્રમુખ ઓફિસ અને વિકાસ શાખા તાલુકા પંચાયતના જુના મકાનમાં કાર્યરત છે. ટી.ડી.ઓ. ઓફિસ અને આઈ.આર.ડી. શાખા વચ્ચે આશરે દોઢ કિ.મી.નું અંતર છે. ટી.ડી.ઓ. મનુભાઈ પટેલ બિન ભ્રષ્ટાચારી અધિકારી હોવાથી તેઓ મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થાય તેવા વિકાસકામોની વહીવટી મંજુરી આપતા નથી. જેના કારણે ભ્રષ્ટાચારી કર્મચારીઓની આવક બંધ થતા તેઓ અંદરખાને ટી.ડી.ઓ.ની કામગીરીથી નારાજ થતા નાયબ ટી.ડી.ઓ. તથા અન્ય ભ્રષ્ટ કર્મચારીઓ મનરેગા યોજનામાં કામ થતા હોય તેવા તાલુકામાં બદલી કરાવવા પ્રયત્નો કરી રહ્યા હોવાનું અંદરખાને ચર્ચાય છે. જોકે તાલુકા પંચાયતમાં ભાજપનુ શાસન છે અને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ હાલમાં રાજ્યના કેબિનેટ મંત્રી હોવાથી તેમના સહયોગથી તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી તાલુકાના ગામડાઓમાં અભુતપુર્વ વિકાસ કામો કરાવી રહ્યા છે. જેમાં ટી.ડી.ઓ. મનુભાઈ પટેલનો પણ પુરો સહયોગ મળી રહ્યો છે. ટી.ડી.ઓ. મનુભાઈ પટેલ ઉપર વહીવટી કામગીરીનું ભારણ રહેતુ હોઈ તેઓ રોજેરોજ આઈ.આર.ડી. શાખાની મુલાકાત લઈ શક્તા નથી. જેના કારણે નાયબ ટી.ડી.ઓ. સહિત મનરેગા શાખા અને એસ.બી.એમ.ના કેટલાક કર્મચારીઓ દરરોજ સાંજે કોઈપણ બહાને ૪-૩૦ થી ૫-૦૦ વાગ્યાના ગાળામાં ઘરે વહેલા નિકળી જતા હતા. આ બાબત ટી.ડી.ઓ.મનુભાઈ પટેલ અને પ્રમુખ સુમિત્રાબેન પટેલના ધ્યાને આવતા અત્યારે તેઓ રોજે રોજ સાંજે કર્મચારીઓની હાજરીની તપાસ કરી રહ્યા છે. ટી.ડી.ઓ. અને પ્રમુખના કડક વલણથી રોજેરોજ ફરજ ઉપર ગુલ્લી મારતા કર્મચારીઓનું ટાઈમટેબલ ખોરવાયુ છે. જોકે મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીશ્રી ઓમપ્રકાશ શર્માજીએ પણ આ કચેરીમાં ઓચીંતી મુલાકાત લેવાની જરૂર છે.