Select Page

વિસનગર પાલિકાની હદ વધતા નવો ડીપી તૈયાર થશે

વિસનગર પાલિકાની હદ વધતા નવો ડીપી તૈયાર થશે

સરકારની માન્ય એજન્સીની સૂચના પ્રમાણે ઝોન ફળવાશે

  • હદ વધારવામા સમાવેશ કરાયેલ ઓજી વિસ્તારના પ્લોટ ધારકોની બાંધકામ મંજુરી માટે રઝળપાટ

વિસનગર પાલિકાના વર્તમાન બોર્ડની શરૂઆતથીજ સાધારણ સભાઓમાં ઘણી રજૂઆતો તથા વિવાદ બાદ ટી.પી. ચેરમેન મેહુલભાઈ પટેલ અને બાંધકામ ચેરમેન જે.ડી. પટેલની મહેનતથી શહેરના વિકાસ નકશાની કરવામાં આવેલી દરખાસ્ત હદ વધારો થતા રદ થશે. હવે હદ વધારા સાથે નવો વિકાસ નકશો તૈયાર કરવામાં આવશે. જોકે અત્યારે વધારેમાં વધારે મુશ્કેલી હદ વધારામા સમાવેશ કરવામાં આવેલ ઓજી વિસ્તારના પ્લોટ ધારકો અનુભવી રહ્યા છે. બાંધકામ મંજુરી નહી મળતા પ્લોટ ધારકોનુ નવુ મકાન બનાવવાનુ સ્વપ્ન રોળાઈ રહ્યુ છે.
પાલિકાના વિકાસ મંચના ગત બોર્ડમાં શહેરના વિકાસ નકશા માટે એજન્સીને કામ સોંપી કામગીરી પૂર્ણ થયા વગર મોટાભાગનુ પેમેન્ટ ચુકવવામાં આવતા વર્તમાન ભાજપના બોર્ડની શરૂઆતનીજ સાધારણ સભાથી સિનિયર સભ્ય વિજયભાઈ પટેલે આ બાબતે તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની રજુઆત કરી હતી. છેવટે ટી.પી. ચેરમેન મેહુલભાઈ પટેલ અને બાંધકામ ચેરમેન જે.ડી.પટેલની મહેનતથી શહેરનો વિકાસ નકશો તૈયાર થતા તેની દરખાસ્ત કરવામાં આવી હતી. વિસનગર પાલિકાની હદ વધતા અને ૮ કિ.મી.નો વિસ્તાર ૨૮ કિ.મી.નો થતાજ નવા વિકાસ નકશા માટેની દરખાસ્ત માથે પડી છે.
વિસનગર પાલિકાની વધેલી હદને સરકારના તા.૨૭-૭-૨૦૨૫ ના જાહેરનામા કલમ નં.૩ અને ૬ હેઠળ (ADA) એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટી તરીકે જાહેર કરવામાં આવેલ છે. હવે શહેરના વધેલા વિસ્તાર સાથે કાંસા એન.એ. માટે પણ વિકાસ નકશો સુઆયોજીત સુંદર બનાવવા હેતુસર આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ટીપી સ્કીમનુ પણ આયોજન કરવામાં આવશે. ઘણા વર્ષ બાદ શહેરનો વિકાસ નકશો બની રહ્યો છે અને તેમાં પણ હદ વધારો થયો છે. ત્યારે નાગરિકોને તમામ સુવિધાઓ, સગવડો, બાગ-બગીચા જેવા વિસ્તારોનો લાભ મળશે અને શહેરનો સુંદર વિકાસ થાય તે માટે પુરતી કાળજી સાથે તકેદારી રાખવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમા તથા પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદીની રાહબરીમાં ટીપી ચેરમેન મેહુલભાઈ પટેલ તેમજ ટી.પી.શાખાના જુનિયર નગરનિયોજક સ્વાતીબેન મોદી શહેરનો વિકાસ કરવા માટે પ્રયત્નશીલ છે. સરકારે શહેરી વિકાસ વર્ષ અન્વયે એક પાલિકા દીઠ ઓછામાં ઓછી એક ટીપી સ્કીમ બનાવવા માટે સૂચન કર્યુ છે. જેને ધ્યાને રાખી પાલિકાની ટીપી સ્કીમનુ આયોજન કરવામાં આવ્યુ છે. એક વર્ષમા વિકાસ નકશો તૈયાર કરવાની મુદત આપવામાં આવી છે. ત્યારે ચાર થી પાંચ મહિનામાં ઝડપી કાર્યવાહી કરી રિવાઈઝ નકશાની દરખાસ્ત માટે પાલિકા દ્વારા તૈયારી કરવામાં આવી છે. નોંધપાત્ર બાબત છેકે સરકાર માન્ય એજન્સીને વિકાસ નકશાની કામગીરી સોપવામાં આવશે. એજન્સી દ્વારા કયા વિસ્તારમાં કેવુ ડેવલપમેન્ટ છે તેનો પૂરતો અભ્યાસ કર્યા બાદ કઈ જગ્યાએ અને કયા વિસ્તારમાં કેવુ ડેવલપમેન્ટ કરવુ તેના સૂચનો આધારે ઝોન ફાળવણી કરવામાં આવશે.
પાલિકાના હદ વધારાના કારણે અત્યારે સમાવેશ કરવામાં આવેલ ઓજી વિસ્તારની પ્લોટ ધારકો મકાન બનાવવામાં હેરાનગતીનો સામનો કરી રહ્યા છે. શહેરના આઉટગ્રોથ વિસ્તારમાં બાંધકામ માટે પહેલા તાલુકા પંચાયતમાંથી બાંધકામ મંજુરી મળતી હતી. ઓજી વિસ્તારનો પાલિકાની હદમાં સમાવેશ કરવાની જાહેરાત બાદ તા.૧-૬-૨૦૨૫ થી તાલુકા પંચાયતે બાંધકામ મંજુરી આપવાનુ બંધ કર્યુ હતુ. જ્યારે વિકાસ નકશો તૈયાર થયો નહી હોવાથી પાલિકા તંત્ર સમાવેશ કરેલ વિસ્તારની બાંધકામ મંજુરી આપી શકતુ નથી. પાલિકાની હદમાં સમાવેશ કરેલ ઓજી વિસ્તારની બાંધકામ મંજુરી માટે કોઈ વૈકલ્પીક વ્યવસ્થા કરવાનો વિચાર કરવામાં નહી આવે તો નવુ મકાન બનાવવાની ઈચ્છા રાખતા અનેક લોકોના સપના રોળાશે.