Select Page

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિનો પણ ગુનો દાખલ થવો જોઈએ કોસ્ટગાર્ડમાં નોકરી આપવાનુ કહી રૂા.૧૫ લાખની છેતરપીંડી

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિનો પણ ગુનો દાખલ થવો જોઈએ કોસ્ટગાર્ડમાં નોકરી આપવાનુ કહી રૂા.૧૫ લાખની છેતરપીંડી

ભારતીય તટ રક્ષકદળ(કોસ્ટગાર્ડ)નુ કામ દેશની દરીયાઈ સીમાની સુરક્ષા કરવાનુ છે. દરીયા માર્ગે કોઈ આતંકવાદી કે અન્ય અસામાજીક પ્રવૃત્તિ થતી હોય તો તેને રોકવા માટે કોસ્ટગાર્ડ તૈયાર હોય છે. આમ કોસ્ટગાર્ડ દેશની સુરક્ષાનુ કામ કરે છે. ત્યારે કોઈ ઈસમ કોસ્ટગાર્ડમાં નોકરી અપાવવા કોસ્ટગાર્ડનો ફેક લેટર તૈયાર કરે તો તેના વિરુધ્ધ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિનો ગુનો દાખલ કરવો જોઈએ. આવા ખોટા લેટરથી દેશને નુકશાન કરતી પ્રવૃત્તિ પણ થઈ શકે. વિસનગરના એક ઈસમે કોસ્ટગાર્ડમાં નોકરી આપવાનુ કહી રૂા.૧૫ લાખ પડાવી કોસ્ટગાર્ડનો ખોટો લેટર આપતા છેતરપીંડી અને ખોટો દસ્તાવેજ બનાવવા બાબતનો ગુનો નોધાયો છે.
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના વાજીદખાન યાહયાખાન મલેક મહેસાણા સીક્યુરીટીમાં નોકરી કરે છે. જેમની સાથે સીક્યુરીટીમાં નોકરી કરતા વિસનગરના યોગેશકુમાર બળદેવભાઈ ચૌહાણ સાથે ઓળખાણ થઈ હતી. વર્ષ ૨૦૨૪ના મે મહિનામાં યોગેશકુમાર ચૌહાણે ભારતીય વાયુસેનામાં નોકરીનો એપોઈન્ટમેન્ટ લેટર આપ્યો હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારે વાજીદખાન મલેકે પણ આ પ્રકારની નોકરી માટે ઈચ્છા દર્શાવતા યોગેશકુમાર ચૌહાણે વિસનગરના ર્ડા.યોગેશભાઈ સુરેશભાઈ પરમારે આવી નોકરી અપાવી હોવાનુ જણાવ્યુ હતુ. વિસનગર આઈ.ટી.આઈ. ચાર રસ્તા પાસે વાજીદખાન મલેકની ર્ડા.યોગેશભાઈ પરમારની મુલાકાત કરાવી હતી. આ મુલાકાતમાં ર્ડા.યોગેશભાઈ પરમારે જણાવેલ કે ભારતીય કોસ્ટગાર્ડમાં નોકરીની જગ્યા પડી છે. જે નોકરી અપાવીશ પણ બદલામાં રૂા.૧૫ લાખ આપવા પડશે.
સરકારી નોકરી મળતી હોવાથી વાજીદખાન મલેકે ઘરે તેમની માતાને વાત કરતા માતાએ જણાવેલ કે સરકારી નોકરી મળતી હોય તો ઉછીના પૈસા લાવીને પણ આપીશુ. ઘરના દાગીના વેચી અને ઉછીના પૈસા લાવી ર્ડા.યોગેશભાઈ પરમારને રૂા.૧૦ લાખ આપ્યા હતા. થોડા દિવસ બાદ નોકરી બાબતે ઉઘરાણી કરતા વાયદા બતાવતા હતા. નોકરી ન અપાવી શકો તો પૈસા પાછા લેવા ઉઘરાણી કરી હતી ત્યારે બે દિવસમાં જોઈનીંગ લેટર આપવા જણાવ્યુ હતુ. ત્યારબાદ ર્ડા.યોગેશભાઈ પરમારે એક બંધ કવરમાં જોઈનીંગ લેટર આપ્યો હતો. જેની સામે બાકીના રૂા.૫ લાખ આપ્યા હતા. બંધ કવર ખોલતા ઈન્ડીયન કોસ્ટગાર્ડનો તા.૧૧-૬-૨૦૨૪ નો લેટર હતો. જેમાં શ્રીપાલ એસ.નાયરની સહી તેમજ આઈસીજી ગાંધીનગર સિક્કો મારેલો હતો. લેટર મળતાજ વાજીદખાન મલેકે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મેડીકલ કરાવ્યુ હતુ. અને એસ.પી. ઓફીસમાં વેરીફીકેશન પણ કરાવ્યુ હતુ. જેઓ કોસ્ટગાર્ડ ગાંધીનગર ઓફીસમાં જોઈનીંગ લેટર લઈને જતા જાણવા મળેલ કે આવી કોઈ જગ્યા પડી નથી. ર્ડા.યોગેશભાઈ પરમારે ખોટો જોઈનીંગ લેટર આપ્યો હતો. જ્યારે યોગેશકુમાર બળદેવભાઈ ચૌહાણએ પણ નોકરી આપવાની લાલચ આપી પૈસા પડાવી લીધાનુ બહાર આવ્યુ હતુ. વાજીદખાન મલેકે આ બાબતે પોલીસ ફરિયાદ કરતા પોલીસે વિસનગરમાં દેણપ રોડ ઉપર આવેલ હરિ એપાર્ટમેન્ટમાં રહેતા ર્ડા.યોગેશભાઈ સુરેશભાઈ પરમાર વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો. મહત્વની બાબત છેકે આવા લેટર આધારે દેશ વિરોધી પ્રવૃત્તિ પણ થઈ શકે છે. ત્યારે ર્ડા.યોગેશભાઈ પરમાર વિરુધ્ધ છેતરપીંડી અને ખોટા દસ્તાવેજ બનાવવાનોજ ગુનો નહી પરંતુ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિનો પણ ગુનો દાખલ કરવો જોઈએ.