Select Page

ટ્રાફીક મીટીંગમાં ભરતભાઈ પટેલની રજુઆતની અસર જીયુડીસીએ માટી પુરાણ બાદ પાણી ભરવાનુ શરૂ કર્યુ

ટ્રાફીક મીટીંગમાં ભરતભાઈ પટેલની રજુઆતની અસર જીયુડીસીએ માટી પુરાણ બાદ પાણી ભરવાનુ શરૂ કર્યુ

વિસનગરમાં જીયુડીસી દ્વારા ગટરલાઈન ખોદકામનુ જે કામ ચાલી રહ્યુ છે તેમાં મોટા પ્રમાણમાં ગેરરીતી થતા હોવાના આક્ષેપ થયા છે. ટ્રાફીકની મીટીંગમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે જીયુડીસી હલકી ગુણવત્તાનુ કામ કરતુ હોવાની રજુઆત કરી હતી. જેની અસર જોવા મળી છે અને પાઈપ લાઈન નાખી માટી પુરાણ કર્યા બાદ પાણી ભરવાનુ શરૂ કરાયુ છે. જોકે પાઈપલાઈન નાખતા પહેલા પીસીસી કરવામાં નહી આવતુ હોવાનો આક્ષેપ તો હજુ ઉભોજ છે. જીયુડીસીની હલકી ગુણવત્તાની કામગીરીના કારણે ખોદકામ કરાયેલ જગ્યામાં ભારે વાહનો ફસાવાની અને પીપીસી કરવામાં નહી આવ્યુ હોવાથી પાઈપો ડેમેજ થયાની પુરેપુરી શક્યતા છે.
વિસનગર શહેરમાં જ્યા ગટરની વ્યવસ્થા ન હતી તે વિસ્તારોમાં વર્ષ ૨૦૧૦ માં રૂા.૨૮ કરોડના ખર્ચે જીયુડીસી દ્વારા પાઈપલાઈન નાખવામાં આવી હતી. લેવલ વગર હલકી ગુણવત્તાનુ કામ થયુ હોવાથી આ યોજના નિષ્ફળ ગઈ હતી અને સરકારના કરોડોના રૂપિયા વેડફાયા હતા. જીયુડીસી દ્વારા ફેઝ ટુ માં રૂા.૯૦ કરોડના ખર્ચે શહેરમાં ગટર લાઈન નાખવામાં આવી રહી છે. આ યોજનામાં મોટા પ્રમાણમાં ગેરરીતી થતા નવી ગટરલાઈન ભવિષ્યમાં કેટલી ઉપયોગી બનશે તેના ઉપર શંકા સેવાઈ રહી છે. ખોદકામ બાદ સીમેન્ટની ભારે પાઈપો બેસી જાય નહી તે માટે પાઈપ મુકતા પહેલા નીચે લગભગ ચાર ઈંચનુ પીસીસી કરવાની ટેન્ડરમાં જોગવાઈ છે. ત્યારે મોટાભાગે પાઈપ મુકતા પહેલા પીસીસી નહી કરી મોટા પ્રમાણમાં ખાયકી કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ખાડા પુર્યા બાદ પોલાણ ન રહે તે માટે પાણી ભરવાનુ હતુ તેમાં પણ ધ્યાન નહી રાખી હલકી ગુણવત્તાનુ કામ કરવામાં આવ્યુ છે.
જીયુડીસી દ્વારા ગટરલાઈનની કામગીરીમાં હોબાળા થતા ટ્રાફીકની મીટીંગમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો. પ્રાન્ત ઓફીસરની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં ગટરલાઈનના કામમાં મોટી ગેરરીતી થતી હોવાના ગંભીર આક્ષેપ થયા હતા. યોગ્ય માત્રામાં કામ નહી થાય તો હાઈકોર્ટના દ્વારા ખખડાવવાની પણ ચીમકી આપવામાં આવી હતી. મીટીંગમાં ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિઓએ પણ ભરતભાઈ પટેલની રજુઆતને ટેકો આપ્યો હતો. મહત્વની બાબત તો એ છેકે જીયુડીસી પાલિકા વિસ્તારમાં કામ કરી રહી છે. ત્યારે ટેન્ડરની કોપી પાલિકા પાસે નથી. ક્યાં પાઈપ લાઈન નાખવાની છે અને ટેન્ડરની કંઈ શરતો છે તેની વિસનગરમાં કોઈની પાસે માહિતી નથી.
ટ્રાફીક મીટીંગમાં ગંભીર આક્ષેપો બાદ ગટર લાઈન કામગીરીમાં થોડો ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. પાઈપ મુકતા પહેલા હજુ પણ પીસીસી કરવામાં નથી આવતુ પરંતુ મેટલ પાથરવામાં આવી રહી છે. પાઈપ મુકી ઉપર માટી પુરાણ કર્યા બાદ પોલાણ ન રહે એ માટે પાણી ભરવામાં આવી રહ્યુ છે. પાલડી ત્રણ રસ્તાથી ગટર લાઈનનુ કામ શરૂ કરાયુ ત્યા યોગ્ય માત્રામાં કામ નહી થતા ભવિષ્યમાં પાઈપ બેસી જવાથી કે પોલાણ થવાથી ભારે વાહનો ફસાઈ જાય તેમ છે. પાલિકાના એક કોર્પોરેટરે જણાવ્યુ છે કે, શહેરનો વિસ્તાર વધ્યો તેની સાથે યોગ્ય વિકાસ નહી થવાના કારણે પટણી દરવાજા ઉમિયા માતાના મંદિરથી મહેસાણા ચાર રસ્તા સુધીની કેનાલમાં ગટરનુ પાણી વહી રહ્યુ છે. આ વહેળામાં ગટરનુ પાણી બંધ થશે ત્યારે જીયુડીસીની ૯૦ કરોડની યોજના સફળ થઈ ગણાશે.