ઈન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડી-લગ્નની લાલચમાં રૂા.૧૩.૭૩ લાખ ગુમાવ્યા
પ્રેમજાળમાં ફસાવી યુવતીએ વિસનગરના દલીત યુવાનને છેતર્યો
સોશિયલ મીડિયા ઉપર થયેલો આંધળો પ્રેમ વિસનગરના દલિત સમાજના યુવાનને ભારે પડ્યો છે. ઈન્સ્ટા ઉપર મિત્રતા થતા યુવાન દલિત સમાજનો હોવા છતા સવર્ણ સમાજની યુવતીએ લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવતીએ મિત્રતાનો દુર ઉપયોગ કરી ખોટા બહાના બનાવી યુવક પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. રૂા.૧૩.૭૩ લાખની માતબર રકમ પડાવ્યા બાદ તુ દલિત સમાજનો છે તેમ કહી લગ્ન કરવાનો ઈન્કાર કરી રૂપિયા પરત નહી કરી ધમકીઓ આપતા છેવટે યુવકે કાયદાનો આશરો લેવો પડ્યો હતો. યુવકે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદ કરતા વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાં યુવતી અને તેના પિતા વિરુધ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોધાયો છે.
વિસનગરમાં કાંસા એન.એ. વિસ્તારની વિવેકનગર સોસાયટીમાં રહેતા તેજસકુમાર પ્રવિણભાઈ ધુળાભાઈ પરમાર ઈન્સ્ટા આઈ.ડી. ધરાવતા હોઈ હાલ ગાંધીનગર સરગાસણ ચોકડી પાસેની દેવનંદન સમીટમા રહેતી અને મુળ આમેટ જિલ્લો રાજસમંદ રાજસ્થાનની યુવતી તન્વી સતીષભાઈ મહેશ્વરી સાથે પરિચય થયો હતો. ઈન્સ્ટા ઉપર નિયમિત વાતચીતમાં યુવકે પોતે એસ.સી. કેટેગરીમાં આવતો હોવાનુ યુવતીને જણાવ્યુ હતુ. ત્યારબાદ અરજન્ટ રૂા.૨૦૦૦ ની જરૂર છે તેમ કહેતા યુવતીને ટ્રાન્સફર કર્યા હતા. અવારનવાર વાતચીતમાં એકબીજાને પસંદ કરતા હોઈ યુવતીએ લગ્ન માટે માતા પિતા સાથે વાતચીત કરી હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ બીજા ૨૦૦૦ અને ૪૦,૦૦૦ ની માગણી કરતા યુવકે ટ્રાન્સફર કર્યા હતા.
ઈન્સ્ટા ઉપરની મિત્રતામાં યુવક બરોબરનો ફસાતા યુવતીએ તેનો દુર ઉપયોગ કરવાનુ શરૂ કર્યુ હતુ. યુવતીએ મારે અરજન્ટ રૂા.૩,૦૦,૦૦૦ ની જરૂર છે નહી આપે તો ફીનાઈલ પીવુ પડશે તેમ કહેતા લાગણી વશ થયેલા યુવકે મિત્રના બનેવી પાસેથી ઉછીના રૂપિયા લઈને બે ટુકડામાં રૂા.૨,૮૯,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. થોડા સમય બાદ યુવકે લગ્નની વાત કરતા યુવતીએ માતા પિતા થોડા સમય બાદ લગ્ન ગોઠવવાનુ નક્કી કરી રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ યુવતીએ મારા દાદાનુ ઉદલપુર હોસ્પિટલમાં વાલ્વનુ ઓપરેશન કરવાનુ હોવાથી રૂા.૭,૦૦,૦૦૦ ની જરૂરી હોવાનુ જણાવ્યુ હતુ. જેમાં યુવકે પ્રથમ રૂા.૫૧,૦૦૦ ટ્રાન્સફર કરી બીજી વ્યવસ્થા થાય તેમ નથી તેવુ યુવતીને જણાવ્યુ હતુ. ઈન્સ્ટા ઉપરની વાતચીતમાં યુવતી યુવકનુ બેકગ્રાઉન્ડ જાણતી હોવાથી તેને યુવકની જોબ કરતી માતાના નામે ઈન્ફ્રેન્ડ ફાઈનાન્સ એપમાંથી રૂા.૮,૦૦,૦૦૦ ની લોન લેવા જણાવ્યુ હતુ. હપ્તો ભરવામાં લેટ થવાય તો મદદ કરવાની યુવતીએ બાહેધરી આપી હતી. યુવતી લગ્ન કરવા તૈયાર હોઈ તેના વિશ્વાસમાં આવી જઈ યુવકે તેની માતાના નામે બેન્ક ઓફ ઈન્ડીયા વિસનગર શાખામાંથી લોન લીધી હતી અને યુવતીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
યુવકે કુલ રૂા.૧૩.૭૩ લાખ ટ્રાન્સફર કર્યા બાદ યુવતીને લગ્નની વાત કરતા તુ દલિત સમાજનો હોઈ માતા પિતા લગ્ન કરવાની ના પાડે છે જેથી લગ્ન કરવા નથી અને લીધેલા પૈસા થોડા સમયમાં પરત આપવા જણાવ્યુ હતુ. રૂપિયા પરત લેવા ફોન કરતા યુવતી સરખો જવાબ આપતી નહોતી. યુવતીના પિતાને ફોન કરતા ઉધ્ધત જવાબ આપતા હતા. યુવક ગાંધીનગર રૂપિયાની ઉધરાણી કરવા જતા યુવતીના પિતાએ ઉધ્ધતાઈથી જણાવ્યુ હતુ કે તુ દલિત સમાજનો હોઈ મારી દિકરીના લગ્ન કરાવી શકુ નહી. પૈસાની ઉઘરાણી કરીશ તો ખોટા કેસમાં ફસાવી દેવાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફોન કરતા જવાબ આપતા નહોતા. ઈન્સ્ટા ઉપરની મિત્રતામા અને લગ્નની લાલચમાં છેતરાયેલો યુવક તેજસકુમાર પરમારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તન્વી સતીષભાઈ મહેશ્વરી અને સતીષભાઈ મહેશ્વરી વિરુધ્ધ છેતરપીંડી, વિશ્વાસઘાત તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.