શિરડીનગરના મુખ્ય રસ્તા ઉપર માલિકીનો હક્ક કરતા દબાણનો વિવાદ
સામવેદ, સાંઈ બંગ્લોઝ અને બ્રહ્માણીનગર સોસાયટીમાં જતા
- સોસાયટીના રહીશોના વિરોધ બાદ પ્લોટ માલિક જગ્યાની માપણી કરવા તૈયાર થતા જાહેર રસ્તાના વિવાદમાં સમાધાન થવાની શક્યતા
વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ શિરડીનગર સહિત ચાર સોસાયટીમાં જવાના મુખ્ય ગેટ પાસે આવેલ એક પ્લોટ ધારકે બાંધકામ કરવા માટે જાહેર રોડ સુધી સફેદ કલરના પટ્ટા મારતા સ્થાનિક રહીશો અને પ્લોટ માલિક વચ્ચે જગ્યાનો વિવાદ થયો હતો. જેમાં પ્લોટ માલિક જગ્યાની માપણી કરવા તૈયાર થતા સ્થાનિક રહીશો અને પ્લોટ માલિક વચ્ચે સમાધાન થાય તેવી અટકળો તેજ બની છે.
વિસનગરમાં કેટલાક બિલ્ડરોએ વધુ નફો રળવા માટે બાંધકામ મંજુરી પ્રમાણે સોસાયટીમાં મકાનોના બાંધકામ કરતા સોસાયટીઓમાં રસ્તાના મામલે વિવાદો થયા છે. બિલ્ડરોના પાપે સોસાયટીના રહીશોને ન્યાય માટે કોર્ટનો આશરો લેવાની નોબત આવી છે. જેમાં અત્યારે વિસનગર શહેરના ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ શિરડીનગર સોસાયટી, સાંઈ બંગ્લોઝ, સામવેદ-૨ તથા બ્રહ્માણીનગર સોસાયટીમાં જવાના રસ્તાના મુખ્ય ગેટ પાસે આવેલ એક પ્લોટ માલિકે બાંધકામ કરવા માટે જાહેર રોડની બાજુમાં સફેદ કલરના પટ્ટા મારતા સોસાયટીના રહીશો અને પ્લોટ માલિક વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદમાં શિરડીનગર સહિત ચારેય સોસાયટીના રહીશોની એવી રજુઆત હતી કે, અમે છેલ્લા ૨૦ થી ૨૨ વર્ષથી આ જાહેર રોડ ઉપરથી અવર જવર કરીએ છીએ. સોસાયટીમાં મકાનોના બાંધકામ દરમિયાન આઈવા, ટ્રક, ટ્રેક્ટર, આઈસર જેવા મોટા વાહનોની સતત અવરજવર થતી હતી. આ રોડ પહોળો હોવાથી સામ સામે આવતા જતા મોટા વાહનો આજે પણ શિરડીનગરના મુખ્ય ગેટ પાસેથી સરળતાથી નિકળે છે. શિરડીનગર સોસાયટીના મુખ્ય ગેટ પાસેથી વિક્ટર સ્કુલ રોડ ઉપર આવેલ સોસાયટીઓમાં જવાનો રસ્તો છે. આ વિસ્તારની સોસાયટીના રહીશો શિરડીનગરના મેઈન ગેટ આગળથી વિસનગર-ખેરાલુ-મહેસાણા હાઈવે સુધીના પહોળા રસ્તાનો વર્ષોથી કાયદેસર રસ્તા તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જો આ રસ્તા ઉપર કોઈ વ્યક્તિ ગેરકાયદેસર થોડુ પણ દબાણ કરે તો રસ્તો સાંકડો થાય અને સામસામે આવતા વાહનોના છાશવારે અકસ્માતો થાય. આ વિસ્તારમાં વાહનોના અકસ્માતોની ઘટનાઓ ન બને તે માટે શિરડીનગર તથા આજુબાજુની સોસાયટીના રહીશોએ જાહેર રોડ ઉપર થતા બાંધકામનો વિરોધ કર્યો હતો. જ્યારે બીજી બાજુ જાહેર રોડની બાજુમાં આવેલ પ્લોટ માલિક સરકારી તંત્ર પાસે જગ્યાની માપણી કરાવવા તૈયાર થતા હાલ પૂરતો જગ્યાનો વિવાદ અટક્યો છે. જોકે સોસાયટીના રહીશો અને પ્લોટ માલિક વચ્ચે શાંતીપૂર્ણ ચર્ચા થતા આ રસ્તાના વિવાદમાં સમાધાન થવાની અટકળો તેજ બની છે.