સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવિઝન (SIR) અંતર્ગતવિસનગરમાં બે જગ્યાએ નોંધાયેલા મતદારોને શોધવા તંત્રની ઝુંબેશ
મતદારયાદી ખાસ સઘન સુધારણા (સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવિજન) અંતર્ગત વિસનગર પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાની દેખરેખ હેઠળ બી.એલ.ઓ. દ્વારા વિધાનસભા મત વિસ્તારના ૨૩૮ બુથ ઉપર મંગળવારથી એક મહિના સુધી યુનિક એન્યુમરેશન ફોર્મ (મત ગણતરી ફોર્મ) ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ કામગીરી માટે બુથ લેવલ ઓફિસર(BLO) આપના ઘરે આવે ત્યારે સાચી માહિતી અને સહકાર આપવા પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાએ તાલુકાના તમામ મતદારોને આહ્વાન કર્યુ છે.
ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા તા.૪-૧૧-૨૦૨૫થી સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા(SIR) ની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વિસનગર પ્રાન્ત એવમ્ ચુંટણી અધિકારી વિકાસ રાતડાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તાલુકાના બુથ લેવલ ઓફિસર(BLO)દ્વારા વિધાનસભા મત વિસ્તારના ૨૩૮ બુથ ઉપર ઘરે ઘરે જઈને મતદારોને મત ગણતરીનું ફોર્મ વિતરણ કરી રહ્યા છે. જેમાં મતદારની હયાતી અને મતદાર યાદીમાં દર્શાવેલ સરનામે રહે છે કે નહી તેની ચકાસણી કરી મતદારનું ફોર્મ ભરાવશે. બી.એલ.ઓ. નવા મતદારના સમાવેશ માટે ફોર્મ-૬ અને ઘોષણાપત્રની ઓનલાઈન પ્રક્રિયા કરશે. આ અંગે પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, તાલુકાના તમામ બુથ લેવલ ઓફિસરોને મત ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયાની તાલીમ આપવામાં આવી છે અને અત્યારે તમામ બી.એલ.ઓ.મંગળવારથી ઘરે ઘરે જઈ મતદારોને મત ગણતરી ફોર્મનુ વિતરણ કરી તા.૪-૧૨-૨૦૨૫ સુધી દરેક મતદારની મત ગણતરી હાથ ધરાશે અને તા.૯-૧૨-૨૦૨૫ના રોડ ડ્રાફ્ટ મતદારયાદી તાલુકા કક્ષાએ પ્રસિધ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૯-૧૨ થી ૮-૧-૨૦૨૬ સુધી મતદારની દાવા અને વાંધાની અવધી નક્કી કરવામાં આવી છે. ત્રણ તબક્કામા મત ગણતરીની પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ તા.૭-૨-૨૦૨૬ના રોજ અંતિમ ફાઈનલ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં બહારગામ સ્થળાંતર કરનાર નાગરિકો, મૃતકો, કાયમી સ્થળાંતર થયેલ અને એક કરતા વધુ જગ્યાએ નોંધાયેલ મતદારોની ઓળખ થશે. જેમાં બબ્બે જગ્યાએ નોંધાયેલ મતદારોના નામો આપોઆપ રદ થઈ જશે. વધુમાં પ્રાન્ત અધિકારીએ મત ગણતરીની આ પ્રક્રિયામાં બી.એલ.ઓ. ઘરે આવે ત્યારે તેમને સાચી માહિતી અને સહકાર આપવા મતદારોને અનુરોધ કર્યો છે.
કોઈપણ બુથ લેવલ ઓફિસર (BLO) ઘરે મત ગણતરી માટે આવે ત્યારે તેમને સાચી માહિતી અને સહકાર આપવો-પ્રાન્ત અધિકારી વિકાસ રાતડા
આ સાથે બી.એલ.ઓ. ઘરે આવે ત્યારે મતદારે કયા પુરાવા આપવા તેનુ માર્ગદર્શન આપતા જણાવ્યુ છે કે ૪૦ વર્ષથી ઓછી ઉંમરના મતદારોએ પોતાના પુરાવા તરીકે જન્મનો દાખલો, એલ.સી., આધારકાર્ડ સહિત અન્ય ૧૨ પુરાવા પૈકી ગમે તે એક પુરાવાની ઝેરોક્ષ, હાલનો નવો કલર પાસપોર્ટ ફોટો, ૪૦ વર્ષથી નાની ઉંમરની નવવધુ (પરણિત સ્ત્રી) હોય અને તેમના પિયરમાં માતા-પિતાના વર્ષ ૨૦૦૨ની મતદાર સુધારણા યાદીમાં હોય તો ત્યાંથી મતદારનો ક્રમ નંબર અને ભાગ નંબર પિયરના ગામની શાળાના બી.એલ.ઓ. પાસેથી મેળવી લેવો. ટુંકમાં બી.એલ.ઓ. મત ગણતરી ફોર્મ ભરવા માટે આવે ત્યારે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધારકાર્ડની ઝેરોક્ષ, ચુંટણીકાર્ડની ઝેરોક્ષ આપવી. જો કોઈ મતદાર બી.એલ.ઓ.ને પુરાવા નહી આપે તો તેનુ નામ ફાઈનલ મતદાર યાદીમાંથી કમી થઈ જશે. જેની જવાબદારી જે તે મતદાર અને તેમના પરિવારની રહેશે. ત્યારે દરેક ગામના નાગરિકોએ આ બાબતે ગંભીરતાથી નોંધ લેવા પ્રાન્ત અધિકારીએ સુચના આપી છે.