Select Page

વાલમ સર્વોદય આશ્રમમાં બનાવેલ નંદીધામ બીન ઉપયોગી વિસનગરમાં રખડતા ઢોરનો ત્રાસ-આખલાની અડફેટે ફ્રેક્ચર

વાલમ સર્વોદય આશ્રમમાં બનાવેલ નંદીધામ બીન ઉપયોગી વિસનગરમાં રખડતા ઢોરનો ત્રાસ-આખલાની અડફેટે ફ્રેક્ચર

વિસનગરમાં રખડતા ઢોરના ત્રાસથી અઠવાડીયામાં ઈજા થવાના એક બે બનાવ બને છે. થોડા સમય અગાઉજ રોડ ઉપર ગાય દોડી આવતા એક્ટીવા સવાર યુવાન અથડાતા તેનુ મૃત્યુ થયુ હતુ. દરબાર રોડ ઉપર બે આખલા બાખડતા બાઈક સવારને અડફેટે લીધા હતા. જેમને હાથના કાંડાના ભાગે ફ્રેક્ચર થતા ઓપરેશન કરાવ્યુ હતુ. એક વર્ષ પહેલા વાલમ આશ્રમમાં નંદીધામ બનાવવામાં આવ્યુ હતુ. રખડતા આખલા પકડી નંદીધામમાં આશ્રય આપવાનો અભિગમ હતો. પરંતુ વિસનગર પાલિકા દ્વારા શહેરમાં લોકોને અડફેટે લેતા રખડતા ઢોર પકડવામાં આવતા નથી. મુખ્યમંત્રી જેવા વીવીઆઈપી આવે ત્યારેજ ગાયો અને આખલા પકડી પાંજરે પુરવામાં આવે છે. શહેરના લોકોને આ મુશ્કેલીમાંથી મુક્ત કરવા પાલિકા તંત્ર પાસે સમય નથી અને ખર્ચ કરવાની તૈયારી નથી.
વિસનગર શહેરમાં ચોમાસાની ઋતુમાંજ નહી પરંતુ બારેમાસ રખડતી ગાયો અને આખલાનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ કમાણા ચાર રસ્તા પાસેની શાહિનપાર્ક સોસાયટીમાં રહેતો એહસીન હુમાયુદ્દીનભાઈ મનસુરી એક્ટીવા ઉપર કમાણા ચાર રસ્તા તરફથી ઘરે જતો હતો. દરમ્યાન રોડ ઉપર અચાનક દોડી આવેલ ગાય સાથે એક્ટીવા અથડાતા યુવાનને ગંભીર ઈજાઓ થતા તેનુ મૃત્યુ થયુ હતુ. ત્રણ વર્ષ અગાઉ ચોમાસામાં થલોટા ચાર રસ્તા પાસે પાણીના પ્રવાહમાં તણાઈ એક કિશોરીનુ નાળામાં ફસાઈને મૃત્યુ થતા શહેરની તમામ ખુલ્લી કેનાલો આગળ લોખંડની જાળી લગાવવામાં આવી હતી. ગાયની અફડેટમાં આવતા એક્ટીવા સવાર યુવાનનુ મૃત્યુ થયુ હોવા છતાં પાલિકા તંત્રએ કોઈ ગંભીરતા લીધી નથી. જ્યારે ગાય અને આખલાની અડફેટે ઈજા થવાના બનાવો વારંવાર બની રહ્યા છે.
શહેરમાં વીવીઆઈપીની
મુલાકાત હોય ત્યારેજ
રખડતા ઢોર પકડવામાં આવે છે
વિસનગરમાં ફતેહ દરવાજા પોયડાનો માઢમાં રહેતા કાન્તીભાઈ ચીમનલાલ પટેલ બાઈક ઉપર જાનીવાડામાંથી દરબાર રોડ તરફ જતા હતા. આ સમયે રોડ ઉપર બાખડતા બે આખલામાંથી એક આખલો દોડતા કાન્તીભાઈ પટેલને અડફેટે લેતા બાઈક ઉપરથી પડી ગયા હતા. જેમણે જમણા હાથના કાંડાના ભાગે ફ્રેક્ચર થતા મહેસાણા હોસ્પિટલમાં ઓપરેશન કરાયુ હતુ. આવા તો અઠવાડીયામાં ઘણા બનાવ બનતા હશે. પ્રચાર સાપ્તાહિકના ધ્યાન ઉપર આવે તે બનાવ પ્રસિધ્ધ કરી પાલિકા તંત્રની આંખ ઉઘાડવા પ્રયત્ન કરવામાં આવે છે.
નોંધપાત્ર બાબત છે કે ગુજરાતના ગ્રીન એમ્બેસેડર પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલની પ્રેરણાથી વાલમ સર્વોદય આશ્રમમાં નંદીધામ બનાવવામાં આવ્યુ હતુ. આખલા પકડવા નંદી રથ પણ સેવારત કરાયો હતો. શહેરમાં રખડતા આખલાનો ત્રાસ વધતો જોઈ તેને પકડવા અને આશ્રમ મળી રહે તેવા હેતુથી નંદીધામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિસનગર પાલિકા તંત્રને પણ રખડતા આખલા પકડી નંદીધામમાં સોપવા માટે સૂચન કરાયુ હતુ. શહેરના લોકો રખડતી ગાયો અને આખલાની અડફેટે ગંભીર ઈજાનો ભોગ બની રહ્યા છે. પરંતુ પાલિકા તંત્રએ રખડતા ઢોરના કારણે શહેરમાં બનતા બનાવો બાબતે આંખ અને કાન બંધ કર્યા હોય તેમ જણાય છે.