બાગ ચોકી, કાંસા ચાર રસ્તા ચોકી અને વડનગરી દરવાજા ચોકીમા કોઈ વ્યવસ્થા નહી શહેરના વિકાસ પ્રમાણે સીટી પોલીસ સ્ટેશનમાં સુવિધાઓનો અભાવ
વિસનગર શહેરના વિકાસ પ્રમાણે સીટી પોલીસ સ્ટેશનમાં જે બદલાવ આવવો જોઈએ તે જોવા મળતો નથી. મુખ્ય પોલીસ સ્ટેશન ઉપરાંત અન્ય ત્રણ પોલીસ ચોકી છે. જ્યાં બેસવાની કોઈ વ્યવસ્થા નથી. સજા ભોગવનાર આરોપીઓ માટે પણ જેલમા સુવિધાઓનો ખ્યાલ રાખવામા આવે છે. ત્યારે ઘણી વખત વિવિધ કામ માટે જતા અરજદારોની હાલત આરોપીઓ કરતા પણ બદ્તર થાય છે. શહેરના શિક્ષિત તથા સદ્ગ્રહસ્તો પોલીસ ચોકી તેમજ મુખ્ય સીટી પોલીસ સ્ટેશનમા બેસવાની યોગ્ય સુવિધા મળે તેવી લાગણી છે.
પોલીસ સ્ટેશનમા ફક્ત ગુનેગારોની જ અવર જવર હોતી નથી. પાસપોર્ટ ઈન્કવાયરી તથા અન્ય કામ માટે પણ અરજદારો મુલાકાત લેતા હોય છે. વિસનગર સીટી પોલીસ સ્ટેશનનુ લોકાર્પણ વર્ષ ર૦૧રમાં થયુ હતુ. લોકાર્પણ બાદ આજ ૧૩ વર્ષમા શહેરના વિકાસ સાથે વસ્તી પણ વધી છે. અગાઉ પાલિકાનો વિસ્તાર આઠ કી.મી. જેટલો હતો. કાંસા એન.એ.વિસ્તાર સહીત ઓજી વિસ્તારનો પાલિકામા સમાવેશ થતા હવે હદ વધીને ર૮ કી.મીની થઈ ગઈ છે. આમ શહેરનો જે પ્રમાણે વિકાસ થયો છે. તે પ્રમાણે પોલીસ સ્ટેશનનો વિકાસ થયો નથી. સીટી પોલીસ સ્ટેશનમા ફક્ત પી.આઈની ઓફીસ જ બેસવા લાયક છે. એ સીવાય એક પી.એસ.આઈ પોલીસ સ્ટેશનના પ્રથમ માળે આવેલ અગાસીની જગ્યામાં બનાવેલ કેબીનમાં બેસે છે. જ્યારે બીજા પી.એસ.આઈ. પોલીસ સ્ટેશનમાં કંમ્પાઉન્ડમાં બનાવેલ છાપરાવાળા કેબીનમા બેસે છે. આ બન્ને પી.એસ.આઈની ઓફીસમા કોઈ અરજદાર જાય તો બેસવાની યોગ્ય વ્યવસ્થા હોતી નથી. પાસપોર્ટ ઈન્કવાયરી માટેની એલ.આઈ.બી ઓફીસપણ પતરાવાળી રૂમમા આવેલી છે. જ્યાં પણ કોઈ સુવિધા નથી.
શહેરના મુખ્ય પોલીસ સ્ટેશન સીવાય પૂર્વ ભાગની વડનગરી દરવાજા, મધ્યભાગની ડોસાભાઈ બાગ પાસે અને પશ્વીમ ભાગની કાંસા ચાર રસ્તા પાસે પોલીસ ચોકી આવેલી છે. જેમા વડનગર દરવાજા વિસ્તારમા મુસ્લીમ અગ્રણી કાળુભાઈ સૈયદના પ્રયત્નોથી તથા મજુર સહકારી મંડળોના પૂર્વ ચેરમેન સ્વ.પી.સી.પટેલના સહકારથી પોલીસ ચોકીનુ સુવિધાયુક્ત મકાન છે. પરંતુ આ પોલીસ ચોકીમા લોકોની અવર જવર ઘણી ઓછી છે. મધ્યભાગની બાગ પોલીસ ચોકીમાતો પોલીસ કર્મચારીઓને બેસવાની વ્યવસ્થા નથી પછી અરજદારોને સુવિધા જ કયાથી મળે. બાગ ચોકીમા બેસવાની કે પીવાના પાણીની પણ સુવિધા નથીે. યુવક યુવતી ભાગી ગયા હોય અને બાગ ચોકીમા રજુ કરવામા આવે તો બન્ને પક્ષકારોની સંખ્યા એટલી હોય છે કે ચોકી આગળ ટોળા જોવા મળે છે. ચોકી આગળ શેડ નહી હોવાથી ઉનાળામા તડકો તથા ચોમાસામા પલડવુ પડે તેવી સ્થિતિ જોવા મળે છે. જ્યારે કાંસા ચાર રસ્તા પાસે આવેલ ચોકીની તો વાત જ થાય તેમ નથી. લોખંડનુ એક કેબીન મુકવામા આવ્યુ છે. ઉનાળામા કેબીન એટલુ તપે છે કે પોલીસ કર્મચારીઓ અંદર બેસી શક્તા નથી. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી કરોડો રૂપિયાનો વિકાસ થયો છે. ત્યારે પોલીસ સ્ટેશન સુવિધા ધરાવતા હોય તે બાબતે કોઈ પ્રયત્ન થયો નથી.