Select Page

દેશની આઝાદીની લડતમાં પ્રાણ ફૂંકનાર વંદે માતરમ્‌ ગીતનો વિવાદ શા માટે?

દેશની આઝાદીની લડતમાં પ્રાણ ફૂંકનાર વંદે માતરમ્‌ ગીતનો વિવાદ શા માટે?

ભારત માતાને દુર્ગાનુ સ્વરૂપ ગણતા વિરોધ થયો હતો

તંત્રી સ્થાનેથી…

ભારત દેશના હજ્જારો વર્ષ જુના ઈતિહાસમાં હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ સંસ્કૃતિનો ઉલ્લેખ છે. સોનાની ચીડીયા ગણાતા દેશને લુંટવા મોઘલ રાજાઓએ હુમલો કર્યો ત્યારથી દેશમાં મુસ્લીમોનો વસવાટ શરૂ થયો. જોકે સમય બદલાતા અત્યારે ભારત દેશમાં જેટલો હિન્દુઓનો હક્ક છે તેટલોજ હક્ક દેશમાં રહેતા મુસલમાનોનો છે, તેમાં કોઈ બેમત નથી. દેશની આઝાદીમાં હિન્દુ નેતાઓ સાથે મુસ્લીમ નેતાઓનુ પણ બલીદાન છે. રાષ્ટ્ર ભાવના અને રાષ્ટ્ર ભક્તિના સંસ્કારો ધરાવતા દેશના લોકોમાં ભારત દેશ પ્રત્યે ક્યારેય ભેદભાવ હોઈ શકે નહી. પરંતુ આ સાથે એ હકીકત પણ સ્વિકારવી રહી કે દેશ આઝાદ થયો ત્યારબાદ જે રીતે લઘુમતીને તમામ બાબતોમાં પ્રોત્સાહન અપાયુ તેની સામે બહુમતી સમાજની અનેક રીતે અવગણના કરવામાં આવી. આઝાદી બાદ જે રીતે દેશમાંથી છુટા પડેલા પાકિસ્તાનમાં ઈસ્લામ રાષ્ટ્રનુ મહત્વ આપવામાં આવ્યુ તે રીતે ભારત દેશમાં હિન્દુ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવામાં અનેક ચુનોતીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ વંદે માતરમ્‌ રાષ્ટ્રગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના સમયે તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી અને સંસદમાં ચર્ચા કરવા પાછળનો તર્ક એ હોઈ શકે કે, ભારત દેશમાં બહુમતી હિન્દુઓની લાગણીઓને આઝાદીના ૭૮ વર્ષ બાદ પણ ગણકારવામાં આવતી નથી. જોકે વડાપ્રધાન મોદીએ વંદે માતરમ્‌ ગીતને ચર્ચાના એરણે મુકીને એક તીરથી બે નિશાન તાક્યા છે. આગામી વર્ષમાં પશ્ચિમ બંગાળની ચુંટણી આવી રહી છે. જેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ટી.એમ.સી. સાથે કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષોનુ ગઠબંધન છે. જ્યારે મુખ્યત્વે ભાજપ અન્ય નાના સાથી પક્ષો સાથે હરિફમા છે. પશ્ચિમ બંગાળની ચુંટણી ટાણે બંગાળનુ ગૌરવ અને બંગાળી ભાષાના પ્રમુખ સહિત્યકારોમાં જેમની ગણના થાય છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચના કરાયેલ વંદે માતરમ્‌ ગીતના કરાયેલા ટુકડામા કોંગ્રેસનો શુ રોલ હતો તેની યાદ તાજી કરાવી છે. જ્યારે બીજુ નિશાન આઝાદી બાદ દેશના બહુમતી સમાજ સાથે થઈ રહેલા અન્યાય બાબતે જાગૃત કરવાનુ હોઈ શકે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ૧૮૭૬ માં સંસ્કૃત ભાષામાં વંદે માતરમ્‌ ગીતની પહેલી બે ટૂંક લખી. આ બન્ને ટૂંકમાં માતૃભૂમિની વંદના હતી. ૧૮૮૨ માં બંગાળી ભાષામાં આનંદ મઠ નામની નવલકથા લખી હતી. આ ગીતને નવલકથામાં સમ્મિલિત કર્યુ. આ સમયે તે નવલકથાની જરૂર સમજીને ગીતના બાકીના ફકરા બંગાળી ભાષામાં ઉમેરવામાં આવ્યા હતા. આ ગીતના બાકીના ફકરામાં દુર્ગાની સ્તુતિ છે. તેમણે ભારત માતાને દુર્ગાનુ સ્વરૂપ માનીને દેશવાસીઓને તેમના સંતાન ગણાવ્યા હતા. બંગાળના ભાગલા બાદ વંદે માતરમ્‌ને બંગાળનુ રાષ્ટ્રગીત બનાવી દીધુ. વંદે માતરમ્‌નો નારો તે સમયે આખા બંગાળમાં આગની જેમ ફેલાયો. બાંગ્લાદેશમાં ખેડૂત નેતા એમ રસુલની અધ્યક્ષતામાં બંગાળ કોંગ્રેસના પ્રાંતીય અધિવેશનમાં વંદે માતરમ્‌ ગીત ગાવા બદલ અંગ્રેજની સેનાએ બર્બરતાથી હુમલો કર્યો હતો. ત્યારબાદ આ ગીત આખા ભારતમાં ગૂંજવા લાગ્યુ. ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લાહ ખાન જેવા સ્વાતંત્રતા સેનાનીઓએ પણ વંદે માતરત્‌ ગીત ગાયુ. અનેક સ્વાતંત્રના સેનાનીઓએ વંદે માતરમ્‌નુ ગાન કર્યુ, પરંતુ મુસ્લીમ લીગ અને મુસ્લીમ સમુદાયનો એક વર્ગ વંદે માતરમ્‌ ગીતમાં ભારત માતાને દુર્ગાનુ પ્રતિક ગણવાના કારણે આ ગીતને શંકાની નજરથી જોવા લાગ્યો. મુસ્લીમ લીગ અને મુસ્લીમ સમાજના તે સમયના એક વર્ગે વંદે માતરમ્‌નો એટલા માટે વિરોધ કર્યો કે તેઓ દેશને ભગવાનનુ રૂપ ગણી તેની પૂજા ન કરી શકે. આજ કારણથી સ્વતંત્ર થયેલ ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ વંદે માતરમ્‌ને ભારતના રાષ્ટ્રગીત તરીકે સ્વિકારવા તૈયાર નહોતા. એક સમયે મુસ્લીમ જનસંખ્યક લોકો વંદે માતરમ્‌ને રાષ્ટ્રગીત તરીકે અપનાવતા નહોતા. વંદે માતરમ્‌ ગાવાનો ઈન્કાર કરનાર આજે પણ ઓછા નથી. કમનસીબી એ છેકે દેશની આઝાદીમાં જેમણે મહત્વનુ યોગદાન આપ્યુ છે તે કોંગ્રેસ પક્ષ પણ રાષ્ટ્રગીત મુદ્દે એક મત નથી. કેટલાક મુસ્લીમ દેશમાં દેવી દેવતાનુ સન્માન છે, જે ભારતના મુસ્લીમોમાં જોવા મળતુ નથી. હમણા સપ્ટેમ્બર માસની વાત કરીએ તો દુનિયામાં સૌથી વધુ મુસ્લીમ ધરાવતા રાષ્ટ્ર ઈન્ડોનેશીયાના રાષ્ટ્રપતિ પવોબો સુબીયાતોએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સભામાં પોતાના ભાષણની શરૂઆત અરબીમાં અસ્લામુ અલૈકુમની સાથે સંસ્કૃત ભાષામાં ઓમ સ્વસ્તિઅસ્તુ બોલીને કરી. ઈન્ડોનેશીયાના લોકો માંગલીક કાર્યની શરૂઆત પણ ગણેશજીના સ્મરણથી કરે છે. આ દેશના ચલણ ઉપર ભગવાન ગણેશજીનુ ચિત્ર પણ છે. જ્યારે હિન્દુ બહુમતી ધરાવતા ભારત દેશની ચલણી નોટો ઉપર લક્ષ્મીજીનુ ચિત્ર મુકવાનો નિર્ણય લેવાનો થાય તો વિરોધમાં શુ ન થાય? મુસ્લીમ રાષ્ટ્રના વડા ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા ગીત સાથે સંકળાયેલા હોય તો ભારતમાં શા માટે નહી? ૧૯૩૭ માં કોંગ્રેસનાજ મહાઅધિવેશનમાં વંદે માતરમ્‌ ગીતને રાષ્ટ્રગીત તરીકે અપનાવવા માટે જ્યારે તૈયારીઓ થઈ ત્યારે જવાહરલાલ નહેરૂ અધીક્ષિત સમિતિએ ફક્ત ગીતના પહેલા બે અનુચ્છેદોને માન્યતા આપી. આ સમિતિમાં અબ્દુલ કલામ આઝાદ, સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર પણ હતા. આ સમિતિમાં કોંગ્રેસે વંદે માતરમ્‌ના શરૂઆતના બે પેરેગ્રાફ પસંદ કર્યા. જેમાં ભારતની ભૂમિ, નદીઓ, બગીચાઓ, શીતલમંદ હવા વિગેરેના ગુણગાન હતા. હિન્દુ દેવી-દેવતાઓનો ઉલ્લેખ હતો તે ગીતનો બાકીનો હિસ્સો છોડવામાં આવ્યો. ભાજપનો આક્ષેપ છે કે વંદે માતરમ્‌ના આ પ્રકારે ટુકડા કરવાથી તેમની માનસિકતાને વેગ મળ્યો અને ભારતનુ વિભાજન થયુ. દેશની આઝાદી પહેલા અને આઝાદી બાદ હિન્દુઓની લાગણીને અવગણતા આવા તો અનેક નિર્ણયો લેવાયા હતા, જેને ક્યરેય બહાર આવવા દીધા નથી. વંદે માતરમ્‌ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના આરે આ ગીતની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે અને સંસદમાં ચર્ચા થઈ રહી છે તેની પાછળ ભાજપ તેમજ વડાપ્રધાન મોદીનો ફક્ત એકજ હેતુ છે કે દેશની નવી જનરેશન વાસ્તવિકતાથી વાકેફ થાય.