વિસનગરમાં વિકાસ કામના કારણે એર ક્વૉલીટી ઈન્ડેક્ષ સ્વાસ્થ્ય માટે ખતરારૂપ
કામ પૂર્ણ થાય ત્યા રોડ ઉપરથી ધૂળ દૂર કરવી જરૂરી
વિસનગરનો ૧ ડીસેમ્બરથી ૧૨-૧૨ સુધીનો AQI
૧-૧૨ – ૧૫૭
૨-૧૨ – ૧૫૯
૩-૧૨ – ૧૪૯
૪-૧૨ – ૧૪૦
૫-૧૨ – ૧૪૫
૬-૧૨ – ૧૪૭
૭-૧૨ – ૧૪૬
૮-૧૨ – ૧૩૨
૯-૧૨ – ૧૩૯
૧૦-૧૨ – ૧૫૧
૧૧-૧૨ – ૧૬૬
૧૨-૧૨ – ૧૭૨
વિસનગરમાં દોઢ બે વર્ષે વિકાસ કામ પૂર્ણ થશે ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે શહેરના લોકોની સુવિધાઓ અને સવલત માટે ઘણુ સારૂ કર્યુ તેવો અહેસાસ થશે. પરંતુ અત્યારે ચોતરફ થઈ રહેલા વિકાસથી લોકોના સ્વાસ્થ્ય ઉપર મોટી અસર કરે તેવો વિસનગરનો એર ક્વૉલીટી ઈન્ડેક્ષ જોવા મળી રહ્યો છે. ૫૧ થી ૧૦૦ નો ઈન્ડેક્ષ સ્વિકારી શકાય, પરંતુ છેલ્લા ઘણા સમયથી ઉડતી ડસ્ટના કારણે AQI એવરેજ ૧૫૦ ની આસપાસ નોંધાયો છે. જ્યા કામ પૂર્ણ થવાના આરે છે ત્યાં રોડ ઉપરથી ધૂળ સાફ કરવામાં નહી આવે તો શહેરના લોકો ગંભીર બીમારીનો ભોગ બને તેવી પુરેપુરી શક્યતા છે.
વિસનગરમાં પાલિકા તંત્ર, માર્ગ મકાન વિભાગ, જીયુડીસી દ્વારા અત્યારે શહેરના મોટા ભાગની વિસ્તારમાં વિવિધ વિકાસ કામ ચાલી રહ્યા છે. ખોદકામ કરવાના કારણે ધૂળ રોડ ઉપર જામી ગઈ છે. ત્યારે વાહનોની અવરજવરના કારણે પીકઅપ સમયે ડસ્ટ ઉડતા ગૌરવપથ, એમ.એન.કોલેજ રોડ, ખેરાલુ રોડ, ગુરૂકુળ રોડ, થલોટા રોડ વિગેરે વિસ્તારમાં ધુમ્મસ જેવુ વાતાવરણ જોવા મળે છે. જેના કારણે શહેરનો એક ક્વૉલીટી ઈન્ડેક્ષનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ગુગલ ઉપર એર ક્વૉલીટી ઈન્ડેક્ષ વિસનગર સર્ચ કરવાથી તમામ હકિકત જાણવા મળશે. AQI ૦ થી ૫૦ હોય તો સંતોષકારક, ૫૧ થી ૧૦૦ મધ્યમ, ૧૦૧ થી ૧૫૦ સેન્સેટીવ – ખરાબ, ૧૫૧ થી ૨૦૦ બીન આરોગ્યપ્રદ, ૨૦૧ થી ૩૦૦ સ્વાસ્થ્ય માટે ગંભીર અને ૩૦૦ ઉપર જોખમી કહેવાય. ત્યારે વિકાસ કામના કારણે શહેરનો AQI ૧૫૦ આસપાસ નોધાયો છે. જે શહેરના લોકોના સ્વાસ્થ્ય માટે ખતરારૂપ છે. શહેરમાં ચાલતા વિકાસ કામની સાથે તંત્રએ વિકાસ કામની આડઅસર ન થાય અને લોકોનુ આરોગ્ય ન જોખમાય તે પણ જોવાની એટલીજ જવાબદારી છે. પછી લોકોને રોગ આપીને થાય તેવો વિકાસ શુ કામનો?
શહેરમાં ઉડતી ધૂળ – ડસ્ટનુ પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર નકારાત્મક પ્રભાવ પાડે છે. પ્રદૂષિત હવામાં હાનિકારક તત્વો હોય છે. જે શ્વસન તંત્ર ઉપર અસર કરી શકે છે. ફેફસામા બળતરા, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. અસ્થમા અને બ્રોન્કાઈટીસ જેવા રોગો વધે છે. લાંબા સમય સુધી પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડીસીઝ (COPD) થઈ શકે છે. હાનિકારક કણો લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે. જેનાથી હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોકનુ જોખમ વધી શકે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. હવાની ખરાબ ગુણવત્તા સગર્ભા સ્ત્રીઓમાં ગર્ભના વિકાસ ઉપર નકારાત્મક અસર કરી શકે છે. બાળકોમાં ફેફસાનો વિકાસ ધીમો પડી શકે છે. અને શ્વાસોશ્વાસની સમસ્યા વધી શકે છે. લાંબા સમય સુધી વાયુ પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી ફેફસાના કેન્સરનુ પણ જોખમ વધી શકે છે. આ પ્રદૂષણના સમયે શહેરની મધ્યમાં રહેતા અને જ્યા વિકાસ કામ થઈ રહ્યા છે તે વિસ્તારમાં રહેતા લોકોએ કોરોના કાળની જેમ માસ્ક પહેરીને ફરવુ હિતાવહ છે. સતત ઉડતી ડસ્ટના કારણે શરીરમાં રોગ ઘુસી જશે તો તે કાઢવો કઠીન બનશે.
શહેરમાં થઈ રહેલ વિકાસ કામ તો અટકાવી શકાય તેમ નથી, પરંતુ તંત્ર જો થોડી કાળજી રાખે તો ડસ્ટનુ પ્રમાણ ઓછુ થઈ શકે તેમ છે. ડસ્ટ ઓછી થશે તોજ AQI મા ફરક પડી શકે છે. શહેરમાં જે વિસ્તારમાં કામ પૂર્ણ થઈ ગયા છે તે વિસ્તારના રોડ ઉપર પાલિકા તંત્ર દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવે તેમજ રોડ ઉપરથી ડસ્ટ વાળીને સાફ કરવામાં આવે તો પ્રદૂષણમાં ઘટાડો થઈ શકે તેમ છે. પાણીનો સતત છંટકાવ અને વધારાના સફાઈ કામદારો ફાળવી રોડ ઉપર ધૂળની સફાઈ કરવામાં પાલિકા તંત્રને ખર્ચનુ ભારણ થશે, પરંતુ શહેરના લોકોના સ્વાસ્થ્ય કરતા બીજુ કંઈ મહત્વનુ હોઈ શકે નહી.