Select Page

વિસનગરમાં કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે વિકાસ કામોના મુદ્દે પત્રકારો સાથે સંવાદ કર્યોબે વર્ષની મુશ્કેલી આવનાર ૨૫ વર્ષ સુવિધા આપશે-મંત્રી ઋષિભાઈ પટેલ

વિસનગરમાં કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે વિકાસ કામોના મુદ્દે પત્રકારો સાથે સંવાદ કર્યોબે વર્ષની મુશ્કેલી આવનાર ૨૫ વર્ષ સુવિધા આપશે-મંત્રી ઋષિભાઈ પટેલ

વિસનગર શહેરમાં ઓવરબ્રીજ તેમજ અન્ય વિકાસકામોના કારણે શહેરમાં ટ્રાફીકની સમસ્યા વિકટ બની છે. રોજીંદી ટ્રાફીક સમસ્યાથી લોકો હેેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે પ્રજાને પડતી મુશ્કેલીનુ નિરાકરણ લાવવા માટે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ ગત શનિવારના રોજ ઐતિહાસિક પીંડાળીયા તળાવ ખાતે સ્થાનિક આગેવાનો અને પત્રકારો સાથે સીધા સંવાદનું આયોજન કર્યુ હતુ. જેમાં મંત્રી ઋષિભાઈ પટેલે વિકાસકામોથી પ્રજાને પડતી મુશ્કેલી બાબતે જણાવ્યુ હતુ કે બે વર્ષની મુશ્કેલી આવનાર ૨૫ વર્ષ સુધી લોકોને તમામ પ્રકારની સુવિધા આપશે. વિકાસકામોથી વિસનગરની કાયાપલટ થશે.
કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે પીંડાળીયાતળાવની આસપાસ વિકસેલા નંદનવનની મુલાકાત લઈ તેમાં વાવેલા દુર્લભ વૃક્ષોથી માનવજીવનને થતા ફાયદાની માહિતી મેળવી હતી
વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના અથાક પ્રયત્નોથી આજે શહેરના આઈ.ટી.આઈ.ફાટક પાસે ઓવર બ્રીજ, રોડ, ગટર લાઈન સહિત અન્ય વિકાસકામો એકસાથે ચાલી રહ્યા છે. વિકાસકામોના કારણે શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફીક સમસ્યા ઉભી થઈ છે. જોકે શહેર પી.આઈ. કે.બી.પટેલના કડક વલણ અને આગોતરા આયોજનથી અત્યારે શહેરમાં ટ્રાફીક સમસ્યા હળવી થઈ છે. પરંતુ અન્ય વિકાસકામોના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે. ત્યારે પ્રજાની સમસ્યાઓનો ઉકેલ લાવવા કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે ગત શનિવારના રોજ પીંડાળીયા તળાવ ખાતે શહેરના આગેવાનો અને સ્થાનિક પત્રકારો સાથે સીધા સંવાદનું આયોજન કર્યુ હતુ. આ સંવાદ કાર્યક્રમમાં પત્રકારો અને આગેવાનોએ પ્રજાને પડતી મુશ્કેલીનો પ્રાથમિક ઉકેલ લાવવા માટે પોતાના સુચનો રજુ કર્યા હતા. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલે તમામ સુચનોને ગંભીરતાથી લઈને જે તે વિભાગના જવાબદાર અધિકારીઓને તેનો ઝડપી ઉકેલ લાવવા સુચના આપી હતી. આ કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ પીંડારીયા તળાવની આસપાસ ૫૯૦૦ જેટલા વિવિધ જાતિના વૃક્ષોના વાવેતરથી બનેલા હરિયાળા નંદનવનની મુુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન પદ્મભુષણ કમલેશભાઈ પટેલ (દાજી)એ મહાગની, પલાસ, રૂદ્રાક્ષ, લાલ ચંદન, અગરવુડ, નોની, લેમનગ્રાસ, એવોકેડો તથા અન્ય દુર્લભ વૃક્ષોના વાવેતરથી પર્યાવરણને થતા ફાયદા વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. આ વિસ્તારમાં હજ્જારો વૃક્ષોનુ વાવેતર કરી હરિયાળુ વાતાવરણ બનાવવામાં અરવિંદ ફાઉન્ડેશન પ્રમુખ સ્વદેશભાઈ સકસેના, ફોરેસ્ટ બાય હાર્ટફુલનેસના ઝોનલ ઈન્ચાર્જ કેજલભાઈ કંસારા, નવયુગ શિશુ નિકેતનના મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ દેસાઈ, કેપ્ટન ડા.આદિત્ય ચૌધરી, રાજેશભાઈ નાયક સહિત પાલિકાના સત્તાધિશો સહયોગ આપી રહ્યા છે.