Select Page

ભગતસિંહ માર્ગ ઉપર વાહનોનુ ગેરકાયદેસર પાર્કિંગ

ભગતસિંહ માર્ગ ઉપર વાહનોનુ ગેરકાયદેસર પાર્કિંગ

બી.એડ્‌ કોલેજ રોડથી વિવેકાનંદ સોસાયટી તરફના

વિસનગર પોલીસ મુખ્ય માર્ગ ઉપર ટ્રાફીક ન થાય તેનુ ધ્યાન રાખે છે. જ્યારે શહેરની અંદરના જાહેર રોડ ઉપર થતા ગેરકાયદેસર પાર્કિંગથી લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે તે બાબતે કોઈ ધ્યાન રાખવામાં આવતુ નથી કે કાર્યવાહી થતી નથી. બી.એડ્‌.કોલેજ રોડથી ભગતસિંહ માર્ગ ઉપર રોડની બન્ને બાજુ વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફીકની ભારે સમસ્યા સર્જાય છે. કોઈ મોટો વિવાદ કે ઝઘડો થાય ત્યારે પોલીસ ઉંઘમાંથી જાગશે!
વિસનગર શહેરના ટ્રાફીક બાબતે પોલીસ ભલે સબ સલામતની વાતો કરતી હોય. પરંતુ શહેરના ઈન્ટરલીંક રસ્તાઓ ઉપર એટલો ટ્રાફીક થાય છે કે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. બી.એડ્‌ કોલેજ બી.ટી.સી. માર્કેટથી વિવેકાનંદ સોસાયટી તરફના શહીદવિર ભગતસિંહ માર્ગ ઉપર એક તરફ ગટર લાઈનનું ખોદકામના કારણે રોડ બંધ છે. જ્યારે હોસ્પિટલ તરફનો રોડ ચાલુ છે. આ રોડ ઉપર ડીવાઈડરને અડીને તો બીજી બાજુ હોસ્પિટલો આગળ વાહનો પાર્ક કરવામાં આવે છે. બન્ને ે બાજુ વાહનોનો ખડકલો થતો હોવાના કારણે એવી પરિસ્થિતિ સર્જાય છે કે વચ્ચેથી એક ફોર વ્હીલ વાહન લઈને નીકળવુ હોય તો નીકળી શકાતુ નથી.
તા.૧૦-૨-૨૦૨૬ને મંગળવારના રોજ સાંજના સમયે આ રોડ ઉપર વાહનોનુ જાહેર રોડ ગેરકાયદેસર પાર્કિંગ થવાના કારણે ચક્કાજામ થઈ ગયુ હતુ. આઈ.ટી.આઈ. ચાર રસ્તા ઉપર બ્રીજનુ કામ ચાલતુ હોવાથી નાના વાહન ચાલકો આ રોડનો ઉપયોગ કરે છે. ચક્કાજામ થવાથી બન્ને તરફ વાહનોની કતાર જોવા મળી હતી. ફસાયેલા વાહન ચાલકોએ પોલીસની નિષ્ક્રિયતા તેમજ હોસ્પિટલોના પાર્કિંગ સામે ભારે રોષ ઠાલવ્યો હતો. સામાજીક કાર્યકર તથા ભાજપના અગ્રણી ડી.સી.પટેલે જણાવ્યુ છે કે ભગતસિંહ માર્ગ ૧૮ મીટરનો છે. વચ્ચે ડીવાઈડરથી હોસ્પિટલ તરફનો માર્ગ નવ મીટરનો છે. ડીવાઈડરને અડીને અને બાજુ તરફ હોસ્પિટલોને અડીને ગેરકાયદેસર પાર્કિંગ થવાના કારણે વચ્ચેથી બે ફોર વ્હીલર સામસામેથી પસાર થઈ શક્તા નથી. આ રોડનો ઉપયોગ વધ્યો છે. ત્યારે ગેરકાયદેસર પાર્કિંગના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે.
નોંધપાત્ર બાબત છે કે, આવા ઈન્ટીરીયર રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિંગના કારણે મોટો વિવાદ કે ઝઘડો થાય ત્યારેજ પોલીસ જાગે છે. અગાઉ ગોવિંદ ચકલા ચાર રસ્તાથી સલાટવાડા તરફના રોડ ઉપર વેપારી તથા વાહન ચાલક વચ્ચે ઝઘડો થયો ત્યારબાદ પોલીસ ઉંઘમાંથી જાગી હતી અને વેપારીઓને સુચના આપતા અત્યારે સાઈડમા પાર્કિંગ થાય છે. ભગતસિંહ માર્ગ ઉપરના ગેરકાયદેસર પાર્કિંગના કારણે કોઈ મોટો હોબાળો થશે ત્યારે તંત્ર જાગશે?