ખાડામાં ખુંપી ગયેલી મહિલાને મહાપરાણે બહાર કાઢી
વિસનગરનો વિકાસ કોઈનો ભોગ લેશે કે શુ?
- જીયુડીસીની ગટર લાઈન કામમા સુરક્ષાનો કોઈ ખ્યાલ રાખવામાં નહી આવતા વિદ્યાર્થીઓ જીવના જોખમે અવર જવર કરી રહ્યા છે
વિકાસ કામમાં સહયોગ એટલી હદે ન હોય કે કોઈનો જીવ લેવાય. સુવિધા મળતા મળશે. પરંતુ વિકાસ કામના કારણે લોકો કેટલી હાલાકીનો ત્રાસ અનુભવી રહ્યા છે. તે ગુરુકુળ રોડના રહીશોને જ ખબર છે. જીયુડીસીની ગટર લાઈનનુ કામ ધીમી ગતીથી ચાલી રહ્યુ છે. લોકોને તકલીફ પડે નહી તેવા ઈરાદાથી ઝડપી કામ થતુ હોવાનુ જણાતુ નથી. હવે તો વિકાસ કામનાકારણે લોકોના જીવ જોખમમા મુકાઈ રહ્યા છે. એક મહિલાનો પગ લપસતા કિચ્ચડ ભરેલા ખાડામા પડતા ખુંપી ગઈ હતી. આસપાસના લોકોએ મહાપરાણે મહિલાને બહાર કાઢી હતી. આ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ સીમેન્ટની મોટી પાઈપો કુદીને જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમા યુધ્ધના ધોરણે દિવસ રાત કામ કરવાની જગ્યાએ જીયુડીસીના કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રહ્યા છે.
વિસનગરમાં આઈટીઆઈ ચાર રસ્તાથી ગુરુકુળ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી જીયુડીસી દ્વારા ગટર લાઈનનુ કામ ચાલી રહ્યુ છે. રોડ સાંકડો હોવાથી ખોદકામના કારણે રોડ ઉપર કિચ્ચડ ફેલાતા આ વિસ્તારની સોસાયટીના લોકોની અવર જવર મુશ્કેલ થઈ પડી છે. સોસાયટીઓમા જવાનો બીજો કોઈ રોડ નહી હોવાથી લોકોને ફરજીયાત ઉબડ ખાબડ અને કાદવ કિચ્ચડવાળા રોડ ઉપરથી પસાર થવામા મજબુર બન્યા છે. ખોદકામના કારણે ઘણી જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે. કિચ્ચડ અને માટી ફેલાયેલી હોવાથી રોડ કયો અને ખાડો કયો તેનો ખ્યાલ આવતો નથી. આવી પરિસ્થિતિમા ખાડા આગળ બેરીકેટ કે પ્લાસ્ટીકના પટ્ટા ચેતવણી આપે તે રીતે મુકવા જોઈએ. પરંતુ જ્યા કોન્ટ્રાકટર ટેન્ડરની શરત મુજબ કામ નહી કરી ગેરરીતી કરતા હોય ત્યારે લોકોની સુરક્ષા માટે વધારાનો ખર્ચ કરે તેવી આશા રાખી શકાય નહી.
રોડ ઉપર પણ કિચ્ચડ અને ખાડામા પણ કિચ્ચડ રોડ અને ખાડા સમાંતર દેખાતા હોવાથી અને ચેતવણી આપતો કોઈ વ્યવસ્થા કરવામા નહી આવી હોવાથી એક મહીલા ચાલતા જતા હતા ત્યારે પગ લપસતા કિચ્ચડવાળા ખાડામા પડયા હતા. જેમા મહિલા અડધા ખુંપી ગયા હતા. કિચ્ચડમાંથી મહિલા બહાર નીકળી શકે તેમ ન હોવાથી કમલેશભાઈ, શૈલેષભાઈ, અરવિંદભાઈ, નરેશભાઈ તથા કોન્ટ્રાક્ટરના માણસો અંદર પડી મહા મુસીબતે મહિલાને બહાર કાઢયા હતા. આ મહિલાની જગ્યાએ કોઈ નાનુ બાળક પડયુ હોત તો શુ દશા થઈ હોત તે વિચારવુ રહ્યુ. બીજો કોઈ રસ્તો નહી હોવાથી આ રોડ ઉપરથી સોસાયટીઓના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે સીમેન્ટની મુકવામા આવેલી પાઈપો કુદીને પસાર થઈ રહ્યા છે.
આવી પરિસ્થિતિમા યુધ્ધના ધોરણે કામ થવુ જોઈએ ત્યારે ગોકળ ગાયની ગતિએ કામ થતુ હોવાથી આ રોડ ઉપરની સોસાયટીના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સોસાયટીમા રહેતા લોકોનો વિચાર કરી ઝડપી કામ પૂર્ણ થાય તેવી લોકોની માગણી છેે.