Select Page

ગેટ-વે શોરૂમનુ રૂા.૨૦૦ માં ૧ કિલો વેસ્ટ દોરી ખરીદી જીવદયાનુ સરાહનીય અભિયાન

ગેટ-વે શોરૂમનુ રૂા.૨૦૦ માં ૧ કિલો વેસ્ટ દોરી ખરીદી જીવદયાનુ સરાહનીય અભિયાન

૫૯૦ કિલોમાં મોટાભાગની ચાઈનીઝ દોરી

ઉત્તરાયણ બાદ લટકતી અને ફેંકી દેવાયેલ વેસ્ટ દોરી પક્ષીઓ માટે ઘાતક બનતી હોય છે. રૂા.૨૦૦ માં ૧ કિલો વેસ્ટ દોરી ખરીદી વિસનગરના જાણીતા ગેટ-વે શોરૂમ દ્વારા જીવદયા અભિયાન ચલાવતા બહોળો પ્રતિસાદ મળ્યો હતો. નોંધપાત્ર બાબત છેકે માનવીઓ અને પક્ષીઓ માટે ઘાતક ચાઈનીઝ દોરીના વેચાણ તેમજ ઉપયોગ સામેના પ્રતિબંધ માટે પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં રેડ કરવામાં આવી હતી. તેમ છતા ગેટ-વે શોરૂમના અભિયાનમાં એકઠી થયેલ વેસ્ટ દોરીમાં મોટાભાગની ચાઈનીઝ દોરી હતી.
ઉત્તરાયણ બાદ ધાબા ઉપર, અગાસીમાં કે ઝાડ ઉપર લટકતી દોરી તેમજ રોડ ઉપરની વેસ્ટ દોરી અને તેના ગુચ્છા પક્ષીઓ માટે ઘાતક હોય છે. આ વેસ્ટ દોરીમાં ફસાવાથી પક્ષીઓને ઈજા ન થાય કે જીવ ન જાય તેવા જીવદયા પ્રત્યેની ઉમદા ભાવનાથી વિસનગરમાં ત્રણ દરવાજા ટાવર પાસે ગેટ-વે શોરૂમના માલિક મહેશસિંહ રાજપૂતે ૧ કિલો વેસ્ટ દોરી સામે રૂા.૨૦૦ રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી. જીવદયાના આ અભિયાનને ભારે પ્રતિસાદ મળ્યો હતો. વેસ્ટ દોરી આપવા લાઈનો લાગી હતી. ૫૯૦ કીલો વેસ્ટ દોરી એકઠી થઈ હતી. જેનો નાશ કરવામાં આવ્યો હતો.