પી.આઈ.કે.બી.પટેલની સતત દેખરેખમાં શહેરને ટ્રાફીકમાંથી રાહત અપાવવા પોલીસની કવાયત
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં શહેરના ટ્રાફીક મુદ્દે મળેલી મીટીંગની અસર હવે જોવા મળી રહી છે. સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.બી. પટેલની કડક કાર્યવાહીને લઈ શહેરના લોકોને ટ્રાફીકમાંથી થોડીઘણી રાહત મળી છે. ટ્રેનના સમયે બન્ને ફાટક ઉપર ખુબજ ટ્રાફીક થતો હતો. ત્યારે ફાટક ખુલ્યા બાદ વાહન સરળતાથી પસાર થઈ શકે તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
આઈ.ટી.આઈ. ફાટક બ્રીજના નિર્માણના કારણે હાઈવે બંધ હોવાથી વિસનગરમાં ટ્રાફીકની સમસ્યાનો કોઈ અંત નહી આવતા છેવટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મીટીંગ મળી હતી. આ મીટીંગમાં કેબીનેટ મંત્રીએ ટ્રાફીકમાં મારી પણ ભલામણ નહી ચલાવવાનુ કહી પોલીસને છુટો દોર આપતા સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.બી.પટેલ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મીટીંગ બાદ પ્રાન્ત ઓફીસર વિકાસ રાતડા પણ ટ્રાફીક અંતર્ગત રીવ્યુ મીટીંગ કરી રહ્યા છે. શહેરમાં ચાલતા વિકાસ કામના કારણે પણ ટ્રાફીક સમસ્યા રહેતી હતી. પરંતુ પોલીસે હવે ખરા અર્થમાં શેહ શરમ વગર ટ્રાફીક માટેની કવાયત હાથ ધરતા શહેરના લોકો ઘણી રાહત અનુભવી રહ્યા છે.
સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. ગૌરવપથ તેમજ વાહનોની જ્યા વધુ અવર જવર રહે છે તે મુખ્ય માર્ગો ઉપર સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલીંગ કરતા જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર પાર્ક કરવામાં આવતી રીક્ષાઓ તથા વાહનો ઓછા જોવા મળે છે. જાહેર રોડ ઉપર ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનોને દંડ કરવામાં આવી રહ્યો છે. પોલીસ ગૌરવપથ રોડ ઉપર ખાસ તકેદારી રાખી રહી છે. ગૌરવપથ રોડનો વિકાસ થતો હોઈ વાહન ચાલકોને અવર જવરમાં અડચણ ન થાય તે માટે રોડ ઉપર ઉભી રહેલ લારીઓના વેપારીઓને દંડ કરવામાં આવી રહ્યો છે.
ટ્રેનના સમયે ફાટક ઉપર ટ્રાફીક ન થાય તેની ખાસ વ્યવસ્થા કરાઈ
રેલ્વેના સમયે એમ.એન.કોલેજ તથા ગંજબજાર ફાટકમાં બન્ને બાજુ વાહનોનો ખડકલો થતો હોવાથી ફાટક ખુલ્યા બાદ ચક્કાજામ થતુ હતુ. ત્યારે બપોરના સમયે ફાટકની બન્ને બાજુ પોલીસ કર્મચારીઓ હાજર રહેતા હોવાથી ફાટક ખુલ્યા બાદ ચક્કાજામ થતુ અટક્યુ છે. જોકે સાંજના સમયે કેટલીક વખત પોલીસ હાજર નહી રહેતા રેલ્વેના સમયે ટ્રાફીક જોવા મળે છે. વિકાસ કામની સાથે ટ્રાફીકથી શહેરના લોકો કંટાળી ગયા છે. ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે શેહશરમ વગર કડક કાર્યવાહી કરવા જે છુટ આપી છે તેનો સદ્ઉપયોગ કરી પી.આઈ. કે.બી.પટેલ ટ્રાફીક ઝુંબેશ સતત ચાલુ રાખે તેવી શહેરના લોકોની લાગણી છે.