Select Page

મામલતદાર ડી.એફ.પટેલે વિશ્વાસઘાત અને જરૂરી ચીજવસ્તુઓનો અધિનિયમ મુજબ ફરિયાદ કરી રેશનીંગનો કાળો કારોબાર કરનાર ત્રણ વિરુધ્ધ કાર્યવાહી

મામલતદાર ડી.એફ.પટેલે વિશ્વાસઘાત અને જરૂરી ચીજવસ્તુઓનો અધિનિયમ મુજબ ફરિયાદ કરી રેશનીંગનો કાળો કારોબાર કરનાર ત્રણ વિરુધ્ધ કાર્યવાહી

રેશનીંગ જથ્થો લાભાર્થીઓ સુધી પહોચે અને સગેવગે થાય નહી તે માટે પુરવઠા વિભાગ દ્વારા ગમે તેટલા કડક નિયમો બનાવવા છતા કાળો કારોબાર અટકતો નથી. વિસનગરના નાયબ પુરવઠા મામલતદારે એક વર્ષ અગાઉ બે રેડ કરી રેશનીંગના ઘઉં, ચોખા અને ચણાનો મોટો જથ્થો પકડ્યો હતો. અનાજના નમૂના લઈને તપાસ અર્થે મોકલતા રેશનીંગ અનાજ હોવાનુ જણાઈ આવ્યુ હતુ. આ બાબતે વિસનગર મામલતદારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ત્રણ વિરુધ્ધ વિશ્વાસઘાત અને જરૂરી ચીજવસ્તુઓનો અધિનિયમ મુજબ કાર્યવાહી કરી હતી.

રેશનીંગના કયા દુકાનદાર અનાજનો જથ્થો આપી ગયા તેની તપાસ થવી જોઈએ
વિસનગર શહેર અને તાલુકાના કેટલાક રેશનીંગ દુકાનદાર લાભાર્થીઓને ઓછુ અનાજ આપીને કે અંગુઠા લઈને અનાજ નહી આપી તેનુ બજારમાં વેચાણ કરી રહ્યા છે. કેટલાક લાભાર્થી સરકારની સહાયરૂપ મફતમાં મળતુ અનાજ રેશનીંગ દુકાનમાંથી લઈને બજારમાં વેપારીઓને વેચે છે. ફુલેશ્વરી કિરાણા સ્ટોર – જય જલારામ ફ્લોર ફેક્ટરીના માલિક રેશનીંગના કાળા બજારનો જથ્થો ખરીદનાર વેપારી છે. જેમના વિરુધ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. ત્યારે કડક પુછપરછ કરી રેશનીંગના કયા દુકાનદાર સસ્તા અનાજનો જથ્થો વેચવા આવતા હતા તે બહાર લાવવામાં આવે તો આખુ કૌભાંડ બહાર આવે તેમ છે.


વિસનગરના નાયબ પુરવઠા મામલતદારે એક વર્ષ અગાઉ કરેલી રેડમાં રૂા.૭,૪૪,૯૬૯ ની કિંમતનો ૨૪,૩૫૫ કિલો જથ્થો જપ્ત કર્યો હતો સરકાર જરૂરીયાતમંદ લોકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રેશનીંગનુ વિતરણ કરે છે. ત્યારે કેટલાક રેશનીંગ દુકાનદારો સસ્તા અનાજનો કાળો કારોબાર કરી જરૂરીયાતમંદોને સરકારની સહાયમાંથી વંચીત રાખે છે. વિસનગર મામલતદાર દિનેશકુમાર ફલજીભાઈ પટેલે શહેર અને તાલુકામાં રેશનીંગ દુકાનદારો સસ્તા અનાજનો ગેરકાયદેસર કારોબાર કરતા પહેલા વિચાર કરે તેવી કાર્યવાહી કરી છે. વિસનગર મામલતદાર કચેરીના નાયબ પુરવઠા મામલતદાર વાય.એમ.શર્માએ તા.૨૧-૧૨-૨૦૨૪ ના રોજ મહેસાણા રોડ રાજેન્દ્રકોલોની આગળ આવેલ ફુલેશ્વરી કિરાણા સ્ટોર – જય જલારામ ફ્લોર ફેક્ટરીમાં આકસ્મિક તપાસ કરી હતી. વિસનગરમાં થલોટા રોડ હેરીટેજ સોસાયટીમાં રહેતા બીપીનકુમાર ફુલચંદદાસ પટેલ આ બન્ને દુકાનના માલિક છે. પુરવઠા મામલતદરની આ રેડમાં ૭૩૨૯ કિલોના ઘઉંના ૧૫૪ કટ્ટા તથા ૧૮૧૧ કિલોના ચોખાના ૩૫ કટ્ટા મળી આવતા જપ્ત કરાયા હતા. કુલ રૂા.૨,૬૮,૫૧૨/- ની કિંમતનો જથ્થો જપ્ત કરી ઘઉં-ચોખાનો જથ્થો ક્યાંથી ખરીદયો તે બાબતે પુછપરછ કરતા દુકાનદાર કોઈ પુરાવા રજૂ કરી શક્યો નહોતો. જપ્ત કરાયેલ અનાજના નમૂના પૃથ્થકરણ માટે મોકલતા રેશનીંગનો જથ્થો હોવાનુ માલુમ પડ્યુ હતુ.
પુરવઠા મામલતદાર દ્વારા રેશનીંગના પકડાયેલા જથ્થાની તપાસ કરતા હતા. દરમ્યાન બીપીનભાઈ ફુલચંદભાઈ પટેલની મહેસાણા ચાર રસ્તા પાસેના સંસ્કૃતિ સ્કવૅર શોપીંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ દુકાનમાં રેશનીંગનો બીજો જથ્થો હોવાની માહિતી મળી હતી. જ્યા રેડ કરતા ૮૧૦૯ કિલોના ઘઉંના ૧૬૮ કટ્ટા, ૫૬૪૭ કિલોના ચોખાના ૧૦૮ કટ્ટા તથા ૧૩૦૨ કિલોના ચણાના ૩૪ કટ્ટા મળી આવ્યા હતા. કુલ રૂા.૪,૭૧,૭૨૬ ની કિંમતનો આ જથ્થો જપ્ત કરી તેના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલી આપતા રેશનીંગનો જથ્થો હોવાનો રીપોર્ટ આવ્યો હતો. આમ બીપીનભાઈ પટેલ પાસેથી કુલ રૂા.૭,૪૦,૨૩૮ ની કિંમતનો ૨૪,૧૯૮ કિલોનો ઘઉં, ચોખા તથા ચણાનો જથ્થો પકડાયો હતો. મામલતદારે ફરિયાદ કરતા પોલીસે બીપીનભાઈ ફુલચંદભાઈ પટેલ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
પુરવઠા મામલતદારે સંસ્કૃતિ સ્કવૅર શોપીંગ સેન્ટરમાં તા.૨૪-૧-૨૦૨૫ ના રોજ રેડ કરી ત્યારે જી.જે.૦૨ વાય વાય ૪૮૨૭ નંબરની રીક્ષામાં ઘઉં અને ચોખાનો જથ્થો વેચવા માટે લાવવામાં આવ્યો હતો. લાલ દરવાજા ગટીયાવાસમાં રહેતા શકીલશાહ ઉસ્માનશાહ ફકીર રીક્ષામાં ૧૧૬ કિલોના ઘઉંના ૭ કટ્ટા તથા ૪૧ કિલોનુ ચોખાનુ એક કટ્ટુ લઈને વેચવા આપ્યા હતા. પુછપરછમાં રીક્ષા ચાલકે ગંજબજારની પાછળ વિશાલનગરમાં રહેતા રમેશભાઈ શીવરામભાઈ પટેલનો આ જથ્થો હોવાનુ જણાવ્યુ હતુ. પુરવઠા મામલતદારે અનાજનો જથ્થો જપ્ત કરી નમૂના પૃથ્થકરણ માટે મોકલતા રેશનીંગનો જથ્થો હોવાનુ જણાયુ હતુ. રીક્ષા સાથે કુલ રૂા.૭૪૭૩૧ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે મામલતદારે અલગથી ફરિયાદ કરતા પોલીસે રમેશભાઈ શીવરામભાઈ પટેલ તથા શકીલશાહ ઉસ્માનશાહ ફકીર વિરુધ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.