Select Page

પાલિકાતંત્રની નિષ્ક્રીયતાથી કોઈનોે જીવ લેવાશે MN કોલેજ સામે ખુલ્લા નાળામાં પડેલ વૃધ્ધાને બચાવાયા

પાલિકાતંત્રની નિષ્ક્રીયતાથી કોઈનોે જીવ લેવાશે MN કોલેજ સામે ખુલ્લા નાળામાં પડેલ વૃધ્ધાને બચાવાયા

વિસનગર પાલિકાના નિષ્ક્રિય તંત્રમાં ખોદકામ કરવામાં આવેલ ખાડામા ઢાંકણા વગરની કેનાલમા કે ગટરમા પકડવાનો સિલસિલો બંધ થતો નથી. એમ.એન. કોલેજ સામેની ઢાંકણા વગરની કેનલામાં એક વૃધ્ધા પડી ગયા હતા. આસપાસના લોકો દોડી આવી વૃધ્ધાને બહાર કાઢી બચાવી લેવાયા હતા. જેમને ઈજા થતા ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હમણા થોડા સમય અગાઉજ ગુરુકુળ રોડ ઉપર એક વૃધ્ધા પડ્યા હતા. ત્યારે વિસનગર પાલિકાતંત્રનો લુલો બચાવ કરતા કેબિનેટ મંત્રી શુ કહે છે તે જોવાનુ રહ્યુ. પાલિકા સર્વે કરી આવી ખુલ્લી કેનાલો કેમ ઢાંકતી નથી તે પ્રશ્ન છે. શહેરના લોકોના જાનમાલની જાણે કોઈને પડી ન હોય તેમ જણાય છે.
વિસનગર પાલિકાના બોર્ડની મુદ્દત પુરી થતી હોઈ કોર્પોરેટરો નિષ્ક્રિય બની જતા પાલિકાના જવાબદાર કર્મચારીઓ પણ લોક સમસ્યાનો નીકાલ કરવામા નિરસ બની ગયા છે. વિકાસ કામના કારણે ખોદવામા આવેલ ખાડો કામ પુરુ ન થાય ત્યા સુધી લાંબા દિવસો સુધી પુરાય નહી તે માનવા યોગ્ય છે. પરંતુ ઘણા સમયથી ખુલ્લી કેનાલ ઉપર ઢાંકણા નાખવાની પણ તસ્દી લેવામા આવતી નથી તે બતાવે છે કે લોકોને પડતી મુશ્કેલીઓ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી. ડા.બાબા સાહેબ આંબેડકરના બાવલાના પાછળના ભાગમા ઘણા સમયથી કેનાલ ખુલ્લી છે. રોડના લેવલેજ કેનાલ હોવાથી રાત્રીના અંધારામા દેખાતી નથી અને અજાણ્યા રાહદારી તેમા પડે છે. થોડા દિવસ અગાઉ એક વૃધ્ધા રાત્રે ચાલતા જતા હતા તેમને ખુલ્લી કેનાલ નહી દેખાતા અંદર પડ્યા હતા. વરસાદી પાણીની કેનાલ ગટરના ગંદા પાણીથી ભરેલી હતી. વૃધ્ધાને કેનાલમા પડેલા જોઈ કોલેજના વોચમેન તથા આસપાસના વેપારીઓ દોડી આવી વૃધ્ધાને બહાર કાઢ્યા હતા. ગટરના ગંદા પાણીમા ડુબી જતા મુર્છિત થયેલા વૃધ્ધા ઉપર પાણી છાંટી સ્વસ્થ કરાયા હતા. જેમને ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયા હતા. અંધારામા કોઈને જાણ થઈ ન હોત તો વૃધ્ધાનો જીવ જોખમાય તેવી પુરી શક્યતા હતી. આ કેનાલ છેલ્લા ઘણા સમયથી ખુલ્લી છે. તેમ છતાં ઢાંકણુ મુકવામા આવ્યુ નથી. મુસ્લીમ બોર્ડીંગ પાછળથી પસાર થતી કેનાલમા પણ કેટલીક જગ્યાએ ખુલ્લી છે. ખાડામા પડવાથી ઈજા થવાના બનાવો બને છે. પરંતુ કેમ જાણે પાલિકાતંત્રને કોઈની પડી જ નથી.
કેબિનેટ મંત્રી તંત્રના લુલા બચાવમા હવે શુ કહેશે?
હમણા થોડા સમય પહેલાજ ગુરુકુળ રોડ ઉપર જ્યુડીસી દ્વારા ગટરલાઈન ખોદકામ કરવામાં આવતા કિચ્ચડ ભરેલા ખાડામા એક વૃધ્ધા પડ્યા હતા. જેનો વિડીયો વાયરલ થતા કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલને આ બાબતે સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. રોડ સાંકડો હોવાથી અવર જવર બંધ થઈ જાય તેમ હોવાથી બેરીકેટ મુકવામા નહી આવ્યા નો લુલો બચાવ કરવામા આવ્યો હતો. એમ.એન.કોલેજ સામે જે કેનાલમાં વૃધ્ધા પડ્યા તે વિકાસ કામના કારણે ખાડો ન હોતો પડ્યો પરંતુ પાલિકાની નિષ્ક્રિયતાના કારણે કેનાલ ઢાંકવામા આવી ન હોતી.