ખેરાલુ બેન્કના ડિરેક્ટરો સ્ટે ન હટે ત્યાં સુધી સત્તામાં રહેશે?
ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચુંટણી પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર થતા મતદાર યાદી સુધારો અને ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ માટે માત્ર એક દિવસજ આપતા શાખા સીટમાં ઉમેદવારી ફોર્મ ભરનાર સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ દ્વારા ચુંટણી પ્રક્રિયા ખોટી છે, તે મુદ્દે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં ૨૬-૧૧-૨૦૨૫ ના રોજ અપીલ કરતા કોર્ટે ચુંટણી પ્રક્રિયા સ્થગિત કરવા સ્ટે આપ્યો હતો.
ચુંટણી ઉપર સ્ટે આવતા બીજી મુદત ૧-૧૨-૨૦૨૫ ના રોજ આપી હતી. જેમાં બેંકના વકીલ દ્વારા રજુઆત કરતા અન્ય બેંકોના ચુંટણી કાર્યક્રમ પણ રજુ કર્યા હતા. જેમાં ખેરાલુ નાગરિક સહકારી બેંક દ્વારા જે ચુંટણી પ્રક્રિયા કરી છે તેજ રીતે અન્ય બેંકોએ પણ ચુંટણી પ્રક્રિયા કરી છે તે દર્શાવ્યુ હતુ. તેમજ વિરેન્દ્રસિંહ પરમાર તરફી વકીલ આર.એ.પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ૨૫-૧૧-૨૦૨૫ ના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો સમય ટુંકો આપ્યો છે. કોઈ મતદારનું નામ નિકળી ગયુ હોય કે સુધારવાનુ હોય તો ટુંકા ગાળામાં કેવી રીતે હજારો મતદારો સુધારા કરાવી શકે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ઓછામાં ઓછો અઠવાડીયાનો હોવો જોઈએ. મતદાર યાદી પ્રસિધ્ધિ તથા ફોર્મ ભરવાનો સમય પણ ટુંકો રાખવો તેમજ ઉમેદવારી ફોર્મ ભરવા માટેની ડિપોઝીટ ભરવાનો સમય બપોરે ૩-૦૦ સુધી આમ એકજ દિવસમાં શક્યજ નથી. ખેરાલુ નાગરિક બેંકમાં ગ્રામ્ય વિસ્તારના મતદારો વધુ છે. જેથી મતદારોનુ અહિત થતા અપીલ કરવામાં આવી છે. સામે પક્ષે પણ ચુંટણી પ્રક્રિયાના નિયમો બતાવ્યા હતા. કોર્ટે ૧૫-૧૨-૨૫ ની મુદત આપવા કહેતા બેંકના વકીલની દલીલોથી ૧૨-૧૨-૨૫ ની મુદત આપી છે. જેથી એવુ કહી શકાય કે ૧૨-૧૨-૨૫ સુધી સ્ટેને એક્ષટેન્શન અપાયુ છે. ખેરાલુ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની મુદત ૮-૧-૨૦૨૬ ના રોજ પુર્ણ થાય છે. આ બાબતે ખેરાલુ નાગરિક સહકારી બેંકના ચેરમેન મુકેશભાઈ દેસાઈ જણાવે છેકે હાલમાં બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા સ્ટે આપ્યો છે. ચુંટણી પ્રક્રિયા સ્થગિત છે તેજ રીતે ખેરાલુ નાગરિક સહકારી બેંકના તમામ ડિરેક્ટરો સ્ટે ન ઉઠે ત્યાં સુધી સત્તા સંભાળશે. ખેરાલુ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ૮-૧-૨૦૨૬ સુધી સત્તામાં રહેવાની મુદત છે. જેની ઉપર સ્ટે હોવાથી સહકારી કાયદા પ્રમાણે યથાવત પરિસ્થિતિ રહેતા બોર્ડના ડિરેક્ટરોને ચુંટણી જીત્યા વગર બેંકનો વહીવટ કરવાનો અધિકાર મળી ગયો છે.
ખેરાલુ બજારમાં હાલ ચર્ચા ચાલે છેકે ૮-૧-૨૦૨૬ સુધી ચુંટણી પ્રક્રિયા ઉપર સ્ટેનો નિકાલ ન આવે તો બેંકમાં વહીવટદાર નિમાય અને જો વહીવટદારની સરકાર નિમણુંક કરે તો ખેરાલુ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોએ જે કાંઈ ખોટુ કર્યુ હોય તો બહાર આવે. ખેરાલુ નાગરિક બેંકમાં વહીવટદાર શાસન આવે છેકે પછી બોર્ડના ડિરેક્ટરોની સત્તા ચાલુ રહે છે તેતો સમયજ બતાવશે. પણ હાલ સત્તાધારી સભ્યો બેંકનો વહીવટ કરી રહ્યા છે.