રખડતી ગાયની અડફેટથી વાહનચાલકને ફેક્ચર
વિસનગરની નઘરોળ પાલિકાતંત્રની અણઆવડતના કારણે
રખડતી ગાયની અડફેટથી વાહનચાલકને ફેક્ચર
રોડ ઉપર રખડતી ગાયની અડફેટથી કોઈનું મૃત્યુ થાય તો જવાબદારી કોની ?
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર નગરપાલિકાની નિષ્કાળજીના લીધે શહેરમાં રખડતી ગાયોનો ત્રાસ ખુબ જ વધી રહ્યો છે.રખડતી ગાયોનો કારણે છાશવારે જીવલેણ અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેમા વિસનગર તાલુકાના ઉમતા ગામના ડૉ.નિખિલ પટેલના પિતાને ગત સોમવારે સવારે દેણપ ત્રણ રસ્તા પાસે ગાયે અડફેટે લેતા તેમના ડાબા પગે ફેકચર તથા ઘુંટણના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જો પાલિકાના સત્તાધિશો રોડ ઉપર રખડતી ગાયોના પ્રશ્ને કડક પગલા નહી ભરે અને આ ગાયો કોઈનો ભોગ લેશે તો જવાબદારી કોની ?
વિસનગર તાલુકાના ઉમતા ગામના જાણીતા ડૉ.નિખિલ પટેલના પિતા રોહિતભાઈ પ્રહલાદભાઈ પટેલ કાંસા ચાર રસ્તા પાસે આવેલ સોના કોમ્પલેક્ષમાં હરસિધ્ધ ગેસ એજન્સીનું સંચાલન કરે છે. જેઓ ગત સોમવારે સવારે એક્ટીવા લઈને ઉમતાથી વિસનગર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન દેણપ ત્રણ રસ્તા નજીક રખડતી ગાયે તેમને અડફેડે લેતા તેમના ડાબા પગે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેમને સારવાર્થે ૧૦૮ મારફતે શહેરની ગોકુળ ઓર્થોપેડીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં હોસ્પિટલના ડૉ.રજનીભાઈ પટેલે તેમની સારવાર કરતતા રોહિતભાઈના ડાબા પગે ફેક્ચર તથા ઘુંટણના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું માલુમ પડયુ હતું. રોહિતભાઈના ડાબા પગે ગંભીર ઈજા હોવાથી તેમના પગનું ઓપરેશન કરવું પડયુ હતુ.
અત્રે નોંધપાત્ર બાબત છે કે પંદર દિવસ પહેલા રોહિતભાઈને હૃદય રોગનો હુમલો આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. પરંતુ રોહિતભાઈ માનસિક રીતે સ્ટ્રોન્ગ હોવાથી આ અકસ્માતમાં તેઓ બચી ગયા હતા. જો આ બનાવમાં રોહિતભાઈને માથાના કે છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હોત તો કાદચ આ અકસ્માત જીવલેણ સાબિત થયો હોત. આમ પાલિકાના સત્તાધિશોની નિષ્કાળજીના કારણે રોડ ઉપર પસાર થતા કેટલાક વાહન ચાલકો રખડતી ગાયોની અડફેટે આવી રહ્યા છે અને મોતના મુખમાંથી બચી ગયા છે ત્યારે પાલિકાતંત્રના સત્તાધિશો રોડ ઉપર રખડતી ગાયોના પ્રશ્ને કડક પગલા નહી ભરે અને આગામી સમયમાં રખડતી ગાયોના કારણે કોઈ જીવલેણ બનાવ બનશે તો જવાબદારી કોની ? રખડતી ગાયોથી કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય તે પહેલા નઘરોળ પાલિકાતંત્રએ રોડ ઉપર રખડતી ગાયોને પુરવાની કડક કાર્યવાહી કરવી જોઈએ. ગાયો પકડીને પુરી બીજા દિવસે છોડી મુકવાનું નાટક નહી.