અનિયમિત બોર ઓપરેટરો સામે કડક પગલા ભરવા પ્રમુખની સુચના બોર ઓપરેટરોના વાકે પ્રમુખે છાજીયા સહન કર્યા
અનિયમિત બોર ઓપરેટરો સામે કડક પગલા ભરવા પ્રમુખની સુચના
બોર ઓપરેટરોના વાકે પ્રમુખે છાજીયા સહન કર્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીનો બોર ઓપરેટરો ઉપર કન્ટ્રોલ નહી હોવાથી પાલિકાના મોટાભાગના બોર ઓપરેટરો પોતાની મનમાની પ્રમાણે નોકરી કરી રહ્યા છે. જેના કારણે લોકોને આતરે દિવસે પણ પુરતા પ્રમાણમાં પાણી મળતુ નથી. દેવર્ષી ટાઉનશીપમાં નિયમિત પાણી પુરવઠો નહી મળતા મહિલાઓએ પાલિકામાં આવી પ્રમુખના છાજીયા લીધા હતા. જોકે બોર ઓપરેટરોના વાકે પ્રમુખે છાજીયા સહન કર્યા હતા. પ્રમુખે નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવતા રોષે ભરાઈને આવેલી મહિલાઓ ખુશ થઈને પરત ફરી હતી. ત્યારે આ મહિલાઓ કેટલો સમય ખુશ રહેશે તેતો બોર ઓપરેટરો જાણે.
કોઈ સોસાયટી જગ્યા આપવા તૈયાર થાય તો પાલિકા બોર બનાવી આપવા તૈયાર-પ્રમુખ
વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપર કૃષ્ણનગરની બાજુમાં આવેલ દેવર્ષી ટાઉનશીપમાં પહેલા નિયમિત પાણી પુરવઠો મળતો હતો. ત્યારે છેલ્લા કેટલાય સમયથી પૂરતા પ્રમાણમાં પાણી નહી મળતા સોસાયટીના રહીસો દ્વારા નિયમિત પાણી મળે તે માટે પાલિકામાં બે વખત લેખીત રજુઆત કરી હતી. તેમ છતાં પાલિકા તંત્રના વોટર વર્કસ કે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી દ્વારા પાણીની મુશ્કેલી ગણકારવામાં નહી આવતા તા.૩-૧૦ ના રોજ ટાઉનશીપની મહિલાઓએ પાલિકા કાર્યાલયમાં હલ્લો મચાવ્યો હતો. રોષે ભરાયેલ ટોળુ આવતુ હોવાનુ જાણી પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને બકુલભાઈ ત્રીવેદી તાત્કાલીક પાલિકામાં આવી ગયા હતા. પ્રમુખ સમક્ષ ટાઉનશીપની મહિલાઓ અને પુરુષોએ રોષ વ્યક્ત કર્યો હતો કે પહેલા નિયમિત પાણી આવતુ હતુ. જ્યારે છેલ્લા કેટલાક સમયથી અપુરતા ફોર્સથી પાણી મળે છે. અડધો કલાક પણ પાણી મળતુ નથી. કૃષ્ણનગરમાં ત્રીજા માળે પાણી ચડે છે. જ્યારે દેવર્ષી ટાઉનશીપમાં ભુગર્ભ ટાંકીઓ પણ પુરતી ભરાતી નથી. ટેન્કરો મંગાવવા મોઘા પડે છે. પુરતા પ્રમાણમાં પાણી નહી મળે તો ન છુટકે પાલિકા કાર્યાલય આગળ ઉપવાસ ઉપર ઉતરવાની ફરજ પડશે. જોકે મહિલાઓએ પાલિકામાં પગ મુકતાની સાથે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીના નામના છાજીયા લઈ પોતાનો અસલી મીજાજ બતાવી દીધો હતો.
દેવર્ષી ટાઉનશીપના રહીસોની રજુઆત સાંભળી પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ તાત્કાલીક વોટર વર્કસ વિભાગમાં જવાબદાર કર્મચારીઓને બોલાવી કડક સુચના આપી હતી કે, જે બોર ઓપરેટરો નિયમિત ન હોય તેમના પગાર કાપો તેમ છતાં ઓપરેટરો સુધરે નહી તો છુટા કરો. પાણીની લાઈનનો વાલ ખોલી તે ઝોનમાં કેટલુ પાણી આપે છે તેની તપાસ કરવા, પાણી વિતરણ સમયે ઝોનમાં ફરતા રહેવા ઓપરેટરોને સુચના આપવા જણાવ્યુ હતું. જોકે મોટાભાગના ઓપરેટરો વાલ ખોલીને જતા રહે છે. ત્યારે પ્રમુખની સુચનાનુ પાલન કેટલુ થાય છે તે જોવાનુ રહ્યુ. પ્રમુખે દેવર્ષી ટાઉનશીપના રહીસોને જણાવ્યુ હતું કે, પાલિકા પાસે સોય જેટલી પણ જગ્યા નથી. સોસાયટી પોતાના પ્લોટમાં ટ્યુબવેલ બનાવવા મંજુરી આપે તો પાલિકા પોતાના ખર્ચે ટ્યુબવેલ બનાવશે. ટ્યુબવેલના પાણીનો લાભ પ્રથમ જગ્યા આપનાર સોસાયટીને મળશે. ત્યારબાદ આસપાસની ચાર થી પાંચ સોસાયટીઓને પાણી આપવામાં આવશે. પ્રમુખની આ વાત ટાઉનશીપના રહીસોના ગળે ઉતરી હતી.