વિસનગરમાં ચોરીના બનાવો રોકવા સીસીટીવી કાર્યરત ક્યારે?
હવે તો શહેરની અંદરની સોસાયટીના મકાનો સુરક્ષીત નથી
- ગૃહ વિભાગના નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત છ મહિનાથી કામ ચાલી રહ્યુ છે
શિયાળો શરૂ થતાજ વિસનગરમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. અત્યાર સુધી છેવાડાના વિસ્તારની સોસાયટીમાં ચોરી થતી હતી હવે શહેરની અંદરના ભાગની સોસાયટીના મકાનો પણ સુરક્ષીત નથી. આવા સંજોગોમાં સીસીટીવી કેમેરાજ ચોરીના બનાવો રોકવા એકમાત્ર વિકલ્પ છે. ત્યારે છ મહિનાથી સીસીટીવી ઈન્સ્ટોલેશનનુ કામ ચાલી રહ્યુ છે જે હજુ સુધી પૂરુ થતુ નથી. ખેરાલુ જેવા નાના શહેરમા કેમેરા ધારાસભ્યએ કાર્યરત કરાવ્યા છેતો વિસનગરમા કયારે ? સરકારમાં બીજા નંબરનુ સ્થાન ધરાવતા કેબીનેટ મંત્રીના શહેરમાં જે રીતે ધીમી ગતિથી કામ ચાલી રહ્યુ છે જે બતાવે છેકે કોન્ટ્રાક્ટરને કોનો વિસ્તાર છે તેની કંઈ પડી નથી.
વિસનગરમાં છેલ્લા છ મહીનાથી સરકારના ગૃહ વિભાગના નેત્રમ યોજના અંતર્ગત વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-ટુ માં સીસીટીવી ઈન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે. સીસીટીવી ક્યાં લગાવવા તે લોકેશન બતાવવા સીવાય સ્થાનિક પોલીસ અધિકારીઓની આ પ્રોજેક્ટમાં કોઈ જવાબદારી નથી. ગૃહ વિભાગની દેખરેખમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ કેબીનેટ મંત્રીશ્રીનુ શહેર હોવાની દરકાર કર્યા વગર કોન્ટ્રાક્ટર ગોકળગાયની ગતીથી કામ કરતા હજુ સુધી સીસીટીવી કાર્યરત થયા નથી. સીટી પોલીસ સ્ટેશનની પરિસ્થિતિ એવી છેકે સ્ટાફની ઘટ છે. પૂરતો સ્ટાફ નહી હોવાથી શિયાળાની શરૂઆત થતાજ રાત્રી ચોરીના બનાવો વધી ગયા છે. અત્યાર સુધી એવી સ્થિતિ હતી કે શહેરના છેવાડાના વિસ્તારની સોસાયટીઓમાંજ ચોરીઓ થતી હતી. હવે તો શહેરની મધ્યમાં આવેલી સોસાયટીના મકાનો પણ ચોરીના બનાવમાં બાકાત નથી. દિવાળી બાદ ધરોઈ કોલોની રોડ ઉપર બામણ ચાયડા વોટર વર્કસની પાસે આવેલ અનુપમ સોસાયટીમાં નિવૃત્ત નાયબ કલેક્ટર જગદીશચંદ્ર રાવલના મકાનમાં રૂા.૩.૬૦ લાખની ચોરી થઈ હતી. આ બનાવના બે દિવસ બાદ એમ.એન.કોલેજ રોડ ઉપર આવેલ સ્વસ્તિક સોસાયટીના મકાનોના તાળા તુટ્યા હતા. સીટી પોલીસ સ્ટેશનના ૧૦૦ મિટરના અંતરે આવેલ ગેટ વે શો-રૂમના ધાબા ઉપર મુકવામાં આવેલ સ્પ્લીટ એ.સી.ના આઉટ ડોર યુનિટમાંથી રૂા.૧ લાખની કિંમતના ત્રણ કોમ્પ્રેશર ચોરાયા હતા. શહેર મધ્યેના વિસ્તારમાં થોડા દિવસના અંતરમાં આટલા ચોરીના બનાવો ક્યારેય બન્યા નથી.
શહેરનો વધેલો વિસ્તાર અને વસ્તીના પ્રમાણમાં પૂરતો પોલીસ સ્ટાફ નહી હોવાથી ચોરીના સતત બનાવ સમયે પોલીસ દરેક વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ કરી શકે તે શક્ય નથી. આવા સમયે સીસીટીવી કેમેરાની નજરજ ચોરો ઉપર અંકુશ લાવી શકે તેમ છે. શહેરના મોટાભાગના લોકેશન ઉપર કેમેરા ઈન્સ્ટોલ થઈ ગયા છે. ત્યારે સીસ્ટમ ચાલુ કરવામાં નહી આવતા શહેરીજનોની માલ મિલ્કતોને નુકશાન થઈ રહ્યુ છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે મહારાષ્ટ્રની ચુંટણીમાં અમરાવતી જીલ્લામાં પ્રચાર કરીને ૭ માંથી ૬ સીટ ઉપર જે રીતે સફળતા મેળવી તે રીતે શહેરમાં સીસીટીવી કેમેરા ચાલુ કરાવવા પણ મહેનત કરે તો શહેરમાં ચોરીનો ઉપદ્રવ ઘટી શકે તેમ છે. કેબીનેટ મંત્રીશ્રીના શહેરમાં નમૂનારૂપ કામ થવુ જોઈએ પણ મંત્રીશ્રી સીસીટીવીની કામગીરી પાછળ ધ્યાન નહી આપી શકતા કોન્ટ્રાક્ટર પોતાની મરજી મુજબ કામ કરી રહ્યા છે.
શહેરમાં ચોરીનો ઉપદ્રવ ઘટે તે માટે શહેરીજનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે સીસીટીવી પ્રોજેક્ટ શુ છે તે જોઈએ તો, શહેરની ફરતે આવેલા તમામ પ્રવેશ માર્ગ, શહેરની અંદર પ્રવેશના નાના રસ્તાઓ, શહેરની અંદરના જાહેર માર્ગો, સર્કલ વિગેરે લગભગ ૩૩ જેટલા લોકેશન ઉપર ૧૯૯ જેટલા હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લાગશે. આ ફૂટેજમાં કેમેરાનુ રિઝોલ્યુશન એટલુ હશે કે દુરના વ્યક્તિને ઝુમ કરીને સ્પષ્ટ જોઈ શકાશે. મુવેબલ કેમેરા થોડા સમયના અંતરે ઓટોમેટીક ફરતા રહેશે. કેમેરામાં ANPR ઓટોમેટીક નંબર પ્લેટ રેકોગ્નાઈમેશન)ની ટેકનોલોજી છે. જેમાં વાહન એક કેમેરાની નજર તળે નિકળ્યુ હોય તો ૩૩ લોકેશનમાં ક્યાંથી પસાર થયુ તેની વિગતો જાણી શકાશે. કેમેરામાં બી.એસ.એન.એલ.ની ઓનલાઈન કનેક્ટીવીટી રહેશે. જેનુ એક મોટુ ડિસ્પ્લે સીટી પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવશે. જેની ઉપર સતત નજર રહેશે. જ્યારે મેઈન કંટ્રોલરૂમ મહેસાણામાં રહેશે.