
વિસનગરમાં વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ સુધીમાં અકસ્માત ગૃપ વિમામાં ૨૧૧ કેસ નોધાયા માર્કેટયાર્ડ વિમા ક્લેમના ૭૮ કેસના ન્યાય માટે ફોરમમાં

વિસનગરમાં વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ સુધીમાં અકસ્માત ગૃપ વિમામાં ૨૧૧ કેસ નોધાયા
માર્કેટયાર્ડ વિમા ક્લેમના ૭૮ કેસના ન્યાય માટે ફોરમમાં
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મોટાભાગના વિમા કંપનીઓ પ્રીમીયમ લેતી વખતે જે ઉત્સાહ દાખવે છે તેવો ઉત્સાહ ક્લેમ મંજૂર કરતી વખતે દર્શાવતી નથી. વિસનગર માર્કેટયાર્ડ દ્વારા શહેર અને તાલુકાની જનતા માટે ગૃપ અકસ્માત વિમો લેવામાં આવે છે. જેમાં ત્રણ વર્ષમાં વિમા કંપનીઓએ ૭૮ કેસ પેન્ડીંગ રાખી ક્લેમ ચુકવવામાં બહાનાબાજી કરતા માર્કેટયાર્ડે ન્યાય માટે તકરાર નિવારણ ફોરમના દ્વાર ખટખટાવ્યા છે.
વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વિસનગર શહેર અને તાલુકાની જનતા, માર્કેટયાર્ડના તમામ વેપારીઓ, કમિટિના કર્મચારીઓ અને માર્કેટયાર્ડમાં કામ કરતા મજુરો માટે ગૃપ અકસ્માત વિમો લેવામાં આવે છે. કોઈ પરિવારના મોભીનુ અકસ્માતે મૃત્યુ થાય તો મૃતકના વારસદારને આર્થિક સહાય મળી રહે તે માટે ગૃપ અકસ્માત વિમો લેવામાં આવે છે. ત્યારે વિમા કંપનીઓ પ્રિમિયમ લીધા બાદ વળતર ચુકવવામાં ઠાગાઠૈયા કરતા માર્કેટયાર્ડ જે હેતુથી ગૃપ અકસ્માત વિમો લે છે તે હેતુ બર આવતો નથી. માર્કેટયાર્ડે તા.૧-૯-૧૫ થી ૩૧-૮-૧૬ ના વર્ષમાં ધી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપની સુરત ઓફીસ દ્વારા રૂા.૨૩,૧૨,૫૦૦/- નું પ્રિમિયમ ભર્યુ હતુ. જે વર્ષે ૭૨ ક્લેમ નોધાયા હતા. જેમાંથી ૨૫ ક્લેમ મંજુર કરાયા, ૧૬ નામંજૂર કરાયા અને ૩૧ ક્લેમ પેન્ડીંગ રાખવામાં આવ્યા છે. માર્કેટયાર્ડે વર્ષ ૧૬-૧૭ માં રૂા.૧,૫૦,૦૦૦/- નો ગૃપ વિમો નક્કી કરી યુનીસન ઈન્સ્યોરન્સ બ્રોકીંગ સર્વિસ પ્રા.લી. અમદાવાદ દ્વારા ધી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીમાં રૂા.૩૨,૯૦,૦૦૦/- નું પ્રિમિયમ ભર્યુ હતું. જે વર્ષે ૪૬ ક્લેમ નોધાયા હતા. જેમાંથી ૮ મંજૂર કરાયા હતા. ૧૬ નામંજૂર કરાયા અને ૨૨ ક્લેમ પેન્ડીંગ રાખવામાં આવ્યા. વર્ષ ૧૭-૧૮ માં એન્ટીક ઈન્સ્યોરન્સ બ્રોકર્સ એન્ડ રીસ્ક મેનેજમેન્ટ પ્રા.લી. અમદાવાદ દ્વારા ધી ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીમાં રૂા.૩૬,૧૯,૦૦૦/- નુ પ્રિમિયમ ભરવામાં આવ્યુ હતુ. જે વર્ષે ૫૫ ક્લેમ નોધાયા હતા. જેમાંથી ૧૪ ક્લેમ મંજૂર કરાયા, ૧૬ નામંજૂર કરાયા અને ૨૫ ક્લેમ પેન્ડીંગ રાખવામાં આવ્યા. આ ત્રણ વર્ષમાં વિમા કંપનીઓ અને બ્રોકરો દ્વારા પ્રિમિયમ તો લેવામાં આવ્યુ. પરંતુ યેનકેન પ્રકારેના કારણો આપી ૪૫ ક્લેમ નામંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ ૧૫-૧૬ માં ૩૧, વર્ષ ૧૬-૧૭ માં ૪૬ અને વર્ષ ૧૭-૧૮ માં ૫૫ ક્લેમ જે પેન્ડીંગ રાખવામાં આવ્યા છે તેનો વિમા કંપનીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી. બ્રોકરો કમિશન લઈ જવાબદારીમાંથી છટક્યા છે. જ્યારે માર્કેટયાર્ડ કંપનીઓ સાથે પત્રવ્યવહાર કરવા છતાં કોઈ જવાબ મળતો નથી. વિમા કંપનીઓ ક્લેમ મંજૂર નહી કરી પેન્ડીંગ રાખી ખોટી રીતે હેરાન કરવામાં આવતા માર્કેટયાર્ડ દ્વારા આ ત્રણ વર્ષના ૭૮ કેસ માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ન્યાય માટે લડત શરૂ કરી છે.
વિમા કંપનીઓની બહારની ઓફીસો અને બ્રોકરો દ્વારા મોટા પ્રિમિયમ લેવા છતાં ક્લેમ મંજૂર કરવામાં હેરાનગતી કરવામાં આવતા માર્કેટયાર્ડ દ્વારા હવે ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીના વિસનગરના એજન્ટ ગ્લોબલ ઓનેસ્ટવાળા ડી.આઈ.પટેલ મારફત પ્રિમિયમ ભરવાનું શરૂ કર્યુ છે. જેમાં વર્ષ ૧૮-૧૯ માં રૂા.૨૮,૨૦,૦૦૦/- નું પ્રિમિયમ ભરવામાં આવ્યુ હતું. જે વર્ષે ૩૮ કેસ નોધાયા હતા. જેમાંથી ૨૨ મંજૂર થયા, ૧૧ નામંજૂર થયા અને ૫ ક્લેમની પ્રોસેસ ચાલુ છે. વિસનગરના એજન્ટ ડી.આઈ.પટેલની ક્લેમ માટેની સારી કામગીરીને ધ્યાનમાં લઈ વર્ષ ૧૯-૨૦ નુ રૂા.૩૩,૩૧,૦૦૦/- નું પ્રિમિયમ પણ તેમના મારફતે ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીમાં ભરવામાં આવ્યુ છે.