Select Page

લોકડાઉનમાં સરપંચોના પ્રશ્નો બાબતે તંત્ર ધ્યાન આપે

લોકડાઉનમાં સરપંચોના પ્રશ્નો બાબતે તંત્ર ધ્યાન આપે

વિસનગર સરપંચ એસો.ના પ્રમુખ ભરતભાઈ ગામીની વ્યથા

લોકડાઉનમાં સરપંચોના પ્રશ્નો બાબતે તંત્ર ધ્યાન આપે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોક ડાઉનમાં ખેતી ઉપર અસર થાય નહી તે માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે બીજી બાજુ વહિવટી તંત્ર અને પોલીસની ખોટી કનડતગતથી ખેતી કરવી મુશ્કેલી બની છે. વિસનગર સરપંચ એસો.ના પ્રમુખ ભરતભાઈ ગામીએ ખેતીમાં નડતરરૂપ સરપંચોના પ્રશ્નો બાબતે ધ્યાન આપવા તંત્રને અપીલ કરી છે.
ગત ચોમાસુ સારુ જતા અત્યારે ખેતી માટે પાણીની પુરતી વ્યવસ્થા છે. ચોમાસામા પાછોતરો વરસાદ થતા ખેતી ફેલ થઈ હતી. શીયાળામાં ખેતી સારી હતી ત્યારે માવઠાથી પાક બગડ્યો હતો. ચોમાસુ અને શીયાળુ ખેતી નિષ્ફળ જતા ખેડુતો ખર્ચના ખાડામા ઉતરી ગયા હતા. અત્યારે ખેતી માટે પાણીની વ્યવસ્થા છે. ઉનાળુ ખેતી સારી થાય તેમ છે. ત્યારે લોક ડાઉનના કારણે ખેડુતોની ખેતી કરવી મુશ્કેલ થઈ પડી છે. આ બાબતે વિસનગર સરપંચ એસો.ના પ્રમુખ કાંસાના સરપંચ ભરતભાઈ ગામીએ જણાવ્યુ છે. મોટા ભાગના સરપંચોની ફરિયાદ છે કે પોલીસ અને વહિવટી તંત્રના નિર્ણય શક્તિના અભાવે ખેતી થઈ શક્તી નથી. ખેડુતોને નેળીયાના માર્ગે કાચા રસ્તા ઉપર થઈ ખેતરમાં જવું પડે છે. ખેડુત ટ્રેક્ટર, સ્કુટર કે બાઈક લઈને જાય ત્યારે વાહનોમાં પંક્ચર પડવાના બનાવ બને છે. ત્યારે ટાયર પંચરની કોઈ દુકાન ખોલવા દેવામાં આવતી નથી. ટાયર પંચરની દુકાન ખોલવામા આવે તો પોલીસ દ્વારા કેસ કરવામાં આવે છે. ઉનાળામાં ટ્યુબવેલ અને કુવાના પંપથી પાણી ખેંચી ખેતી કરવામાં આવે છે. ત્યારે ટ્યુબવેલ અને પંપની મશીનરી બગડવાના પ્રશ્નો ઉભા થયા છે. ટ્યુબવેલ રીપેરીંગ માટે ટ્રેક્ટર સાથેની રીગ લઈને મજુર ખેતરમાં જાયતો પોલીસ દ્વારા ખોટી કનડગત કરવામાં આવે છે. ટ્યુબવેલ રીપેરીંગ માટે ટ્રેક્ટરના ડ્રાઈવર તથા રીગ સાથે બે થી ત્રણ મજુર હોય છે. પોલીસના ડરથી રીપેરીંગ કામ થતુ નથી. ટ્યુબવેલ અને પંપ રીપેરીંગ માટે કારખાના કે દુકાનો ખોલવાની મંજુરી નહી હોવાથી રીપેરીંગની પણ મુશ્કેલી છે. ગામડામા ખેતી કામ માટે ખેડુત જતા હોય તો પોલીસ પકડીને જાહેરનામા ભંગની કાર્યવાહી કરે છે. મોટા ભાગના ગામડાઓમાં બહારની કોઈ અવર-જવર રહે નહી તે માટે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં પ્રવેશતા રસ્તાઓ બંધ કરી ત્યા યુવાનો દ્વારા ચોકી કરવામાં આવે છે. ત્યારે પોલીસ ચોકી કરતા યુવાનો વિરૂધ્ધ કાર્યવાહી કરે છે. લોકડાઉનના કારણે ખેતી તથા ગ્રામજનોને વગર જોઈતી મુશ્કેલીઓ પડી રહી છે. જે બાબતે તંત્ર ધ્યાન નહી આપે તો ખેતી નિષ્ફળ જશે અને ખેડુતો બે હાલ થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us