તંત્રી સ્થાનેથી…પરપ્રાંતીય શ્રમીકો પ્રસાધનો વેચી વતનમાં ગયા ત્યારે સરકાર,વિરોધ પક્ષ કોંગ્રેસ, દાતાઓ કેમ દેખાયા નહિ?
તંત્રી સ્થાનેથી…
પરપ્રાંતીય શ્રમીકો પ્રસાધનો વેચી વતનમાં ગયા ત્યારે
સરકાર,વિરોધ પક્ષ કોંગ્રેસ, દાતાઓ કેમ દેખાયા નહિ?
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળેલ સરકારે મોડે મોડે જાહેરાત કરી કે પરપ્રાંતિય શ્રમીકોને તેમના વતન જવાની છુટ આપવામાં આવશે. આ જાહેરાત સામે રાજકારણ મેદાનમાં આવ્યું. કોંગ્રેસી સુપ્રીમો સોનીયાજીએ શ્રમીકોને વતન જવાનો ખર્ચ આપવા માટેનું નિવેદન કર્યુ. હરકતમાં આવેલ ભાજપ સરકારે તેમના પ્રવક્તા દ્વારા જાહેરાત કરાવી કે, વતન જતા શ્રમીકોને કેન્દ્ર સરકાર ૮૫ ટકા ખર્ચ આપશે. ૧૫ ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ૪૦ દિવસથી બેસી રહેલા શ્રમીકો ઘર વાપસી માટે ઉતાવળા થયા. સ્થાનિક રાજકીય ભાજપના આગેવાનોએ કલેક્ટર અને પ્રાન્ત ઓફીસર સાથે પર પ્રાંતિય શ્રમીકોને જવાની મંજુરી માટે કાર્યવાહી કરવાની પરામર્શ કરી, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર મંજુરીઓ વાયા નગરપાલિકા, ઓનલાઈન જીલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી. વાત આવી ભાડાની, તે સમયે અખબારોમાં આવેલા નિવેદનો કાગળ ઉપરજ રહ્યા. જીલ્લા કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે વાહન ભાડુ જે તે શ્રમીકને આપવાનું રહેશે. ૪૦ દિવસ લોકડાઉનમાં બેસી રહી બચતમાંથી ખાધા પછી શ્રમીકોને વતન જવાની ઉતાવળ આવી. મોબાઈલ, સોનાના દોરા, બાઈક, ઘડીયાળો વેચી પૈસા ભેગા કરી વતન જવાનો એક વ્યક્તિનો આશરે ૨૦૦૦/- રૂપિયાનો ખર્ચ ભેગો કરવો પડ્યો. ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છેકે, કોંગ્રેસે પહેલા શ્રમીકોને વતન મોકલવાનો ખર્ચ ઉપાડવાની જાહેરાતનુ શું? કોંગ્રેસ પક્ષની જાહેરાતને ખંડીત કરનાર ભાજપ પક્ષના પ્રવક્તાના નિવેદનોનું શું? ભાજપે શા માટે કોંગ્રેસ પક્ષને ખર્ચ કરતાં અટકાવી અને પોતે ફેરવી તોળ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પહેલાં કરેલુ નિવેદન સાચુ હતુ તો પરપ્રાંતીયો શ્રમીકો માટે ખર્ચ કરવા માટે કોંગ્રેસ કેમ પાણીમાં બેઠી. આનો અર્થ એ છેકે તમામ રાજકીય પક્ષોની વાતો સાચી નહિ. લોકડાઉન થયું ને તરત ન ભૂખ્યાની સેવા કરવા નીકળી પડેલા દાતાઓ જ્યારે શ્રમીકો પોતાના પ્રસાધનો વેચી રહ્યા હતા તેવા સમયે જેટલું ભાડુ થતું હોય તેટલું નહિ તો પણ થોડીક મદદ કરવા માટે કોઈ દાતાઓ કેમ આવ્યા નહિ? પહેલુ લોકડાઉન જાહેર થયું ત્યારે તેનો સમય નક્કિ હતો. જેથી આટલા દિવસ માટે રસોડા ચલાવી મદદ કરવાની છે અને દાતાઓ મદદે લાગી ગયા. બીજુ લોકડાઉન આવ્યુ ત્યારે પણ દાતાઓનો જુસ્સો યથાવત હતો અને ત્રીજુ લોકડાઉન આવ્યુ ત્યારે દાતાઓનો જુસ્સો ઓસરી ગયો. તમામ રસોડા બંધ થઈ ગયા. ખરેખર જે લોકો દાન આપવાને લાયક હતા તેવા ગરીબ શ્રમીકોની મદદે તંત્ર, વિરોધ પક્ષ કોંગ્રેસ, દાનવીર દાતાઓ આવ્યા નહિ અને બિચારા શ્રમીકો પ્રસાધનો વેચવામાં ખોટા માણસો પાસે લૂટાયા. શ્રમીકોના મગજમાં પડેલી આ છબી ચુંટણી ટાઈમ કેવુ કામ કરશે તે સમયજ કહેશે.