Select Page

ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં વિસનગર બન્યુ ખાડાનગર

ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં વિસનગર બન્યુ ખાડાનગર

શહેરમાં પડેલા ઠેર ઠેર ખાડામાં શહેરીજનો પટકાઈ રહ્યા છે

ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં વિસનગર બન્યુ ખાડાનગર

• એકપણ મુખ્ય માર્ગ એવો નથી કે જ્યાં ખાડો ન હોય
• અભી કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને ફેબ્રુઆરી ૨૦૨૦ માં ડામર રોડનો વર્ક ઓર્ડર અપાયો છે ત્યારે પ્રજાની હેરાનગતીનો વિચાર નહી કરી મુદત વધારી આપવામાં આવી છે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પાલિકાના કોન્ટ્રાક્ટરોની આળપંપાળ કરતા તથા હલકી ગુણવતતાનુ કામ હોય તેમ છતાં બીલો મંજુર કરતા ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં વિસનગરની હાલત અત્યારે બદ્દતર બની છે. વરસાદના કારણે શહેરનો એકપણ માર્ગ એવો નથી કે જ્યાં ખાડા ન હોય. વેટ મીક્સ અને રોડા નાખી સંતોષ માનતા પાલિકાના નિષ્ક્રીય વહીવટના કારણે અત્યારે શહેરની પ્રજા પટકાઈ રહી છે. ઠેર ઠેર ખાડાના કારણે સમસમીને બેઠેલા શહેરીજનોમાં રોષ છેકે, વેરો ભરવા છતાં અત્યારે ભલે પટકો, આવનારી ચુંટણીમાં કેવા પટકીએ છીએ એ સમય બતાવશે. પાલિકાના ખાડે ગયેલા વહીવટના કારણે પ્રજા સ્ટ્રીટ લાઈટોના પ્રશ્ને પણ એટલીજ પરેશાન છે. આવી હેરાનગતી તો ક્યારેય જોઈ ન હોય તેવો અનુભવ શહેરની પ્રજા કરી રહી છે.
વિસનગર પાલિકાનો વહીવટ અત્યારે ખરેખર ખાડે ગયો છે. શહેરમાં પડેલા ખાડા, સ્ટ્રીટલાઈટ, સ્વચ્છતા, ડોર ટુ ડોર કલેક્શન, પીવાનુ પાણી વિગેરે સુવિધાઓ સામે લોકોનો ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો પૂર્ણ સંતોષ હોય તેવી પાલિકાની અત્યારે એકપણ સેવા જોવા મળતી નથી. જેમાં સામાન્ય વરસાદમાં શહેરના દરેક માર્ગ ઉપર પડેલા ખાડાઓએ તો ભારે કરી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલા હલકી ગુણવત્તાના કામના કારણે સામાન્ય વરસાદમાં ડામર રોડની કપચી ઉખડી જતાં મસમોટા ખાડા પડી ગયા છે. ચોમાસા પહેલાજ પાલિકા દ્વારા વેટમીક્ષ નાખી ખાડા પુરવામાં આવ્યા હતા. વરસાદમાં વેટમીક્ષ ધોવાતા ફરીથી ખાડા થઈ ગયા છે. વેટમીક્ષની રોડ ઉપર છુટી પડેલી કપચી પણ વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનાવી રહી છે. રોડ ઉપર કપચી ઉખડતા આ ઝીણી કપચીના કારણે પણ નાના વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ભ્રષ્ટાચારના કારણે ખાડા પડવાથી પગતળે રેલો આવતા હેબતાઈ ગયેલા પાલિકા તંત્રને વાહન ચાલકોને નડતરરૂપ રોડ ઉપર ફેલાયેલી કપચી સાફ કરવાનુ પણ સુજતુ નથી. શહેરનો એકપણ માર્ગ એવો નથી કે જે રોડ ઉપર ખાડા ન હોય. એમ.એન.કોલેજ રોડ ઉપર પંડ્યાના નાળાથી વસુંધરા, સ્વસ્તીક સોસાયટી સુધી, સવાલા દરવાજાથી નવદુર્ગા ભાજીપાઉં સુધી, સવાલા દરવાજા બી.એમ.કોમ્પલેક્ષ પાસે, પટેલવાડી આગળ પંચાલ માર્કેટ વળાંકમાં, પાલિકા પ્રમુખ જ્યાં બેસે છે તે ગીતા ઈન્ડસ્ટ્રીઝની સામે, ત્રણ દરવાજા ટાવર આગળ બજરંગ ચોક, મહેસાણા રોડ ગુરૂનાનક સીંધી સોસાયટી આગળ, સવાલા દરવાજા ઢાળમાં, તાલુકા સેવા સદન દગાલા વિસ્તાર, લાલ દરવાજાથી પટણી દરવાજા, પટણી દરવાજાથી સાર્વજનિક સ્મશાનગૃહના રસ્તે, મારવાડી વાસ આગળ, બી.એડ.કોલેજ રોડ વિગેરે રસ્તાઓ ઉપર ખાડા પડ્યા છે. કેટલીક જગ્યાએ તો ખાડામાં રોડ હોય તેવી હાલત જોવા મળી રહી છે. મહેસાણા રોડ ઉપર કપચી ઉખડી જતા સાયકલ અને નાના વાહનો ફગી જવાના બનાવો બને છે. પાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર અને સભ્યો ખાડા જોવા નીકળે તો ખબર પડે કે લોકોનો કેટલો રોષ છે.
પાલિકાની જનરલમાં કોન્ટ્રાક્ટરોને વારંવાર મુદત વધારી આપતા સભ્યો પણ આ ખખડધજ રોડ માટે જવાબદાર છે. અભી કન્સ્ટ્રક્શનને સવાલા દરવાજા બસ સ્ટેન્ડથી પંડ્યાના નાળા સુધી તથા પટણી દરવાજાથી સાર્વજનિક સ્મશાન સુધી ડામર રોડ બનાવવા ફેબ્રુઆરી ૨૦૨૦ માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે આ કોન્ટ્રાક્ટર ભાજપના અદના નેતાનો નજીકનો સબંધી છે. જે કોન્ટ્રાક્ટરે મુદતમાં આ બે રોડ બનાવ્યા હોત તો ખાડામાંથી મુક્તી મળી હોત. કોન્ટ્રાક્ટરોની આળપંપાળ તથા કોન્ટ્રાક્ટરોની પાછળ પાછળ ફરવાના કારણે શહેરની આવી હાલત થઈ છે. જે માટે જવાબદાર ભાજપનુ સત્તાધારી બોર્ડ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us