Select Page

ઈશ્વરલાલ બીરલા શેઠે મંદિર પ્રતિષ્ઠા સાથે દિકરીઓનુ સન્માન કર્યુ

વર્ષોથી અમેરિકા રહેવા છતા વિસનગરમાં દાન ધર્મ અને સમાજ પ્રત્યેનુ ઋણ નહી ચુકનાર

વિસનગરના વતની અને એન.આર.આઈ. ઈશ્વરલાલ બીરલા શેઠે શહેરની ઘણી સંસ્થાઓમાં દાન આપ્યુ છે. આ વખતે ફરી ભૂતનાથ મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર તથા પ્રતિષ્ઠા મહોત્સવનો ખર્ચ ઉઠાવી સાથે સાથે ગોવિંદચકલા પાટીદાર સમાજની દિકરીઓનુ સ્નેહમિલન કરી ધાર્મિક સાથે સામાજીક ભવ્ય મહોત્સવ ઉજવ્યો હતો. બીરલા શેઠના હસ્તે બીજી મંદિરની પ્રતિષ્ઠા થઈ છે. મોટી સંખ્યામાં આમંત્રીતો તથા બહેન દિકરીઓએ બે દિવસનો મહોત્સવ માણ્યો હતો. બીરલા શેઠની અપીલથી મંદિર વિકાસ અને નિભામણી માટે રૂા.૧૨ લાખ માતબર દાનની પણ દાતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
વિસનગરમાં ભાથીટીંબા ઠાકોરવાસ ગંજી સ્મશાનની પાછળ આવેલ ભૂતનાથ મહાદેવનુ મંદિર વર્ષો જૂનુ હતુ. એકજ વ્યક્તિ બેસી શકે તેવો મંદિરનો ગભારો હતો. ત્યારે વિસનગરના વતની અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા શહેરની વિવિધ સંસ્થાઓમાં દાન આપનાર દાતા ઈશ્વરલાલ શંકરલાલ પટેલ ઉર્ફે બીરલા શેઠના રૂા.૯ લાખના દાનથી આખુ મંદિર નવુ બનાવવામાં આવ્યુ. ઉપરાંત્ત પ્રતિષ્ઠા મહોત્સવનો ખર્ચનુ પણ સૌજન્ય બીરલા શેઠ દ્વારા આપવામાં આવ્યુ. આદર્શ હાઈસ્કુલ સામે અંબિકા-આશિષ-ગાયત્રી સોસાયટીના નાકે નાળાની પાસે પાયામાંથી નવા બનેલ ભૂતનાથ મહાદેવ મંદિરનો તા.૩૧-૫ અને ૧-૬-૨૦૨૨ એમ બે દિવસનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. મહોત્સવના પ્રથમ દિવસે મૂર્તિઓ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સદુથલા કૈલાસ ટેકરીના મહંત પૂ.પ્રયાગપુરી મહારાજના આશિર્વાદથી તેમજ પ્રતિષ્ઠા કર્મના આચાર્ય રાજેશકુમાર એ.જોષી વિસનગર તથા પ્રતિષ્ઠા કર્મના વેદાચાર્ય ચીરાગભાઈ શાસ્ત્રી ઉંઝા તથા ભૂદેવોની ટીમના વૈદિક મંત્રોચ્ચારથી પૂજા વિધિ કરાઈ હતી.
પ્રતિષ્ઠાના બીજા દિવસે મંદિરના પ્રાંગણમાં સાધુ સંતોને બોલાવી શાલ તથા ભેટ કવર આપી ભોજન કરાવ્યુ હતુ. બપોરે ૧૨-૩૯ કલાકે મંદિરની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સાથે ઈશ્વરલાલ બીરલા શેઠ તથા તેમના ધર્મપત્ની ભીખીબેન પટેલ દ્વારા ગોવિંદચકલા પાટીદાર સમાજની દીકરીઓને પણ આમંત્રણ આપી સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. બપોરે ૧-૩૦ કલાકે આદર્શ હાઈસ્કુલ મેદાનમાં યોજાયેલ સ્નેહમિલનના કાર્યક્રમમાં પૂજ્ય દેવ મોરારી બાપુ, સાંસદ શારદાબેન પટેલ, પ્રતિષ્ઠા મહોત્સવમાં અમેરિકાથી આવેલા બીરલા શેઠના ભાઈ સમાન મિત્ર યશવંતભાઈ પટેલ અને તેમના પત્ની વિમુબેન પટેલ, જશુભાઈ પટેલ કાંસા, નિવૃત્ત આચાર્ય ડી.એમ.પટેલ, કમલેશભાઈ જીવાભાઈ પટેલ, ચંદુભાઈ વકીલ, બાબુભાઈ વાસણવાળા, ભરતભાઈ ચોક્સી, નાથાલાલ પટેલ, જયંતિભાઈ રંગવાળા, ભાવેશભાઈ પટેલ શ્રીજી બુલીયન, વિપુલભાઈ પટેલ પટેલ જ્વેલર્સ, કોર્પોરેટર આર.ડી.પટેલ, જગદીશભાઈ પટેલ, આઠ ગામ સમાજના પ્રમુખ હર્ષદભાઈ પટેલ, આઠ ગામ કેળવણી મંડળના પ્રમુખ પી.કે.પટેલ, ગોવિંદચકલા પાટીદાર વાડીના કારોબારી સભ્યો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જેમાં વક્તાઓએ બીરલા શેઠની ધર્મપરાયણ તથા દિકરીઓ પ્રત્યે સન્માનની ભાવનાની ભારોભાર પ્રશંસા કરી હતી. સ્નેહમિલન કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ પટેલ સાયકલવાળાએ પોતાની આગવી શૈલીમાં કર્યુ હતુ.
ઈશ્વરલાલ બીરલા શેઠ દ્વારા દરેક બહેન દિકરીઓને ભેટ આપવામાં આવી હતી. સાંજે ૬૦૦૦ ઉપરાંત્ત આમંત્રીતોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. નોધપાત્ર બાબત છેકે બીરલા શેઠે અગાઉ તેમના ગુરૂ અમરપુરી મહારાજનુ બાસણામાં આશરે એક કરોડ રૂપિયાના ખર્ચે મંદિર બનાવી પ્રતિષ્ઠા કરી હતી. ભૂતનાથ મહાદેવ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ બીરલા શેઠના જીવનમાં બીજો કાર્યક્રમ થયો. મંદિરના પટાંગણના વિકાસ માટે તથા મંદિરની નિભામણી માટે બીરલા શેઠ દ્વારા દાનની અપીલ કરવામાં આવતા બે જ દિવસમાં રૂા.૧૨ લાખનુ માતબર દાન એકઠુ થયુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us