Select Page

જાહેર મિલકતોને નુકશાન એટલે મોંઘવારીમાં વધારો

જાહેર મિલકતોને નુકશાન એટલે મોંઘવારીમાં વધારો

તંત્રી સ્થાનેથી…

ભારતીય સેનામાં અગ્નિપથ વીરોની ભરતીની નવી યોજના એક નવતર પ્રયોગ છે. આમા ભરતી થનાર યુવાનને ચાર વર્ષ સુધી ટ્રેનીંગ લઈને સેવા આપવાની છે. આ અગ્નિપથ યોજનામાં સેનામાં જોડાનાર યુવાનને નોકરીમાંથી (લશ્કરી નોકરીમાંથી) છુટા થયા પછી કેટલાક રાજ્યોમાં સરકારી નોકરી, ટાટા કંપનીમાં નોકરીની જોગવાઈ કરવામાં આવનાર છે. આ યોજના પાછળ ભારતમાં લશ્કરી સૈનિકોનો વધારો કરવાનો હોઈ શકે છે. એક વખત ચાર વર્ષ ટ્રેનીંગ લેનાર વ્યક્તિ ભવિષ્યમાં દેશને જરૂર પડે ત્યારે મદદમાં આવી શકે છે. આવા શુભાશયથી થયેલી યોજનાનો રાજકીય પક્ષોની પડદા પાછળની હિલચાલથી વિરોધ ચાલી રહ્યો છે. ટ્રેનો સળગાવાય છે. ટ્રેનો ઉપર પથ્થરમારો કરી નિર્દોષ નાગરીકોને ઈજા પહોંચાડવામાં આવે છે. રાજનેતાઓના ઘર સુધી આંદોલન કરનારાઓ પહોંચી ગયા છે. ભારત સરકારે યુવાનોને દેશ સેવાની તક મળે બેરોજગારી ઘટે ચાર વર્ષ ટ્રેનીંગ પૂર્ણ કર્યા બાદ તેમને ઠરીઠામ કરી મદદ આપવાની ખાતરી પણ આપી છે. તેમ છતાં જે તોફાનોના બનાવો બની ગયા છે તે ચિંતાજનક છે. યુ.પી.માં વધુ પડતા પથ્થરમારાના બનાવો બન્યા છે. બીજા રાજ્યોમાં પણ સરકારની નવી યોજના સામે વિરોધ પક્ષના ઈશારે આંદોલન ચાલી રહ્યા છે. લોકશાહીમાં વિરોધ બંધારણીય અધિકાર છે પણ હિંસા આચરી તમારાજ દેશની તમારી જાહેર માલ મિલકતો સળગાવી રાજકીય નેતાઓ ઉપર હુમલાઓ તે યોગ્ય નથી. આવુ ફરીથી ન બને તે જોવાની જરૂરીયાત છે. હરીયાણામાં પણ અગ્નિપથ યોજના વિરુધ્ધમાં પ્રદર્શનો થયા. હરીયાણાના ગૃહમંત્રી અનીલ વી.જે. જણાવ્યુ હતું કે વિરોધ પ્રદર્શન કરવું તે લોકશાહીમાં દરેક વ્યક્તિનો હક્ક છે. તોડફોડ કરનારાઓ, આગચંપી કરનારા લોકો અગ્નિપથ યોજના અન્વયે સેનામાં જનારા હોઈ શકે નહિ. સેનામાં તો સારા લોકો જાય છે. ભારત દેશમાં કેટલાક એવા તત્વો છે કે જે સરકારના નવા અભિગમ ઉપર વિરોધ કરવાની તક શોધવામાં હોય છે. કઈ રીતે દેશની શાંતિ ભંગ ગઈ શકે? અનીલ વી.જે. કહ્યુ હતું કે તોડફોડમાં સામેલ લોકોની સૂચિ તૈયાર થઈ રહી છે. તેમને કોઈપણ ભોગે છોડવામાં આવશે નહિ. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું હતું કે તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે ભારત દેશ તમારો છે. દેશની મિલકતો ઉપર તમારો અધિકાર છે. જ્યાં તમારો અધિકાર હોય તે જગ્યાએ તમે નુકશાન પહોંચાડો તે અયોગ્ય છે. બિહારથી લઈ તેલંગાણા સુધી લોકો વિરોધ કરી રહ્યા હતા. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નિવેદન આપ્યું છે યોજનામાં બે વર્ષની ઉંમરનો વધારો કરનાર પ્રધાનમંત્રીજી દેશના યુવાનોની ચિંતાથી સારી રીતે વાકેફ છે. ભારત દેશમાં જ્યારે જ્યારે નવો કોઈ અભિગમ આવે ત્યારે કેટલાક તત્વો એવા છેકે જે નવા નવા અભિગમને વિકૃત સ્વરૂપે રજૂ કરી તોફાનો કરાવે છે. કોઈપણ માણસ પોતાનું ઘર સળગાવતો નથી. ઘર સળગાવનાર મૂર્ખ ગણાય છે. આપણે ભારત દેશના નાગરીકો છીએ. સરકારી મિલકતો આપણા જ પાસેથી ઉઘરાવાતા ટેક્સમાંથી બને છે. જેથી આપણેજ આપણી મિલકતો સળગાવી મૂર્ખ સાબિત થઈએ છીએ. મિલકતોને નુકશાન થવાથી ટેક્સમાં વધારો થવાનો છે. ટેક્સમાં વધારો થશે એટલે મોંઘવારી વધવાની છે. તો આપણે શા માટે સરકારી મિલકતોને નુકશાન કરી મોંઘવારીને આમંત્રણ આપીએ છીએ? લોકશાહીમાં વિરોધ એ અનિવાર્ય અંગ છે. વિરોધની સાથે તોફાનો કરવાથી આપણો કરેલો વિરોધ ખોટો સાબિત થાય છે. માટે વિરોધ કરો પણ તોફાનોને તિલાંજલિ આપવી જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us