
ખુરશીની ખેંચતાણમાં પ્રજા ભૂલાઈ ગઈ છે

તંત્રી સ્થાનેથી…
રાજનીતિમાં ખુરશીનો ખેલ વર્ષ પરંપરાગત ચાલતો સીલસીલો છે. ખુરશીની ખેંચતાણમાં સંબંધો પણ જોવાતા નથી. રાજકારણમાં કોઈનું મિત્ર નથી અને કોઈ કોઈનો દુશ્મન નથી. ફક્ત સત્તાને નજર સમક્ષ રાખીને જ ચાલતો ખુરશીનો ખેલ છે. પારિવારીક સંબંધો હોય તો પણ એ સંબંધો ખુરશી મેળવવાની ખેંચતાણમાં તુટી પડે છે. ખુરશી માટે રાજકીય અખાડા ખેલાય છે. હમણાં મહારાષ્ટ્રમાં જે થઈ ગયુ છે તે ખુરશી માટેનો ખેલ હતો. ઉધ્ધવ ઠાકરે સરકાર અને પક્ષ બચાવવાની ચિંતામાં છેવટે સી.એમ. પદ ઉપરથી રાજીનામુ આપ્યુ છે. આ ખેલમાં નિયમો, આદર્શો, સિધ્ધાંતો કે વિચારધારાના કારણે એકબાજુ મૂકાઈ જાય છે. સૌને કેવળ ખુરશી દેખાઈ રહી છે. ખુરશી માટેની આ લડાઈ છે. હમણાં મહારાષ્ટ્રમાં બમણા વેગે ચાલી રહી હતી. ભૂતકાળમાં અનેક વખત સરકારો તૂટી છે. અને તડજોડ પછી પુનઃ જોડાણ થયા છે. આવી બળવો કરીને મેળવેલી સરકાર લાંબો સમય ચાલતી નથી અને ટકતી પણ નથી. બળવામાં ટેકો આપનાર વિદ્યાયકો અલગ જઈને બેસે છે. મહારાષ્ટ્રમાં પણ આવું ૪૨ થી ૪૫ ધારાસભ્યો બળવો કરી અલગ જઈ બેઠા હતા. તેમનો આશય બીજા પક્ષમાં જોડાવાનો નથી. શિવસેનામાં જ રહેવાનું મુનાસીબ માને છે. હાલના સંજોગો જોતાં એ વાત બળવા પછી શક્ય નથી. આ બળવાખોર ધારાસભ્યો સરકાર રચવાનો દાવો કરે છે. આ ખેંચતાણ પાછળ મુખ્યત્વે કેન્દ્ર સ્થાને ખુરશીજ છે. સમગ્ર ખેલ ખુરશી માટેનો છે. પણ એક હકીકત સ્વીકારવી રહી કે કોઈની ખુરશી ક્યારેય કાયમ માટે ટકી નથી અને આવનાર દિવસોમાં ટકશે પણ નહિ. ખુરશીનું આકર્ષણ આદી અનાદી કાળથી ચાલતુ આવ્યુ છે. મહાભારતનું યુદ્ધ પણ ગાદી માટેજ થયુ હતું. રામાયણમાં પણ રામના વનવાસનું કારણ રાજગાદીજ છે. આ જોતાં એમ કહી શકાય કે ખુરશીના આકર્ષણ પાછળ લડાઈ માત્રને માત્ર ખુરશી જ કારણભૂત બની રહે છે. ખુરશી ખેંચતાણમાં તોડફોડ, તડજોડ, ગઠબંધન, ઝપાઝપી, હુંસાતુસી, વેરઝેર વગેરે થાય છે. છત્રપતિ શિવાજીની ધરતી ઉપર ભયંકર ખેલ ખેલાઈ ગયો છે. ઉધ્ધવ અને શીંદે સામસામે આવી ગયા હતા તેમાં ઉધ્ધવ ઠાકરેની હાર થઈ છે. મહારાષ્ટ્રમાં જે બન્યું તે વર્ષો પહેલા કેશુબાપાની સરકારમાં બન્યુ હતું. ૪૨ જેટલા ધારાસભ્યોએ બળવો કરી ખજૂરાહો જતા રહ્યા હતા પણ ગુજરાતમાં મહારાષ્ટ્ર જેવું નથી કે ઉધ્ધવ ઠાકરે લઘુમતિમાં મૂકાયા છે. છતાંય સત્તા છોડવા માગતા ન હતા. વિનંતી અને કાલકૂદી સુધીની કાર્યવાહીઓ કરી બાદ હારી થાકી રાજીનામુ આપ્યુ. કેશુબાપાએ કેન્દ્રના કહેવાથી સત્તા છોડી દીધી અને તેમની જગ્યાએ સુરેશ મહેતાને બેસાડવામાં આવ્યા. બળવો કરનાર ધારાસભ્યો મોં થી એવું કહેતા હતા કે અમારે કેશુભાઈને દૂર કરવા હતા. પણ એમની બળવો કરવા પાછળ સત્તા મેળવવાનું મૂળભૂત કારણ હતું. જેથી સુરેશ મહેતાની સરકારમાં શંકરસિંહ બાપુની આગેવાની નીચે વીપનો અનાદર કરી બળવાખોર ધારાસભ્યોએ રા.જ.પા. પક્ષ રચ્યો હતો. રા.જ.પા. પક્ષના સી.એમ.શંકરસિંહ બાપુ બન્યા હતા. એટલે ખુરશીનો ખેલ ભારતના બીજા રાજ્યોમાં ખેલાઈ ચુક્યો છે. ગત છ વર્ષ દરમ્યાન અરૂણાચલ પ્રદેશથી લઈને મણીપુર, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ પછી હવે મહારાષ્ટ્રમાં સત્તા માટે જોડતોડ ચાલુ થઈ હતી. બીજા રાજ્યો કરતાં મહારાષ્ટ્રમાં કાઈક જૂદુજ છે. અહી શિવસેનાનું વર્ચસ્વ છે. આ બધુંજ ફક્તને ફક્ત ખુરશી માટેનોજ ખેલ છે. બળવો કરનાર ધારાસભ્યો તેમને મતદાન કર્યુ છે તેવી પ્રજાને તેમની નજર સમક્ષ રાખતા નથી.