ભાન્ડુમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં ૧૭ જુગારીયા ઝડપાયા
વિસનગર તાલુકા પોલીસની રહેમનજર તળે ધમધમતો જુગારનો અડ્ડો
- વિસનગર ભાજપ માટે સબ સલામત જ્યારે તાલુકા પી.આઈ. રાઠોડના ચાર્જમાં બેફામ બનેલી ગુનાહિત પ્રવૃત્તિઓથી ગામડાના લોકો ત્રાહીમામ
- લીસ્ટેડ ગેમ્બલર્સની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને મળી, ત્યારે તાલુકા પોલીસ કેમ અજાણ?
- જવાબદાર બીટ જમાદાર સામે પગલા ભરાશે કે પછી ઉપર સુધી હપ્તા પહોચતા હતા
- રૂા.૭૫ હજાર રોકડ, ૧૧ મોબાઈલ, ૭ બાઈક, પાણીના જગ, બાજીપત્તાની ૧૧ કેટ સહીત કુલ રૂા.૩.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- અડ્ડામાં એટલી મોટી સંખ્યામાં જુગારીયા હતા કે એસ.આર.પી.ની મદદ લેવી પડી
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.પી.રાઠોડના ચાર્જમાં તાલુકાના ગામડામાં ગુનાહિત પ્રવૃત્તિઓ એટલી હદે વધી છેકે ગામડાની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. છતા ભાજપ માટે સબ સલામત હોવાથી છેવટે લોકો પીસાઈ રહ્યા છે. તાલુકા પોલીસ ગુનેગારો અને અસમાજીક પ્રવૃત્તિઓને છાવરતી હોવાની સાબીતી ભાન્ડુમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ છે. આ રેડમાં પોલીસે ૧૭ જુગારીયા સાથે રૂા.૩.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તાલુકાની હદમાં જુગારનો મોટો અડ્ડો ચાલતો હોઈ અને તાલુકા પોલીસને ખબર હોય નહી તે માનવામાં આવે તેમ નથી. ભાન્ડુને અસમાજીક પ્રવૃત્તિઓનો અડ્ડો બનાવનાર પોલીસની જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી થશે કે નહી તેની ચર્ચાઓ શરૂ થઈ છે.
વિસનગર તાલુકા પોલીસ ખાનગી નાણાંકીય લેતી દેતીના વ્યવહારોમાં ગેરકાયદેસર રીતે પતાવટ કરી આપતી હોવાની ફરિયાદ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ અને સરકારના ગૃહ વિભાગ સુધી થઈ છે. છતા કોઈ પગલા ભરવામાં નહી આવતા હવે પોલીસ બેફામ બની છે. જેના કારણે તાલુકાના ગામડામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ફુલીફાલી છેે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઈ. આર.બી.ઝાલા સ્ટાફ સાથે મહેસાણા જીલ્લામાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે ભાન્ડુ ગામના લીસ્ટેડ ગેમ્બલર્સ ગનીભાઈ રહેમાનભાઈ મનસુરી તથા ઈસાકભાઈ ઉસ્માનભાઈ શેખ બન્ને પોતાની ભાગીદારીમાં બહારથી માણસો બોલાવી ભાન્ડુ હાઈવે પાસે બાબારી નાસ્તા હાઉસની પાછળ વડીયુ ગોચરના ખરાબામાં જાહેરમાં બાજીપત્તાનો જુગાર રમાડી રહ્યા છે. અડ્ડાના સંચાલકોએ વોચ રાખવા બાબારી નાસ્તા હાઉસ પાસે બે માણસો બેસાડ્યા હતા.
જુગારના અડ્ડા ઉપર મોટી સંખ્યામાં જુગાર રમાતો હોવાની પાકી બાતમી મળતા તેમજ અડ્ડા ઉપર જુગાર રમવા આવનાર જુગારીયાઓના વાહનોનો ખડકલો હોવાનુ જાણી પોલીસે એસ.આર.પી. જવાનોની મદદ લઈ રેડ કરી અડ્ડાની આસપાસ કોર્ડન કર્યુ હતુ. જેમાં રમેશજી કાનાજી ઠાકોર-ભાન્ડુ, દેવાજી ગોબરજી ઠાકોર-ભાન્ડુ, અઘરાજી રાસંગજી ઠાકોર-ભાન્ડુ, નથુભાઈ ગોવાભાઈ સોલંકી-મહેસાણા, ઈબ્રાહીમભાઈ મહંમદભાઈ પઠાણ-ભાન્ડુ, ઈબ્રાહીમભાઈ સલીમખાન મોગલ-સિધ્ધપુર, અમાજી વિસંગજી ઠાકોર-વડુ, જોગાજી જવાનજી ઠાકોર-ગામ કુવારા સિધ્ધપુર, મહેન્દ્રજી માનસંગજી ઠાકોર-ભાન્ડુ, ફુલાજી કચરાજી ઠાકોર-ભાન્ડુ, ભુપતભાઈ પ્રતાપભાઈ સલાટ-ઉંઝા, અશોકભાઈ આલજીભાઈ સોલંકી-પાટણ, જીતુભાઈ કાન્તીભાઈ પ્રજાપતિ-ભાન્ડુ, ચંદનજી અમરાજી ઠાકોર-વડુ, ગોવિંદજી ઉર્ફે દરબાર પ્રધાનજી ઠાકોર-સિધ્ધપુર, ગનીભાઈ રહેમાનભાઈ મનસુરી-ભાન્ડુ તથા ઈસાકભાઈ ઉસ્માનભાઈ શેખ-ભાન્ડુ એમ કુલ ૧૭ સામે કાર્યવાહી કરી હતી. રેડ દરમ્યાન નાસી ગયેલા ત્રણ જુગારીયાની બાઈક નંબર આધારે શોધખોળ શરૂ કરી છે. જુગારની આ રેડમાં પોલીસે સ્થળ ઉપર દાવમાં પડેલી રકમ રૂા.૭૪,૪૮૦/-, ૧૧ મોબાઈલ, ૭ બાઈક, પાણીના પાંચ જગ, કાળા કલરનું ચાર્ટ બોર્ડ, પ્લાસ્ટીકની ટોપલીઓ, બાજીપત્તાની ૧૧ કેટ સહીતનો કુલ રૂા.૩,૨૬,૪૮૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જુગારના અડ્ડા ઉપર અન્ય તાલુકામાંથી જુગારીયા રમવા આવતા હતા. છેલ્લા ઘણા સમયથી જુગારનો અડ્ડો ચાલતો હોવાની ચર્ચા છે ત્યારે તાલુકા પી.આઈ. એન.પી.રાઠોડ કે બીટ જમાદારને અડ્ડાની માહિતી હતી નહી કે જાણવા છતા અજાણ હતા તેની ભારે ચકચાર જાગી છે.