Select Page

વિસનગર પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલના અભાવે સ્વાસ્થપ્રેમીઓનો મહેસાણા અટલ સ્પોર્ટસ સેન્ટરમાં ઘસારો

વિસનગર પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલના અભાવે   સ્વાસ્થપ્રેમીઓનો મહેસાણા અટલ સ્પોર્ટસ સેન્ટરમાં ઘસારો

લોકો સ્વાસ્થ પ્રત્યે જાગૃત થયા છે. પરંતુ વિસનગરમાં કોઈ સ્વિમિંગ પુલ નહી હોવાથી સ્વાસ્થ્ય પ્રેમીઓ વહેલી સવારે મહેસાણા ધક્કા ખાઈ રહ્યા છે. કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ શહેરમાં સ્વિમિંગ પુલની સેવા શરૂ કરે તેવી એક લાગણી ઉભી થવા પામી છે.
ઉત્તર ગુજરાતમા જ્યારે એક પણ શહેરમાં ભુગર્ભ ગટર ન હોતી, પાઈપ લાઈનથી પીવાના પાણીની સેવા ન હોતી કે સ્વિમિંગ પુલ ન હતો ત્યારે નગરશેઠ દાતાઓના દાનથી આ તમામ સેવાઓ વિસનગર શહેરમા ઉપલબ્ધ હતી. લાલ દરવાજા એસ.બી.આઈ.ના જુના મકાનની બાજુમાં જ્યારે સ્વિમિંગ પુલ કાર્યરત હતો ત્યારે લોકો તેનો લાભ લેતા હતા. સ્વિમિંગ એક એવી કસરત છે કે જેમાં હાડકાનો ઘસારો થતો નથી અને શરીરના તમામ અંગોને કસરત મળે છે. જાળવણીના અભાવે લગભગ ૪૦ વર્ષ પહેલા સ્વિમિંગ પુલ બંધ થઈ ગયો હતો.
અત્યારે વિસનગરના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે. શહેરમાં કોઈ સ્પોર્ટસ સંકુલ નહી હોવાથી એમ.એન.કોલેજમા જોગીંગ કરવા જાય છે. શહેરના જીમ સેન્ટરોમા પણ પૈસા ખર્ચીને જાય છે. શહેરમાં સ્વિમિંગના ઘણા શોખીન છે. પરંતુ સ્વિમિંગ પુલ નહી હોવાથી મહેસાણા બીલાડીબાગની સામે આવેલ અટલ સ્પોર્ટસ સંકુલના સ્વિમિંગ પુલમા જવા મજબુર થયા છે. અગાઉ વિસનગરના લોકો વણીકર ક્લબમા જતા હતા. શહેરમાથી રોજ સવારે બે ઈકો ભરીને સ્વાસ્થ્ય પ્રેમીઓ મહેસાણા અટલ સ્પોર્ટસ સંકુલમાં જાય છે. પાલિકાના પુર્વ સભ્ય ફુલચંદભાઈ પટેલની રજુઆત બાદ કેબિનેટ મંત્રીની સુચનાથી વહિવટી તંત્રએ સ્પોર્ટસ સંકુલની જગ્યા શોેધવાની કવાયત હાથ ધરી છે. જે સ્પોર્ટસ સંકુલ બનતા ઘણા વર્ષ નિકળી જાય તેમ છે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના નેતૃત્વમાં અત્યારે સંકુલમા ક્રિકેટનુ મેદાન તૈયાર થયુ છે. જેમાં યુવા ક્રિકેટરો તૈયાર થઈ રહ્યા છે. લગભગ પાંચ વર્ષ અગાઉ એસ.કે. કેમ્પસમાં ઈન્ટરનેશનલ કક્ષાના સ્વિમિંગ પુલ સહિતના સ્પોર્ટસ સંકુલ માટે પ્રકાશભાઈ પટેલે પ્રયત્નો કર્યા હતા. પરંતુ મેડિકલ કોલેજ મંજુર થતા કોલેજના વિકાસ પાછળ તમામ બજેટ ફાળવતા સ્વિમિંગ પુલનો વિચાર પડતો મુકાયો હતો. સ્વિમિંગ પુલનુ મેઈન્ટનન્સ ઘણુ આવે છે. બનાવવાનો ખર્ચ પણ ઘણો થાય છે. ત્યારે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી જેવી માતબર સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલ પ્રયત્નો કરે તો સ્વિમિંગ પુલ બની શકે તેમ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us