રથયાત્રાનો રૂટ લંબાવવા શાંતિ સમિતિની બેઠકમાં ચર્ચા
વિસનગરની હદ વધતા તમામ લોકોને દર્શનનો લાભ આપવા
- તારીખ ૭ જુલાઈએ તાજીયા જુલુસનુ હિન્દુ આગેવાનો સ્વાગત કરશે
વિસનગરમાં વર્ષ પરંપરાગત નીકળતી રથયાત્રા તથા આગામી અઠવાડીયે મહોરમમા નીકળતા તાજીયા જુલુસ સંદર્ભે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રાનો રૂટ લંબાવવા થયેલી એક રજુઆત સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. પાલિકાના પુર્વ પ્રમુખ રૂપલભાઈ પટેલે રૂટ લંબાવવામા આવે તો રથયાત્રાના સ્વાગત માટે તમામ તૈયારી કરવા જણાવ્યુ હતુ. આગામી અઠવાડીયે તાજીયા જુલુસ પણ નીકળનાર હોઈ હિન્દુ આગેવાનોએ તાજીયાનુ સ્વાગત કરવા તૈયારી દર્શાવી હતી.
વિસનગરમાં રથયાત્રા તથા આગામી ૭ જુલાઈના રોજ તાજીયા જુલુસ માટે તા.૨૪-૬-૨૦૨૫ના રોજ હરિહર સેવા મંડળમા શાંતિ સમિતિની મિટીંગ યોજાઈ હતી. ડી.વાય.એસ.પી. દિનેશસિંહ ચૌૈહાણની અધ્યક્ષતામાં યોજાલેય મિટીંગમા પી.આઈ. એ.એન.ગઢવી, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ, દ્વારકેશભાઈ મણીયાર, હિન્દુ- મુસ્લીમ સમાજના આગેવાનો વિગેરેએ હાજરી આપી હતી. મિટીંગમાં રથયાત્રાની વ્યવસ્થા માટેની ચર્ચા કરવામાં આવી હતી. આ મિટીંગમાં ઉપસ્થિત પાલિકાના પુર્વ પ્રમુખ રૂપલભાઈ પટેલે રજુઆત કરી હતી કે, વિસનગર પાલિકાની હદ વધી છે. અને હવે કાંસા એન.એ.વિસ્તારનો પણ સમાવેશ થયો છે. શહેરની હદ વધતા પશ્ચિમ વિસ્તારના લોકોને પણ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ મળે તે માટે ગંજબજાર ફાટકથી શહિદવિર ભગતસિંહ બાવલાથી, વિવેકાનંદ સોસાયટી, એમ.એન.કોલેજથી રેલ્વ સર્કલ સુધીનો રૂટ લંબાવવો જોઈએ. આ રૂટ ઉપર રથયાત્રા નિકળે તો એન.એ.વિસ્તારના લોકોને પણ જગન્નાથજીના દર્શનનો લાભ મળે. રથયાત્રાના સ્વાગત માટે વોર્ડ નં.૧ના આ રૂટમા જમણવાર સુધીની તૈયારીઓ રજુઆતામાં દર્શાવી હતી. આ રજુઆતની સામે શહેરમા વિકાસ કામ ચાલતા હોવાથી બ્રીજ બની ગયા પછી વિચારણા કરવા માટેની પણ ચર્ચા થઈ હતી.
શાંતિ સમિતિની બેઠકમા બીજી એ પણ મહત્વની રજુઆત થઈ હતી કે, રામનવમીની શોભાયાત્રા સમયે તથા વર્ષ પરંપરાગત નીકળતી રથયાત્રામા કાજીવાડાના નાકે, ગુલઝાર પાન હાઉસ તથા લાલ દરવાજા વિસ્તારમાં મુસ્લીમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. રામનવમીએ ભગવાન શ્રીરામ અને અષાઢી બીજે ભગવાન જગન્નાથજીને હાર પહેરાવી મુસ્લીમ સમાજ સર્વધર્મ સમભાવની ભાવના દર્શાવે છે. ત્યારે તા.૭મી જુલાઈના રોજ નીકળનાર મહોરમના તાજીયા જુલુસનુ પણ હિન્દુ સમાજ દ્વારા સ્વાગત કરવુ જોઈએ. નોંધપાત્ર બાબત છે કે અગાઉ મંડી બજાર આગળ પાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસર દ્વારા તાજીયા જુલુસનુ સ્વાગત કરવામાં આવતુ હતુ. જે પરંપરા છેલ્લા કેટલાક વર્ષથી તુટી છે. કોમી એખલાસનું વાતાવરણ જળવાય અને સર્વધર્મ સદ્ભાવનાની ભાવના વધે તેવી રજુઆતને ઉપસ્થિત હિન્દુ સમાજના આગેવાનોએ સ્વિકારી તાજીયા જુલુસનુ સ્વાગત કરવા માટેની તૈયારી દર્શાવી હતી.