ખેરાલુના લોકોની તકલીફો બાબતે સેનેટરી ઈન્સ્પેક્ટરને સાથે રાખીપૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ તમામ વિસ્તારની ચકાસણી કરી
ખેરાલુ શહેરમાં હાલ વહીવટદાર સાશન છે. જેના કારણે પાલિકા પોપાબાઈનુ રાજ હોય તે રીતે પાલિકા તંત્ર વર્તી રહ્યુ છે. કોઈપણ પ્રશ્ન હોય પાલિકાના સેનેટરી ઈન્સપેક્ટર, બાંધકામ વિભાગ અને વોટરવર્કસ વિભાગ ત્રણેમા તાલમેલના અભાવે લોકો પારાવાર પરેશાન થઈ રહ્યા છે. વારંવાર લોકો પત્રકારો પાસે દોડી જાય છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીની આબરૂને લાંછન લાગે છે. ભાજપની ઝંખવાતી આબરૂને બચાવવા ખેરાલુ શહેરના લોકોની તકલીફો દૂર કરવા હવે પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ સક્રિય બન્યા છે. તાજેતરમાં સેનેટરી ઈન્સપેક્ટર ભાવેશભાઈ સાથે ખેરાલુ શહેરના તમામ વિસ્તારોનો રવિવારે તા.૬-૮-ર૦ર૩ ના રોજ બપોરે ત્રણ કલાકે પ્રવાસ કર્યો હતો. જેમા સેનેટરી ઈન્સ્પેક્ટર પાસેથી શુ કરીએ તો લોકોની તકલીફો ઓછી થાય તેની વિગતો મેળવી હતી.
ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ સૌથી પહેલા બસ સ્ટેન્ડ રોડ ઉપર રૂપેણ નદીના પુલ ઉપર પહોચ્યા હતા. જયાં ખેરાલુ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનેલા ૭૦૩ મકાનોનો જુનો કાટમાળ દુર કરી નદીને ઉંડી કરવા સુચનો લીધા હતા. પહેલા નદી ૧૦ ફુટ ઉંડી હતી હાલ નદી પુરાઈ ગઈ છે. જેના કારણે વધુ વરસાદમાં દુકાનોમાં પાણી પ્રવેશી જાય છે. રમીલાબેન દેસાઈએ જણાવ્યુ હતુ કે એક સાથે ૧૦ ઈંચ કરતા વધુ વરસાદ આવશે તો દુકાનો સાથે શહેરના નિચાણવાળા વિસ્તારમાં રહેતા પ૦૦ ઉપરાંત ઘરોમાં પાણી પ્રવેશી જાય તેવી પરિસ્થિતિનો ઉકેલ લાવવા રાજ્ય સરકારમાં રજૂઆત કરવાની ખાત્રી આપી હતી. રૂપેણ નદીના પુલથી રૂપેણ મુક્તિધામની મુલાકાત લીધી હતી. રૂપેણ મુક્તિધામ પાછળ નદીના પટમાં પ૦૦ મીટર સુધી જાતે ચાલીને રમીલાબેન દેસાઈએ તપાસ કરી હતી. નદીમાં ઉગી ગયેલી ઝાડીને કારણે વરસાદી પાણી અવરોધાતા પાણી નદીમાં ધીમુ પડે છે. જેથી લોકો હૈરાન થાય છે. નદીના પટની મોતીપુરાના નાળા સુધી સફાઈ કરવા રાજ્ય સરકારમા રમીલાબેન દેસાઈ રજુઆત કરશે.
મુક્તિધામથી બાલાપીર થઈ હાટડીયાના બિસ્માર રોડની તપાસ કરી હતી. હાટડીયાથી સુર્ય નારાયણ મંદિર થઈ દેસાઈવાડા વિજકચેરી સુધી તપાસ કરતા વિજકચેરી સામે કચરાના ઢગલા જોવા મળ્યા હતા. વિજકચેરીથી ખોખરવાડા સંઘ વચ્ચે રસ્તામાં પારાવાર ગંદકી બાબતે લોકોને ઠપકો પણ આપ્યો હતો. ખોખરવાડા સંઘથી હાઈવે ઉપરના રૂપેણ નદીના પુલ તથા નદીના પટની ચકાસણી કરી સિંચાઈ વિભાગના અધિકારીને રૂપેણ નદીનો પટ સાફ કરવા તતડાવ્યા હતા.મહાકાલેશ્વર ચેકડેમ તથા વૃદાંવન મહાદેવના ચેકડેમમા તિરાડો પડતા વરસાદી પાણી વહી જાય છે. તેને રીપેરીંગ કરવા સિંચાઈ વિભાગના અધિકારીઓને સુચનાઓ આપી હતી. ખેરાલુ શહેરનુ હાલ કોઈ રણીઘણી નથી જેથી લોકોની તકલીફો દૂર કરવા સેનેટરી ઈન્સ્પેક્ટરને સુચનાઓ આપી હતી. ખેરાલુ પાલિકા વિસ્તારમાં કોઈપણ તકલીફ હોય તો રમીલાબેન દેસાઈનો સંપર્ક કરવો જેથી પાલિકાના કર્મચારીઓ લોકોને હૈરાન કરતા હશે તો તેમા રાહત મળશે.